Get The App

લેબેનોનના કેટલાયે ભાગો ઉપર ઈઝરાયેલનો કબ્જો : તે દર્શાવતા નકશા પણ તેણે જારી કર્યા

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
લેબેનોનના કેટલાયે ભાગો ઉપર ઈઝરાયેલનો કબ્જો : તે દર્શાવતા નકશા પણ તેણે જારી કર્યા 1 - image

- રશિયા-યુક્રેન કે અમેરિકા-ઈરાન યુદ્ધ પત્યા નથી ત્યાં

- ઈઝરાયલે સીરીયાનો પણ કેટલોક વિસ્તાર દબાવી દીધો છે ગોલન હાઈટસ કબ્જે કરી તળેટીમાં સીરીયન દળો પર હાવી થયું છે

તેલ અવીવ : દક્ષિણ લેબેનોન પર આક્રમણ કરી ઈઝરાયલે લેબેનોનનો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર કબ્જે કરી લીધો છે. ત્યાંનાં ગામડાંઓમાં વસતા લેબોનીઝ ગામડાં ખાલી કરી ઉત્તરમાં ચાલ્યા ગયા છે, તેટલું જ નહીં પરંતુ ઈઝરાયલે બેશરમ રીતે પોતે કબ્જે કરેલા વિસ્તારના નકશાઓ પણ જારી કર્યા છે. તેના આ કૃત્ય માટે કારણ આપતાં જણાવ્યું છે કે લેબેનોન હિઝબુલ્લાહ આતંકીઓને આશ્રય આપે છે. તેથી તેને શિક્ષા કરવા અમારે આ પગલું ભરવું પડયું છે. બીજી તરફ લેબેનોને સત્તાવાર રીતે જણાવ્યું છે કે, 'અમે હીઝબુલ્લાહ આતંકીઓને આશ્રય આપતા જ નથી તેઓ અહીં છે. પરંતુ તે અંગે અમે લાચાર છીએ.'

ઈઝરાયલે લેબેનોનનું તે કથન અસ્વીકાર્ય કહેતા જણાવ્યું હતું કે, 'અમારે અમારો ઉત્તરનો વિસ્તાર હીઝબુલ્લાહથી સુરક્ષિત રાખવા આ પગલું ભરવું પડયું છે.'

ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધ વિરામ પણ જાહેર થયો હતો, પરંતુ તે માત્ર કાગળ ઉપર જ રહ્યો છે, ત્યાં 'યુદ્ધ વિરામ' જેવું કશું જ નથી દેખાતું હવે ઈઝરાયલે ૫ થી ૧૦ કી.મી. અંદર સુધી ઘૂસી જઈ તેની ઉપર કબ્જો જમાવી દીધો છે, તેટલું જ નહીં પરંતુ જાણે કે તે વિસ્તાર પોતાનો હોય તે રીતે તે નકશાઓમાં દર્શાવાયું છે.

ઈઝરાયલી સેનાનાં આક્રમણના ભયથી લેબેનોનના તે વિસ્તારનાં ગામડાં ખાલી થઈ ગયા છે. તેની ઉપર ઈઝરાયલી સેનાએ કબ્જો જમાવી દીધો છે. ઈઝરાયલે ૧૦ કીમી અંદર લેબેનોનમાં એક રેખા દોરી છે તે કહે છે કે તે વિસ્તારને બફર-ઝોન બનાવવા માગે છે.

ગાઝામાં તો ઈઝરાયલે કબ્જો જમાવી જ દીધો છે તે સર્વવિદિત છે. પરંતુ સીરીયાના પણ દક્ષિણના ભાગો ઉપર કબ્જો જમાવી દીધો છે. ઈઝરાયલ-સીરીયા વચ્ચે રહેલી ગોલન હાઈટસ (ગોલનનો ઉચ્ચ પ્રદેશ) જે મૂળ સીરીયાનો જ હતો તે તેની પાસેથી આંચકી તેની ઉપર પોતાનો કબ્જો જમાવી દીધો છે. તેથી ઈઝરાયલી આર્મી ક્યારનું તે ઉચ્ચ પ્રદેશ પર ગોઠવાઈ ગયું છે અને નીચાણમાં રહેલા સીરીયન વિસ્તારો ઉપર હાવી થઈ રહ્યું છે.

વિશ્લેષકો કહે છે કે, રશિયા-યુક્રન યુદ્ધ તો ક્યારે પતશે તે કહી શકાય તેમ નથી. અમેરિકા-ઈરાન યુદ્ધ ચાલે છે તેવામાં ઈઝરાયલે-લેબેનોન પર હુમલો કરી દીધો છે.