Get The App

હોર્મુઝ બંધ 'રખાવી' અમેરિકન ઓઇલ કંપનીઓને ઘી કેળા, ટ્રમ્પના ખેલથી દુનિયાને ભોગવવાનો વારો

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝ બંધ 'રખાવી' અમેરિકન ઓઇલ કંપનીઓને ઘી કેળા, ટ્રમ્પના ખેલથી દુનિયાને ભોગવવાનો વારો 1 - image

- ખાડી યુદ્ધ ઇરાન, અમેરિકા અને ઇઝરાયેલનું ગાંધી વૈદ્યનું સહિયારું!

- અમેરિકા હોર્મુઝના બહાને વૈશ્વિક ઉર્જા અને ઇંધણ નીતિને પોતાની તરફેણમાં વાળી રહ્યું હોવાનો આક્ષેપ

- ટ્રમ્પ રશિયાને સાથે લઈને ક્રૂડ ઓઇલના કારોબારમાંથી આરબોનો એકડો કાઢી નાખવા માટે આતુર

- રશિયન ઓઇલ કંપની રોસનેફ્ટના સીઇઓ ઇગોર સેચિનના દાવાથી અમેરિકાની પોલ ખૂલી

Hormuz Strait News  : હોર્મુઝની ખાડી બંધ થયાથી યુરોપ અને એશિયન દેશો ભલે બૂમો પાડતો હોય, પરંતુ તેનાથી સૌથી વધુ ફાયદો થયો હોય તો તે અમેરિકાને થયો છે. રોસનેફ્ટના ચીફ એક્ઝિક્યુટિવઇગોર સેચિને દાવો કર્યો હતો કે હોર્મુઝ બંધ રહેવાના કારણે અમેરિકન કંપનીઓ ધરખમ કમાણી કરી રહી છે. હોર્મુઝમાં લાંબા સમય સુધી અવરોધના લીધે વૈશ્વિક ઓઇલની માંગ ઘટી શકે છે.

જાણકાર વર્તુળોનો દાવો છે કે અમેરિકા હોર્મુઝની ખાડી બંધ હોવાનો ફાયદો ઉઠાવીને વૈશ્વિક ઉર્જા નીતિ અને પુરવઠાને તેની તરફેણમાં વાળી રહ્યુ છે. અમેરિકા પોતાને મધ્યપૂર્વ અને ઓપેક દેશોના વૈકલ્પિક ઓઇલ પુરવઠાકાર તરીકે સ્થાપવા થનગની રહ્યુ છે અને તેના હાથમાં વેનેઝુએલાના ક્રુડ ઓઇલનો ભંડાર છે. આ જ રીતે તે ખાડી દેશોનો વિકલ્પ બનવા માટે આતુર છે. 

આના કારણે જ ટ્રમ્પ ઇરાન પર એવી શરતો લાદી રહ્યા છે જે પૂરી થવી સંભાવ નથી અને તેનું કારણ છે કે હોર્મુઝ બંધ થવાના કારણે અમેરિકાની લાંબા સમયથી મંદીનો માર વેઠતી અમેરિકન ઓઇલ કંપનીઓ ધરખમ કમાણી કરવા લાગી છે. પછી ભલેને તેની કિંમત અમેરિકન ગ્રાહકોને ચૂકવવી પડે તેની ટ્રમ્પને પરવા નથી. આ સંજોગોમાં ઘણા આર્થિક અને રાજકીય નિષ્ણાતો એવું માની રહ્યા છે કે જ્યાં સુધી અમેરિકન ઓઇલ કંપનીઓ પેટ ભરાઈને નફો કરી નહીં લે ત્યાં સુધી ટ્રમ્પ ઇરાન સાથેનું યુદ્ધ સંપૂર્ણ બંધ કરે તે વાતમાં માલ નથી. 

અહીં તે વાત ઉલ્લેખનીય છે કે લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલનો ભાવ 60 ડોલરની આસપાસ ચાલતો હતો અને અમેરિકામાં વર્ષોથી રીફાઇનરી સ્થપાઈ ન હતી. તેનો ઓઇલનો કારોબાર ખાડે જવા આવ્યો હતો, પરંતુ ટ્રમ્પે તેમા પહેલા પ્રાણ ફૂંકવા વેનેઝુએલાના પ્રમુખને ઉઠાવી તેને ઓઇલનો કારોબાર કબ્જે કર્યો. તેની રીફાઇનરીઓ ધમધમતી કરી અને હવે ઇરાન પર હુમલો કરવામાં તેને સૌથી મોટો ફાયદો ઓઇલનો જ દેખાયો છે. તેથી જ ટ્રમ્પનું તે સૂત્ર પ્રચલિત છે ડ્રિલ બેબી ડ્રિલ.

ટ્રમ્પે સત્તા પર આવ્યા પછી ઓઇલ કંપનીઓને ખુલ્લેઆમ લહાણી કરી છે અને તેના પર પર્યાવરણવાદીઓના લગભગ બધા જ પ્રતિબંધો હટાવ્યા છે અને અલાસ્કામાં પણ ઓઇલ કંપનીઓને ડ્રિલ કરવાની છૂટ આપી દીધી છે. ટ્રમ્પ લાંબા ગાળા માટે ક્રૂડ ઓઇલનો કારોબાર ફક્ત અમેરિકા અને રશિયા વચ્ચે જ રહેવા દેવા માંગે છે. મધ્યપૂર્વની ઇજારાશાહી તેને ખતમ કરી દેવી છે. આ જોતાં ભવિષ્યમાં પણ મધ્યપૂર્વમાં સ્થિતિ હંમેશા તંગ રહે તો આશ્ચર્ય ન થવું જોઈએ. આ આગ સળગતી જ રહેશે, પરંતુ અમેરિકા તે સળગાવીને અલગ થઈ જશે અને આરબો એકબીજા પર હુમલા કરશે જ્યારે અમેરિકા ત્યાં પણ શસ્ત્રો વેચી કમાણી કરશે. તેથી જ ટ્રમ્પ રશિયા-યુક્રેન વચ્ચે  સંધિ કરાવવા તલપાપડ છે, કારણ તેને અહીં પણ બિઝનેસ જ દેખાય છે. 

હોર્મુઝની ખાડી બંધ રહેવાથી સર્જાયેલા ઓઇલ સંકટનો સૌથી વધુ ફાયદો અમેરિકન ઊર્જા કંપનીઓને થયો છે અને વોશિંગ્ટન, વૈશ્વિક ઉર્જા-બજારને પોતાના હિત પ્રમાણે ઢાળી રહ્યું છે. સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં બોલતાં સેચિને  કહ્યું કે, હોર્મુઝ ની ખાડી બંધ થવી તે માત્ર ઇરાન વિરૂધ્ધની કાર્યવાહી ન હતી, પરંતુ તેની અસર સમગ્ર દુનિયાને આંચકો આપ્યો છે. તેમાં અમેરિકાએ રણનીતિનું જોખમનું યોગ્ય આકલન ન કર્યું. પરિણામે વૈશ્વિક અર્થવ્યવસ્થાએ સહન કરવું પડયું છે.

તેમણે વધુમાં કહ્યું કે, હોર્મુઝ દુનિયાના મહત્વના સમુદ્રીય વ્યાપાર પૈકીનું એક છે. તે દ્વારા વૈશ્વિક જરુરિયાતની ચીજોનો પૂરવઠો આ સમુદ્ર-માર્ગ પર આધારિત છે. ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ થતાં આ માર્ગ ઉપર સંકટ પેદા થયું. તેથી તેલની કિંમત કેટલાએ વર્ષોના ઊંચા સ્તરે પહોચી 

અમેરિકા ઉપર સીધા જ પ્રહારો કરતાં રશિયન સીઈઓએ કહ્યું કે, હોર્મુઝની ખાડી બંધ કરવાની સ્થિતિ વૈશ્વિક ઉર્જા બજારના નિયમો અમેરિકાના પક્ષમાં વાળવાનો પ્રયત્ન છે. તેનો હેતુ ઇરાન પર દબાણ કરવાનો હતો, પરંતુ તેની અસર સમગ્ર દુનિયા પર પડી છે.રોસનેફટના પ્રમુખે ચેતવણી આપી છે કે, જો વર્તમાન તંગદિલી ચાલુ રહેશે તો દુનિયાના અન્ય મહત્વના સમુદ્રી માર્ગ પણ જોખમમાં આવી જશે. તે માર્ગોની રુકાવટ વૈશ્વિક વ્યાપાર અને ઉર્જા આપૂર્તિ માટે નવા પડકારો ઊભા કરશે.