હુથીઓનો સાઉદી પર મોટો હુમલો, સામાન્ય નાગરિકોને બનાવ્યા નિશાન, 11થી વધુ ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Saudi Attack News : યમન સરહદ નજીક આવેલા સાઉદી અરેબિયાના નજરાન (Najran) વિસ્તારમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 4 વર્ષના બાળક સહિત 11 નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એપ્રિલ 2022 માં થયેલા યુદ્ધવિરામ બાદ સરહદી વિસ્તારમાં તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. સાઉદી સેનાએ આ હુમલાને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર અને કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે.
સાઉદી સેનાનો દાવો: નાગરિક વિસ્તારોને મુકાયા નિશાન
સાઉદી અરેબિયાની સેનાના પ્રવક્તા તૂર્કિયે અલ-મલ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘાયલોમાં 7 સાઉદી નાગરિકો, 1 યમની, 2 ઈજિપ્તીયન અને 1 પાકિસ્તાની પ્રવાસી સામેલ છે. હુથી મિલિશિયાએ જાણીજોઈને સામાન્ય નાગરિકો અને રહેણાંક વિસ્તારો પર અંધાધૂંધ ગોળીબાર અને રોકેટ દાગ્યા હતા. અલ-મલ્કીએ કડક શબ્દોમાં કહ્યું કે સામાન્ય નાગરિકોને નિશાન બનાવવું એ 'કસ્ટમરી ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લો' નો સીધો ભંગ છે.
યમન સૈન્ય કેમ્પ પર પણ હુમલો: 30 સૈનિકોના મોત
નજરાનમાં થયેલા હુમલાના થોડા કલાકો પહેલા જ હુથી બળવાખોરોએ મધ્ય અને પૂર્વ યમનમાં પણ મોટા આક્રમણની જવાબદારી લીધી હતી. યમનના સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, મારીબ (Marib) અને હદરામૌત (Hadramout) પ્રાંતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારના લશ્કરી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલાઓમાં ઓછામાં ઓછા 30 સરકારી સૈનિકોના મોત થયા છે અને 50 થી વધુ સૈનિકો ઘાયલ થયા છે.
સાઉદી સેના વિરુદ્ધ યુદ્ધની હાકલ
હુથી બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ જણાવ્યું હતું કે, પૂર્વ યમનમાં સાઉદી સમર્થિત દળોની વધી રહેલી જમાવટના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલામાં વિરોધી પક્ષના અનેક લશ્કરી વાહનો, શસ્ત્રાગારો અને કેમ્પો નષ્ટ કરી દેવાયા છે. સરીએ પોતાના સમર્થકોને સતર્ક રહેવા અને જ્યાં પણ સાઉદી સૈનિકોની હાજરી દેખાય ત્યાં તેમના પર હુમલો કરવાનો આદેશ આપ્યો છે. જોકે, નજરાનમાં નાગરિકો પર થયેલા હુમલા અંગે હુથીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.









