Iran America War : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો વાઇરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાની હુમલામાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું મોત નીપજ્યું છે. આ અફવાઓને ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ એક ભયાનક ધમકી આપી.
IRGC ની ધમકી અને નેતન્યાહુ પર સસ્પેન્સ
રવિવારે IRGC એ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું કે, જો ગુનેગાર ઝાયોની વડાપ્રધાન હજુ પણ જીવિત છે, તો અમે પૂરી તાકાતથી તેનો પીછો કરીશું અને તેને મારી દઇશું.
IRGC એ વધુમાં ઉમેર્યું કે, નેતન્યાહુના મોતના સમાચાર કે તેમના પરિવાર સાથે દેશ છોડીને ભાગી જવાની અનિશ્ચિતતા ઈઝરાયલીઓ વચ્ચે વ્યાપ્ત ગભરાટને દર્શાવે છે. નેતન્યાહુ ઘણા સમયથી કોઈ સુરક્ષા મીટિંગ કે જાહેર કાર્યક્રમમાં દેખાયા ન હોવાથી આ શંકાઓ વધુ ઘેરી બની હતી.
વીડિયોમાં 'છ આંગળીઓ' દેખાતા AI નો દાવો
આ અફવાઓ વચ્ચે ગત શુક્રવારે (13 માર્ચ) નેતન્યાહુના એક્સ (X) એકાઉન્ટ પર એક પ્રેસ કોન્ફરન્સનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો કે, વીડિયોની 35 સેકન્ડ પર જ્યારે નેતન્યાહુ હાથ ઊંચો કરે છે, ત્યારે તેમની નાની આંગળી પાસે માંસનો વધારાનો ટુકડો દેખાય છે, જેને લોકોએ 'છઠ્ઠી આંગળી' ગણાવી હતી. યુઝર્સે તેને 'ક્લાસિક AI ફિંગર ગ્લિચ' ગણાવી દાવો કર્યો કે નેતન્યાહુનું મોત થઈ ચૂક્યું છે અને આ વીડિયો AI દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : 'પહેલાથી જ ખરાબ હતું વિમાન...', અમદાવાદ પ્લેન ક્રેશ અંગે અમેરિકન એજન્સીનો મોટો દાવો
વડાપ્રધાન કાર્યાલયની સ્પષ્ટતા આ ફેક ન્યૂઝ છે
ચારેબાજુ ફેલાયેલી અફવાઓ પર ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલય (PMO) એ મૌન તોડ્યું છે. તુર્કીની સમાચાર એજન્સી 'અનાદોલુ' સાથેની વાતચીતમાં PMO એ સ્પષ્ટપણે જણાવ્યું કે, "આ તમામ અહેવાલો ફેક ન્યૂઝ છે, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ બિલકુલ સ્વસ્થ છે." નેતન્યાહુએ આ વીડિયો દ્વારા ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખમેનેઈ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, "અમે ઈરાન અને હિઝબુલ્લાહને કચડી રહ્યા છીએ."
શું છે વીડિયોનું સત્ય?
ટેકનિકલ તપાસ અને ફેક્ટ ચેક મુજબ, આ વીડિયો અસલી છે અને ઈઝરાયલ સરકારની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ છે. વીડિયોમાં દેખાતી 'છઠ્ઠી આંગળી' માત્ર કેમેરા એંગલ અથવા લાઇટિંગની અસર હોઈ શકે છે. જોકે, નેતન્યાહુના આ સંબોધન બાદ પણ અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ લાઈવ પ્રસારણ હતું કે અગાઉથી રેકોર્ડ કરેલો વીડિયો.


