મતભેદો ભૂલીને સારા પડોશી બનીએ: જિનપિંગની ભારત મુલાકાત પહેલા ડ્રેગનના સૂર બદલાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

China President Xi Jinping India Visit : ચીનના રાષ્ટ્રપ્રમુખ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા અને ભારતના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવા માટે ભારત આવી રહ્યા છે. આ મહત્વપૂર્ણ મુલાકાત પહેલાં ચીન તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં બંને દેશોએ પોતાના મતભેદો યોગ્ય રીતે ઉકેલવા અને સંબંધોને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ચીનના રાષ્ટ્રપ્રમુખની 7 વર્ષ પછી ભારત યાત્રા
ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ શનિવારે નવી દિલ્હી આવી પહોંચશે. લગભગ 7 વર્ષમાં આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. સમિટની સાથે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. બંને નેતાઓની આ મુલાકાત અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગ (Mao Ning) તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, કઝાન અને તિયાનજિન પછી આ સતત ત્રીજું વર્ષ હશે જ્યારે બંને નેતાઓ આમને-સામને મળશે.
સારા પડોશી અને ભાગીદાર તરીકે આગળ વધવાની તૈયારી
ચીનના પ્રવક્તાએ કહ્યું કે, ‘ચીન બંને નેતાઓના માર્ગદર્શન હેઠળ ભારત સાથે કામ કરવા સંપૂર્ણપણે તૈયાર છે. સંબંધોને વ્યુહાત્મક અને લાંબા ગાળાના નજરિયાથી સંભાળવામાં આવશે તેમજ મતભેદો ઉકેલવા વાતચીત અને સહયોગને પ્રાથમિકતા અપાશે. બંને દેશો એકબીજાને મદદરૂપ બનતા સારા પડોશી અને સાચા ભાગીદાર તરીકે આગળ વધે તેવો ચીનનો પ્રયાસ રહેશે.’
ચીને BRICS સમિટ અંગે શું કહ્યું?
સમિટ અંગે ચીની પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘આ મંચ ઉભરતા બજારો અને વિકાસશીલ દેશોની એકતાનું એક મુખ્ય માધ્યમ બની ગયું છે. શરૂઆતથી જ આ સંગઠન નિષ્પક્ષતા, સમાન વિકાસ અને પારસ્પરિક લાભની ભાવના પર કામ કરી રહ્યું છે. વર્તમાન સમયમાં આ મંચ ગ્લોબલ સાઉથના પ્રબળ અવાજ તરીકે ઉભરી આવ્યું છે અને ચીન આ સહયોગને અત્યંત મહત્વપૂર્ણ ગણે છે.’
જિનપિંગ-મોદીની મુલાકાત અત્યંત નિર્ણાયક સાબિત થશે
આ મુલાકાત બંને એશિયન શક્તિઓ વચ્ચેના સંબંધો સુધારવા અને વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે બ્રિક્સ સહયોગ મજબૂત કરવા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આ અગાઉ વર્ષ 2014માં દિલ્હી, 2016માં ગોવા અને 2019માં મામલ્લાપુરમ ખાતે બેઠકો યોજાઈ ચૂકી છે. વર્ષ 2020માં પૂર્વી લદ્દાખ સરહદ વિવાદ બાદ સંબંધો સામાન્ય બનાવવાની દિશામાં આ મુલાકાત અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે.




