Iran vs Israel-USA War Updates : અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વકરતી જઈ રહી છે. અમેરિકા એક તરફ શાંતિની વાતો કરીને તેના ખતરનાક ઇરાદાઓને અંજામ આપવાની તૈયારીમાં છે ત્યારે ઈરાન પણ પીછેહઠ કરવા તૈયાર નથી અને તે તાબડતોબ ઈઝરાયલ પર હુમલાઓ કરી રહ્યો છે.
Iran vs Israel-USA War Updates LIVE
ઈરાનની એરસ્ટ્રાઈક, 7 ઈરાકી જવાનના મોત
ઉત્તર ઈરાકના કુર્દ વિસ્તારમાં ઈરાકી સેનાના મેડિકલ સેન્ટર પર ઈરાને મોટો હુમલો કર્યો છે. ઈરાનની એર સ્ટ્રાઈકમાં 7 ઈરાકી જવાનોના મોત થયા છે, જ્યારે 13 ઘાયલ થયા છે.
ઈરાનના સંરક્ષણ ઉદ્યોગો અને સબમરીન ડિઝાઇન કેન્દ્ર પર ઈઝરાયલની એરસ્ટ્રાઈક
ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે વધુ વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ઈઝરાયેલી વાયુસેનાએ ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે મંગળવારે ઈરાનના ઈસ્ફહાન શહેરમાં આવેલા હથિયાર નિર્માણ ઉદ્યોગો પર ભીષણ મિસાઈલ હુમલા કર્યા હતા. આ ઓપરેશનમાં સૌથી મોટો ફટકો ઈરાની નૌસેનાને પડ્યો છે, કારણ કે ઈઝરાયલે તે એકમાત્ર ઠેકાણાને નિશાન બનાવ્યું છે જ્યાં ઈરાનની સબમરીન અને તેની સિસ્ટમની ડિઝાઇન તૈયાર કરવામાં આવતી હતી. આ સાથે જ ઈઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન પર પણ મિસાઈલોનો મારો ચલાવીને તેની સૈન્ય શક્તિને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
જંગનો મામલો હવે UNHRCમાં પહોંચ્યો
પશ્ચિમ એશિયામાં વધી રહેલી આ અશાંતિનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે. ઈરાન દ્વારા બહેરીન, જોર્ડન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પર કરવામાં આવેલા હુમલાઓને લઈને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ગંભીર ચર્ચા થવા જઈ રહી છે. આ અંગે UNHRCમાં તાકીદની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ક્ષેત્રમાં વધી રહેલા તણાવ અને માનવીય સંકટ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ વૈશ્વિક મંચ પર હવે ઈરાનની કાર્યવાહી સામે પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે.
ઈરાને અમેરિકાને બતાવ્યું રૌદ્ર સ્વરૂપ, ગલ્ફ દેશોમાં અમેરિકાના સૈન્ય મથકો પર ભીષણ મિસાઈલ હુમલા
ઈરાન સામેનું યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 15 મુદ્દાના શાંતિ પ્રસ્તાવની ઠેકડી ઉડાવતા ઈરાને ગલ્ફમાં અમેરિકાના અનેક સૈન્ય મથકો પર ભીષણ મિસાઈલ હુમલા કર્યા છે. અહેવાલો પ્રમાણે, ઈરાને ખાસ કરીને કુવૈત, જોર્ડન અને બહેરીન સ્થિત અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. આ હુમલા કરીને ઈરાને સંકેત આપ્યો છે કે, 1 મહિનો સીઝફાયર કરવા માટે ટ્રમ્પે મૂકેલો 15 શરતોનો પ્રસ્તાવ ઈરાનને સ્વીકાર્ય નથી.
અમેરિકન મથકો અને ઈઝરાયલ પર પણ મિસાઈલ હુમલા
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે 'કબજે કરેલા પ્રદેશોના હૃદય' સમાન લક્ષ્યો પર હુમલો કર્યો છે. આ મિસાઈલ હુમલામાં કુવૈત, જોર્ડન અને બહેરીન સ્થિત અમેરિકન સૈન્ય મથકો તેમજ ઈઝરાયલને નિશાન બનાવાયા છે. કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલાને કારણે ફ્યૂલ ટેન્કમાં આગ લાગી હતી. જો કે સદનસીબે નુકસાન મર્યાદિત હતું. સાઉદી અરેબિયાએ પણ તેના પૂર્વી ક્ષેત્રમાં 4 ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે.
ઈરાન સાથે સમજૂતીના ટ્રમ્પના દાવાને ફગાવી દેવાયા
એક તરફ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવી રહ્યા છે કે ઈરાન સમજદારીથી વાત કરી રહ્યું છે અને તે જલ્દી જ પરમાણુ મહત્ત્વાકાંક્ષા છોડીને સમજૂતી કરવા માંગે છે. બીજી તરફ ઈરાને આ દાવા સદંતર ફગાવી દીધા છે. ઈરાનના સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ ઈબ્રાહિમ ઝોલફાઘારીએ ટ્રમ્પની મજાક ઉડાવતા કહ્યું કે, ‘અમેરિકા અમારી સાથે નહીં પણ ‘પોતાની સાથે જ વાટાઘાટો’ કરી રહ્યું છે. જો અમેરિકા ખરેખર સુપર પાવર હોત તો અત્યાર સુધીમાં આ મુસીબતમાંથી બહાર નીકળી ગયું હોત.’
ઈરાનના દૂતાવાસ દ્વારા પણ વાટાઘાટો થયાનો ઈનકાર
ફિનલેન્ડમાં ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે ‘વોશિંગ્ટન પાસે કોઈ સત્તા નથી. ત્યાં બધું જ નિયંત્રણ અન્ય લોકોના હાથમાં છે.’ પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રઝા અમીરી મોગધામના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના દાવાઓથી વિપરીત બંને દેશો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ જ વાતચીત થઈ નથી.
પાકિસ્તાન અને ચીનના યુદ્ધ વિરામ માટે પ્રયાસ
આ વધતા જતા તણાવ વચ્ચે ચીને પણ યુદ્ધ વિરામની અપીલ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ‘આ પ્રકારના સંઘર્ષમાં વાટાઘાટો જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.’ ચીનના વિદેશ મંત્રી વાંગ ઈએ ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરીને શાંતિની તકો ઝડપી લેવા અનુરોધ કર્યો છે. બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ઈરાનના પ્રમુખ સાથે ચર્ચા કરી છે અને આ સંકટમાં મધ્યસ્થી તરીકે રચનાત્મક ભૂમિકા ભજવવાની ઓફર પણ કરી છે.
ઈરાનનો અમેરિકા પર ગંભીર આરોપ
મિડલ ઈસ્ટના સંકટ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈ દ્વારા કરવામાં આવેલા નિવેદને વૈશ્વિક રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. એક ઇન્ટરવ્યૂમાં બકાઈએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈ પણ દેશ અમેરિકાની રાજદ્વારી વાતો પર ભરોસો કરી શકે નહીં. તેમણે ખુલાસો કર્યો કે ભૂતકાળમાં જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે જ નવ મહિનાના ગાળામાં ઈરાન પર બે વાર હુમલા કરવામાં આવ્યા હતા. ઈરાન આને 'રાજદ્વારી વિશ્વાસઘાત' ગણાવી રહ્યું છે અને તેના કારણે જ હાલમાં બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની સત્તાવાર વાતચીત કે વાટાઘાટો ચાલી રહી નથી.
ઈરાની સંસદના સ્પીકરનું મોટું નિવેદન
બીજી તરફ, ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ સંવાદ થઈ રહ્યો હોવાની વાત પાયાવિહોણી છે. ઈરાનના સંસદ સ્પીકર કાલિબાફની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે ઈરાની અધિકારીઓ વચ્ચે કામની વહેંચણી પારદર્શક છે અને અત્યારે ઈરાની સશસ્ત્ર દળોનું સંપૂર્ણ ધ્યાન માત્ર અને માત્ર દેશની પ્રાદેશિક અખંડિતતા અને સરહદોના રક્ષણ પર કેન્દ્રિત છે. ઈરાનનું આ વલણ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા 'વાતચીત અને ભેટ'ના દાવાઓ સામે એક મોટો પડકાર ઊભો કરી રહ્યું છે, જે દર્શાવે છે કે ઈરાન હવે અમેરિકાની કોઈ પણ વાતને ગંભીરતાથી લેતા પહેલા તેના જૂના કડવા અનુભવોને યાદ રાખી રહ્યું છે.
ઈરાને ઈઝરાયલમાં મચાવી તબાહી
ઈરાને ઈઝરાયલમાં ભયાનક હુમલાઓની શરૂઆત કરી દીધી છે. ઈરાને આજે ઈઝરાયલમાં એક ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસને નિશાન બનાવ્યો હતો.
યુદ્ધની શરૂઆતથી ઈરાનમાં 243 વિદ્યાર્થી-શિક્ષકોના મોત
ઈરાનના શિક્ષણ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યાનુસાર યુદ્ધ શરૂ થયા બાદથી ઈઝરાયલ અને અમેરિકા તાબડતોબ રીતે ઈરાનના વિવિધ શહેરો પર હુમલા કરી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોતની વાત કરીએ તો મૃતકાંક 243 પર પહોંચી ગયો છે.
હિઝબુલ્લાહનો મોટો દાવો- ઈઝરાયલની ફાઇટર જેટ ઇન્ટરસેપ્ટ કર્યું
લેબેનૉન તરફથી યુદ્ધ લડી રહેલા હિઝબુલ્લાહે મોટો દાવો કર્યો હતો. હિઝબુલ્લાહે કહ્યું કે અમે દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલી જેટને ઇન્ટરસેપ્ટ કર્યું હતું. તેને જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ દ્વારા નિશાન બનાવાયું હતું. જોકે ઈઝરાયલ તરફથી આ મામલે અત્યાર સુધી કોઈ ટિપ્પ્ણી કરવામાં આવી નથી.
ટ્રમ્પે કહ્યું - સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું છે
ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સામે કહ્યું હતું કે સાઉદી અરબ પણ અમારી સાથે આ યુદ્ધમાં સામેલ છે. તે અમને પૂરો સહયોગ કરી રહ્યો છે અને ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને અમેરિકા ઈરાન વિરુદ્ધ સાથે મળીને યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે ટ્રમ્પના આ દાવાથી મિડલ ઈસ્ટમાં ટેન્શન વધી શકે છે.
તૂર્કિયે, ઈજિપ્ત અને પાકિસ્તાન યુદ્ધ શાંત કરાવવા કરી રહ્યા છે પ્રયાસ?
અમેરિકન મીડિયાએ એક અધિકારીના નિવેદન પરથી દાવો કર્યો હતો કે તૂર્કિયે, ઈજિપ્ત અને પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે બેઠક કરાવીને યુદ્ધને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવો દાવો કરાયો છે કે આ ત્રણેય દેશો મળીને આગામી 48 કલાકમાં પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બેઠક આયોજિત કરાવવાની તૈયારી કરી રહ્યા છે.
ઈઝરાયલે ઈરાનમાં કર્યા ભીષણ હુમલા
ઈરાને ફરી એકવાર ઈઝરાયલના ડિમોના અને નેગાવને હચમચાવ્યા

ઈરબિલમાં અમેરિકન સૈન્યના ઠેકાણે હુમલો
ઈરાકમાં સક્રિય ઈરાની લડાકૂઓએ ઈરબિલમાં એક ઇમારત પર હુમલો કર્યો હતો. આ હુમલો અમેરિકન સૈનિકો જ્યાં રોકાયા હતા તે ઇમારત પર જ કરાયો હતો.
ટ્રમ્પની તાકાત વધી
અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. ઈરાન સામે યુદ્ધ શરૂ થયાના મહિનામાં ત્રીજી વખત અમેરિકાની સંસદમાં ડેમોક્રેટ્સ દ્વારા એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ લડવાની સત્તા ઘટાડવાની માગ કરવામાં આવી હતી. જોકે ત્રીજી વખત આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.
ઈરાને 80મી વખત ઈઝરાયલ પર કર્યો મિસાઇલ હુમલો
ઈરાને વધુ એક વીડિયો જારી કરીને કહ્યું હતું કે અમે 80મી વખત ઈઝરાયલ પર મિસાઇલ હુમલો કરી દીધો છે.
ઈસ્લામિક રેઝિસ્ટન્સે નવો વીડિયો શેર કર્યો
ઈસ્લામિક રેઝિસ્ટન્સે ઈરાકમાં અમેરિકન સૈન્ય ઠેકાણા વિક્ટોરિયા બેઝને નિશાન બનાવ્યાનો નવો ડ્રોન વીડિયો શેર કર્યો હતો જે અમેરિકાના ડિફેન્સની પોલ ખોલી રહ્યો છે.


