Get The App

VIDEO: દુબઈ પર ઈરાનનો મિસાઈલ હુમલો, પ્રખ્યાત 'પામ જુમેરાહ'ની હોટલોમાં આગના દૃશ્યો

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: દુબઈ પર ઈરાનનો મિસાઈલ હુમલો, પ્રખ્યાત 'પામ જુમેરાહ'ની હોટલોમાં આગના દૃશ્યો 1 - image

Iranian Missile Hits Dubai Hotel : અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. જેના જવાબમાં ઈરાને પલટવાર કરતાં સમગ્ર મધ્ય-પૂર્વમાં સ્થિતિ ગંભીર છે. ઈરાનની સેના આ ક્ષેત્રમાં હાજર અમેરિકાના તમામ સહયોગીઓને નિશાન બનાવી રહી છે. જેમાં દુબઈના પામ જુમેરાહ બીચ પર આવેલી ફેયરમોન્ટ હોટેલને પણ નિશાન બનાવવામાં આવી છે.

ઈરાન દ્વારા કરવામાં આવેલા વળતા હુમલાને પગલે સમગ્ર મધ્ય-પૂર્વમાં સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઈરાન તરફથી કરાયેલા હુમલાથી દુબઈના અનેક સ્થળે વિસ્ફોટના અવાજો સંભળાયા હતા. જેમાં દુબઈના જુમેરાહ સ્થિત ફેયરમોન્ટ હોટલ પર ઈરાની મિસાઈલ પડી હોવાના અહેવાલ સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જો કે, આ મામલે હજુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી કે મિસાઈલ હુમલો થયો હતો કે અન્ય કોઈ કારણોથી આગ ફાટી નીકળી હતી. પરંતુ એક હોટલમાં એક માણસ દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોમાં કાટમાળ ખૂબ જ જોરથી જમીન પર અથડાતો જોવા મળે છે.

આ પણ વાંચો: LIVE: બુર્જ ખલીફા ખાલી કરાવાયું, 11 દેશોના એરસ્પેસનો ઉપયોગ ન કરવા તમામ એરલાઈન્સને DGCAની સૂચના

એક રિપોર્ટ અનુસાર, ફેયરમોન્ટ હોટેલની બહાર આગ અને દૂર-દૂર સુધી ધુમાડો દેખાઈ રહ્યો હતો. જો કે, આગ કાબૂમાં આવી ગઈ હોવાના અને આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. અગાઉ UAE સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે, UAE પર દેખીતી રીતે હુમલો ઈરાન દ્વારા છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઈલો દ્વારા કરવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, UAEની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ અસરકારક રીતે મિસાઈલોનો સામનો કર્યો અને ઘણી મિસાઈલોને સફળતાપૂર્વક અટકાવી હતી.

દુબઈના અધિકારીઓએ કરી પુષ્ટી 

આ મામલે દુબઈના અધિકારીઓએ પુષ્ટી કરી છે કે, સમગ્ર ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. દુબઈ મીડિયા ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઈમરજન્સી રેસ્ક્યૂ ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને ઘટનાસ્થળને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે. દુબઈ સિવિલ ડિફેન્સે પુષ્ટિ આપી છે કે, આગ હવે કાબૂમાં છે. ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે." 

આ પણ વાંચો: ઈઝરાયલના હુમલામાં ઈરાનના સંરક્ષણ મંત્રી, IRGC કમાન્ડરના મોતનો દાવો, સ્થિતિ વધુ તંગ

મળતી માહિતી મુજબ, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેઓએ દુબઈની પામ જુમેરાહ સ્થિત જાણીતા ફેરયમોન્ટ ધ પામ હોટલથી એક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. પામ પરની એક હોટલમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવતી જોવા મળી હતી.