જેલીફિશનો હુમલો અને 3 ન્યૂક્લિયર રિએક્ટર ઠપ, ફ્રાન્સના પ્લાન્ટમાં આખરે થયું શું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jellyfish Swarms Halt Nuclear Power: ફ્રાન્સના ઉત્તરીય ભાગમાં આવેલા ગ્રેવલાઇન્સ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં જેલીફિશના એક વિપુલ ઝુંડના પ્રવેશના કારણે 3 ન્યૂક્લિયર રિએક્ટર તાત્કાલિક અસરથી બંધ કરવાની નોબત આવી છે. પ્લાન્ટ સંચાલક એજન્સી EDF દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સોમવારે મોડી રાત્રે રિએક્ટર 2, 3 અને 4ને સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. જ્યારે રિએક્ટર 1ને સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે 50 ટકા ક્ષમતા પર ચલાવવામાં આવી રહ્યું છે.
પ્લાન્ટની ક્ષમતા અને વર્તમાન સ્થિતિ
ગ્રેવલાઇન્સ એ ફ્રાન્સના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ્સમાંનો એક ગણાય છે. આ પ્લાન્ટમાં કુલ 6 રિએક્ટર છે અને દરેક રિએક્ટર આશરે 900 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે સમગ્ર પ્લાન્ટની કુલ ક્ષમતા 5.4 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની છે. હાલમાં:
- રિએક્ટર 2, 3 અને 4: જેલીફિશના કારણે સંપૂર્ણ બંધ.
- રિએક્ટર 1: 50% ક્ષમતા પર કાર્યરત.
- રિએક્ટર 5: નિયમિત સમારકામ માટે પહેલાથી જ બંધ.
- રિએક્ટર 6: હાલ સામાન્ય રીતે કાર્યરત.
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ ઘટનાના કારણે પ્લાન્ટ, ત્યાં કામ કરતા કર્મચારીઓ કે આસપાસના પર્યાવરણને કોઈ જ પ્રકારનું જોખમ કે ખતરો નથી.
જેલીફિશના કારણે કેમ લેવો પડ્યો આ નિર્ણય?
ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં રિએક્ટરને સતત ઠંડા રાખવા માટે વિપુલ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. ગ્રેવલાઇન્સ પ્લાન્ટ માટે આ પાણી નોર્થ સી સાથે જોડાયેલી એક કેનાલમાંથી ખેંચવામાં આવે છે. દરિયામાંથી જેલીફિશનું એક વિશાળ ઝુંડ આ પાણી લાવવાના માર્ગ સુધી પહોંચી ગયું હતું. જો આટલી મોટી સંખ્યામાં જેલીફિશ પ્લાન્ટના વોટર ફિલ્ટરમાં ફસાઈ જાય તો પાણીનો પુરવઠો સંપૂર્ણપણે રોકાઈ જવાનો અને પ્લાન્ટ ઓવરહીટ થવાનો ભય રહે છે. આથી પ્લાન્ટની સુરક્ષા જાળવવા માટે રિએક્ટરોને બંધ કરી દેવાયા હતા.
ગયા વર્ષની ઘટના બાદ લેવાયેલાં સુરક્ષા પગલાં
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ જેલીફિશના કારણે આવી જ સમસ્યા સર્જાઈ હતી અને આખો પ્લાન્ટ ઠપ્પ થઈ ગયો હતો. તે ઘટના બાદ EDF દ્વારા દેખરેખ અને ક્ષમતા મજબૂત કરવામાં આવી હતી. પાણી આવવાના મુખ્ય માર્ગ અને ફિલ્ટર્સ પર વિશેષ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. આ જ કેમેરાની મદદથી આ વખતે જેલીફિશના ઝુંડને સમયસર ટ્રેક કરી શકાયું હતું અને ત્વરિત કાર્યવાહી શક્ય બની હતી.
બોટ અને વેક્યૂમ ટ્રકો દ્વારા જેલીફિશ હટાવાઈ રહી છે
જેલીફિશના ઝુંડની જાણ થતાં જ શનિવારથી જ દરિયામાં માછીમારીની બોટ મોકલીને જેલીફિશની સંખ્યા ઘટાડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્લાન્ટના ફિલ્ટર નજીક પહોંચી ગયેલી જેલીફિશને દૂર કરવા માટે વેક્યૂમ ટ્રકો તૈનાત કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા મુજબ, હવે નવી જેલીફિશ પ્લાન્ટ તરફ આવી રહી નથી, જેથી સફાઈનું કામ પૂર્ણ થતાં જ બંધ રિએક્ટરોને ફરીથી ધમધમતા કરવામાં આવશે.
હવામાન પલટો, કાળઝાળ ગરમી અને ગ્લોબલ વોર્મિંગનો બેવડો માર
ફ્રાન્સના ન્યૂક્લિયર પ્લાન્ટ્સ હાલમાં કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિનો પણ સામનો કરી રહ્યા છે. નદીઓમાં પાણીનું સ્તર ઘટવાને કારણે ઉત્તર ફ્રાન્સનો એક રિએક્ટર લાંબા સમયથી બંધ છે, જ્યારે જુલાઈ મહિનામાં પણ એક રિએક્ટરને મર્યાદિત ક્ષમતા પર ચલાવવું પડ્યું હતું. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રનું વધતું તાપમાન, જેલીફિશનો શિકાર કરતા દરિયાઈ જીવોની ઘટતી સંખ્યા અને ઓવરફિશિંગ જેવાં કારણોસર દરિયામાં જેલીફિશની સંખ્યા અનિયંત્રિત રીતે વધી રહી છે. જોકે, હાલમાં ગ્રેવલાઇન્સ પ્લાન્ટમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.









