World

ભારતીયોને ધમકાવનાર ટ્રમ્પ સરકાર ઝૂકી, એક સરવેના પરિણામોએ ઊંઘ ઊડાડી

By GS Team
11 Sep 20264 mins read
TukuTouch Logo
ટ્રમ્પ પ્રશાસનના DHS દ્વારા ભારતીય-અમેરિકનો, ખાસ કરીને શીખ સમુદાયને નિશાન બનાવતું AI-જનરેટેડ "મિસ્ટર સિંહ" અભિયાન શરૂ કરાયું હતું. 'સેલ્ફ-ડિપોર્ટ કરો અથવા પરિણામ ભોગવો' જેવી નસ્લવાદી ચેતવણી અને 'તમને ગાડી ચલાવતાં નથી આવડતી' જેવા અપમાનજનક કેપ્શન સાથેનો વીડિયો અને પોસ્ટર X પર મૂકાયા હતા. આંતરરાષ્ટ્રીય વિરોધ અને રાજકીય દબાણ બાદ DHSએ વિવાદાસ્પદ પોસ્ટ હટાવી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીયોને ધમકાવનાર ટ્રમ્પ સરકાર ઝૂકી, એક સરવેના પરિણામોએ ઊંઘ ઊડાડી

Trump DHS Removes Racist Mr Singh Campaign Against Indians: અમેરિકામાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક AI-જનરેટેડ પોસ્ટર અને વીડિયોને કારણે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભારતીય-અમેરિકનો અને ખાસ કરીને શીખ સમુદાયને લક્ષ્ય બનાવીને રજૂ કરાયેલા આ કેમ્પેઇનમાં 'સેલ્ફ-ડિપોર્ટ કરો અથવા પરિણામ ભોગવો' જેવી ચેતવણી આપવામાં આવી હતી. આ ઝુંબેશ સામે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયથી લઈને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેને 'નસ્લવાદી' તેમજ 'ભારત-વિરોધી' ગણાવવામાં આવ્યું છે. ઉગ્ર વિરોધ અને રાજકીય દબાણ બાદ DHSએ આ વિવાદાસ્પદ વીડિયો અને પોસ્ટ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી લીધા છે.

વિવાદાસ્પદ પોસ્ટર અને કેપ્શનમાં શું હતું?

ટ્રમ્પ પ્રશાસનના ગેરકાયદેસર ઇમિગ્રેશન વિરોધી અભિયાન હેઠળ DHSના સત્તાવાર X એકાઉન્ટ પરથી હોલીવુડની પ્રખ્યાત 'ટ્રાન્સફોર્મર્સ'ફ્રેન્ચાઇઝીના પાત્રોનો દુરુપયોગ કરતો એક પોસ્ટર શેર કરાયો હતો:

  • ઓપ્ટિમસ પ્રાઇમ દ્વારા ધમકી: આ પોસ્ટરમાં મુખ્ય કેરેક્ટર 'ઓપ્ટિમસ પ્રાઇમ'ને એક દાઢીવાળા બ્રાઉન વ્યક્તિ એટલે કે 'મિસ્ટર સિંહ’ સામે ઊભો રાખીને સીધી ધમકી આપતાં દર્શાવાયો છે કે, "સેલ્ફ-ડિપોર્ટ કરો અથવા ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહો."
  • અપમાનજનક કેપ્શન: આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, "અમારા રસ્તાઓ પરથી હટી જાઓ, તમને ગાડી ચલાવતાં નથી આવડતી મિસ્ટર સિંહ."
  • ભારતીય અને શીખ સમુદાયમાં 'સિંહ' અટકનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી આ સીધો જાતિગત અને સમુદાય-વિશેષ પર કરવામાં આવેલો પ્રહાર માનવામાં આવ્યો હતો.

હિન્દુ અને શીખ સંગઠનોએ નોંધાવ્યો આકરો વિરોધ

આ નસ્લવાદી પોસ્ટર સામે આવતાં જ અમેરિકાના ટોચના હિન્દુ અને શીખ સંગઠનો લાલઘૂમ થઈ ગયા છે:

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF): સંગઠને આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરતાં જણાવ્યું: “‘સિંહ’ હિન્દુ પણ છે, શીખ પણ છે, તેઓ અમેરિકન છે અને તેઓ ગાડીઓ પણ ચલાવે છે. DHS દ્વારા કરવામાં આવેલી આ નસ્લવાદી, ભારત-વિરોધી ટ્રોલિંગ આપણા દેશના સામૂહિક અંતરાત્માને ઝકઝોરી નાખનારી છે.” HAFએ આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે તેમજ ટ્રાન્સફોર્મર્સના અધિકાર ધરાવતી કંપનીઓ હાસ્બ્રો અને પેરામાઉન્ટ પિક્ચર્સ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

શીખ કોએલિશન: સંગઠને જણાવ્યું કે 9/11ની ઘટનાના 25 વર્ષ પછી પણ શીખોને તેમના બાહ્ય દેખાવ અને ધાર્મિક ઓળખના આધારે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમેરિકામાં લાખો નાગરિકોના નામ સાથે જોડાયેલા 'સિંહ' શબ્દનો અર્થ 'શેર' થાય છે. સરકાર ભલે તેમને નકારાત્મક રીતે ચિતરવાનો પ્રયાસ કરે, પરંતુ શીખ સમુદાય પોતાની ઓળખ અને સ્વાભિમાન સાથે હંમેશા અડિગ રહેશે.

ટ્રક ડ્રાઇવરોને ટાર્ગેટ કરતો 'મેગાટ્રોન' વાળો વીડિયો

આ આખો વિવાદ ટ્રમ્પ સરકારના તે મોટા અભિયાનનો ભાગ છે, જે અંતર્ગત વિદેશી અને ઇમિગ્રન્ટ ટ્રક ડ્રાઇવરો પર કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. DHS દ્વારા બહાર પાડવામાં આવેલા અન્ય એક વીડિયોમાં 'મેગાટ્રોન' પાત્રને હરજિંદર સિંહ, રાજિંદર કુમાર, બેકઝન બેશીકીવ, અખરોર બોઝોરોવ અને જસવીર સિંહ જેવા ડ્રાઇવરોની મુક્તિની માંગ કરતો દર્શાવાયો હતો, જેઓ વિવિધ અકસ્માતો કે કેસોમાં સંડોવાયેલા રહ્યા છે. DHSનો દાવો છે કે તેઓ દેશની આંતરિક સુરક્ષા માટે આ પગલાં ભરી રહ્યા છે.

'CBP હોમ' કાર્યક્રમ અને ₹2.2 લાખનું એક્ઝિટ બોનસ

આ વિવાદ એવા સમયે ઉભો થયો છે જ્યારે DHS પોતાના 'CBP Home' પ્રોગ્રામનો પ્રચાર કરી રહ્યું છે:

  • આ યોજના હેઠળ ગેરકાયદે પ્રવાસીઓને સ્વૈચ્છિક રીતે દેશ છોડી જવા માટે નોંધણી કરાવવાની અપીલ કરવામાં આવી રહી છે.
  • પોતાની મરજીથી દેશ છોડવા માટે રજીસ્ટ્રેશન કરાવનાર પ્રવાસીઓને મુસાફરીમાં મદદ ઉપરાંત અંદાજે ₹2.2 લાખ સુધીનું 'એક્ઝિટ બોનસ' આપવાની ઓફર કરવામાં આવી રહી છે. આ યોજનાના આક્રમક પ્રચાર માટે આ વિવાદાસ્પદ પોસ્ટર અભિયાન હાથ ધરાયું હતું.

મધ્યસત્ર ચૂંટણીના સર્વેથી ટ્રમ્પ છાવણીમાં ગભરાટ અને નવા નિયમોનો પ્રસ્તાવ

આ સમગ્ર ઘટનાક્રમ પાછળ અમેરિકન રાજકારણના આંકડા અને ચૂંટણી વ્યૂહરચના પણ જવાબદાર છે:

66% ભારતીય-અમેરિકનો ડેમોક્રેટ્સ સાથે: મધ્યસત્ર ચૂંટણી અંગે આવેલા સર્વેક્ષણ અનુસાર 66 ટકા અમેરિકન-ભારતીયો ડેમોક્રેટિક પાર્ટીને સાથ આપવા માંગે છે, જેનાથી રિપબ્લિકન પાર્ટીમાં ચિંતા પેદા થઈ છે.

$5,000નું ચૂંટણી વચન: ચૂંટણીમાં નાગરિકોનું સમર્થન મેળવવા માટે ટ્રમ્પ તરફથી અમેરિકનોને સીધા 5 હજાર ડૉલર આપવાના લોભામણા વચનો પણ અપાઈ રહ્યા છે.

નોકરી જતાં તત્કાલ દેશ છોડવાનો નવો ફરમાન: બીજી તરફ ટ્રમ્પ પ્રશાસને વર્ક વિઝા ધારકો માટે એક અત્યંત કડક પ્રસ્તાવ રજૂ કર્યો છે. વર્તમાન નિયમ મુજબ નોકરી છૂટ્યા પછી વિઝા સ્ટેટસ જાળવવા માટે 2 મહિના (60 દિવસ)નો ગ્રેસ પિરિયડ મળતો હતો, પરંતુ નવા પ્રસ્તાવ મુજબ નોકરી જતાં જ તાત્કાલિક અમેરિકા છોડવું પડશે. અમેરિકામાં મોટી સંખ્યામાં H-1B વિઝા પર કામ કરતાં ભારતીય IT પ્રોફેશનલ્સ અને તેમના પરિવારો પર આ કડક નિયમની સૌથી વિનાશક અસર પડશે.