હોર્મુઝમાં ઈરાનનો દબદબો ખતમ? અમેરિકા-ઇરાકે શોધી કાઢ્યો ઓઇલ સપ્લાયનો નવો રસ્તો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Iraq Energy Deal : શુક્રવારે વોશિંગ્ટન ડીસીમાં 'યુએસ ચેમ્બર ઑફ કોમર્સ' ખાતે આયોજિત સંયુક્ત રાજ્ય અમેરિકા-ઇરાક બિઝનેસ સમિટમાં એક મોટી ડીલ થઈ છે, જે અંતર્ગત ઇરાક-સીરિયા ઓઇલ પાઇપલાઇનને ફરીથી શરૂ કરવા પર સહમતી સધાઈ છે. અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી જહાજોની અવરજવર અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે ઇરાકે આ મોટી ડીલ કરી છે. આ ડીલને હોર્મુઝના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. ઇરાકે ઘણી ઓઇલ કંપનીઓ સાથે ડઝનબંધ કરારો કર્યા છે, જેમાં એનર્જી સપ્લાય રૂટને પુનઃજીવિત કરવાનો પણ સમાવેશ થાય છે.
આ રૂટનો ઉપયોગ ઇરાક પોતાના તેલની નિકાસ કરવા માટે કરી શકે છે. આના માટે હવે હોર્મુઝ થઈને પસાર થવાની જરૂર નહીં પડે. ઇરાક પાઇપલાઇન દ્વારા તેલ અને ગેસ સપ્લાય કરીને દુનિયાને તેલની પૂર્તિ કરશે. મીડિયા અહેવાલો અનુસાર, આ ડીલ શુક્રવારે વોશિંગ્ટન ડીસીમાં યુએસ ચેમ્બર ઑફ કોમર્સ ખાતે આયોજિત યુએસ-ઇરાક બિઝનેસ સમિટમાં ફાઇનલ થઈ છે. આ ડીલની મદદથી બગદાદ હોર્મુઝ સ્ટ્રેટ પરની પોતાની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
હોર્મુઝને અવગણીને ઇરાક કેવી રીતે કરશે ઓઇલ સપ્લાય?
ઇરાક હંમેશાથી સૌથી મોટા તેલ નિકાસકારોમાંનું એક રહ્યું છે. જો કે, 2003માં અમેરિકી હુમલા બાદ ઇરાક અને સીરિયા વચ્ચેની પાઇપલાઇન બંધ થઈ જવાથી તેની તેલ નિકાસ ઘટી ગઈ હતી. પરંતુ હવે આ પાઇપલાઇનને ફરીથી શરૂ કરવા માટે કરાર કરવામાં આવ્યો છે.
અમેરિકી કંપનીની મદદથી શરૂ થશે પાઇપલાઇન
આ પાઇપલાઇન ઇરાકના કિરકુક ક્ષેત્રથી સીરિયાના ભૂમધ્ય સમુદ્રીય બંદરગાહ બનિયાસ વચ્ચે આવેલી છે. આ પાઇપલાઇન ઇરાકી તેલ ઉત્પાદનને ભૂમધ્ય સમુદ્ર અને તેનાથી આગળના નિકાસ બજારો સાથે જોડશે. ઇરાકની સરકારી સમાચાર એજન્સીના અહેવાલો અનુસાર બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ આ પુનઃનિર્માણ પ્રોજેક્ટનું કામ અમેરિકી એનર્જી કંપની 'શેવરોન' દ્વારા કરવામાં આવશે.
એએફપી(AFP)ના અહેવાલ મુજબ, આ મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થયા બાદ, અમેરિકી વિદેશ વિભાગે આ પગલાની પ્રશંસા કરી છે, અને કહ્યું છે કે, ઇરાક-સીરિયા ક્રૂડ ઓઇલ પાઇપલાઇન એક 'પ્રાથમિકતા ધરાવતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ' હશે. આ પ્રોજેક્ટના દ્વિપક્ષીય અને પ્રાદેશિક વ્યૂહાત્મક મહત્ત્વ પર ભાર મૂકતાં અમેરિકી વિદેશ વિભાગે નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકા ઇરાક સરકાર અને સીરિયન આરબ સરકાર દ્વારા ઇરાક-સીરિયા ક્રૂડ ઓઇલ પાઇપલાઇનના પુનઃનિર્માણને પ્રાથમિકતા આપવાના નિર્ણયનું સ્વાગત કરે છે.
2 મિલિયન બેરલ ઓઇલ સપ્લાય કરવાની ક્ષમતા
અમેરિકી વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, વોશિંગ્ટન આ પ્રોજેક્ટના તકનીકી અને નાણાકીય પાસાઓ માટે આંતરરાષ્ટ્રીય કન્સોર્ટિયમની દેખરેખ રાખી રહ્યું છે. આ પાઇપલાઇન સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ, દરરોજ 2 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની પ્રારંભિક પરિવહન ક્ષમતા મળવાની અપેક્ષા છે. તેલ પાઇપલાઇન પુનઃજીવિત કરવાની આ જાહેરાત એવા સમયે થઈ છે, જ્યારે ઇરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદી વોશિંગ્ટનની મુલાકાતે છે, અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નેતૃત્વના વખાણ કર્યા છે.




