Get The App

સીઝફાયર માત્ર કાગળ પર? ઈઝરાયલે દક્ષિણ લેબેનૉનમાં 'બફર ઝોન'નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
Israel Lebanon Buffer Zone


(IMAGE - IANS)

Israel Lebanon Buffer Zone: ઈઝરાયલની સેનાએ દક્ષિણ લેબેનૉનમાં 'બફર ઝોન' બનાવવા માટે એક નવો નકશો જાહેર કર્યો છે, જે લેબેનૉન સરહદની અંદર કેટલાય કિલોમીટર સુધી ફેલાયેલો છે. આ નકશામાં ભૂમધ્ય સમુદ્રથી લઈને સીરિયાની સરહદ પાસે આવેલા માઉન્ટ હરમોન સુધીની એક લાંબી પટ્ટી દર્શાવવામાં આવી છે. ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ અને સંરક્ષણમંત્રી ઈઝરાયલ કોટ્ઝે સ્પષ્ટ કર્યું છે કે કામચલાઉ સીઝફાયર લાગુ હોવા છતાં, ઈઝરાયલી સૈનિકો આ વિસ્તારમાંથી પાછા હટશે નહીં. સંરક્ષણમંત્રીએ વધુમાં ચેતવણી આપી છે કે આ વિસ્તારમાં આવેલા ઘરો અને ઇમારતોને તોડી પાડવામાં આવશે અને જે પણ વ્યક્તિ હિઝબુલ્લાહ સાથે જોડાયેલી જણાશે તેને ઠાર કરવામાં આવશે.

ઉત્તર ઈઝરાયલની રક્ષા માટે મોટો પ્લાન

ઈઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, પાંચ ડિવિઝન અને નેવી હાલ લેબેનૉની વિસ્તારમાં 'ફોરવર્ડ ડિફેન્સ લાઇન' તૈયાર કરવા માટે કામ કરી રહી છે. આ વ્યૂહનીતિનો મુખ્ય હેતુ ઉત્તર ઈઝરાયલના રહેવાસીઓ પર થતાં સીધા જોખમોને રોકવાનો છે. આ બફર ઝોનમાં બિન્ટ જેબિલ, ઐતા અલ-શાબ અને ખિયામ જેવા મહત્ત્વના શહેરોનો સમાવેશ થાય છે, જે હવે ઈઝરાયલના સીધા સૈન્ય નિયંત્રણ હેઠળ રહેશે. જોકે, લેબેનૉન અને સીરિયાએ આ પગલાંને મંજૂરી આપી નથી.

આ પણ વાંચો: પિતાએ જ ઘર સ્મશાન બનાવ્યું, પોતાના જ 7 સહિત 8 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા! હચમચી ગયું અમેરિકા

સીઝફાયર છતાં દક્ષિણ લેબેનૉનમાં હિંસા યથાવત્

સીઝફાયરની જાહેરાત થઈ હોવા છતાં, દક્ષિણ લેબેનૉનમાં હિંસા અટકી નથી. રવિવારે પણ ઈઝરાયલી સેનાએ અનેક વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહી તેજ કરી હતી, જેમાં મકાનોને વિસ્ફોટોથી ઉડાવી દેવામાં આવ્યા હતા અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ નકશો એવા સમયે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે અમેરિકાએ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 10 દિવસના સીઝફાયરની જાહેરાત કરી હતી. ઇતિહાસ અને વર્તમાન સ્થિતિને જોતાં આ વિસ્તારમાં હજુ પણ તણાવ યથાવત્ છે અને શાંતિની આશા ઓછી દેખાઈ રહી છે.

સીઝફાયર માત્ર કાગળ પર? ઈઝરાયલે દક્ષિણ લેબેનૉનમાં 'બફર ઝોન'નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય 2 - image