Iran Israel War: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રોયટર્સના અહેવાલ અનુસાર, 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury) અંતર્ગત કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ઈરાનના સંરક્ષણ મંત્રી અમીર નાસિરઝાદેહ અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વડા મોહમ્મદ પાકપોર માર્યા ગયા છે. આ ઓપરેશનમાં ઈરાનના પરમાણુ મથકો અને ટોચના નેતૃત્વને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં ઈરાનની ન્યાયપાલિકાના વડા ગુલામ-હુસૈન મોહસેની-એજેઈ પણ ઠાર થયા હોવાના અહેવાલ છે. જો કે, આ અંગે ઈરાન કે ઇઝરાયલ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી.
ઈરાનને સૌથી મોટો સૈન્ય આંચકો
મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત વિકટ સ્થિતિમાં આવી ગયો છે. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનના સંરક્ષણ મંત્રી અમીર નાસિરઝાદેહ અને ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના કમાન્ડર મોહમ્મદ પાકપોર માર્યા ગયા હોવાના દાવાઓએ વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. રોયટર્સના અહેવાલ મુજબ, આ સૈન્ય કાર્યવાહીથી વાકેફ સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. જોકે, ઈરાન સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ જો આ દાવા સાચા સાબિત થશે તો તે ઈરાન માટે અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય આંચકો ગણાશે.
ઈરાનની સૌથી શક્તિશાળી સૈન્ય પાંખ ગણાતી IRGCમાં આ મોટું નેતૃત્વ પરિવર્તન જૂન 2025ના યુદ્ધ પછી આવ્યું હતું, જ્યારે મોહમ્મદ પાકપોરે, હુસૈન સલામીના નિધન બાદ કમાન સંભાળી હતી. સંરક્ષણ મંત્રી તરીકે અમીર નાસિરઝાદેહ ઈરાનની સૈન્ય વ્યૂહરચના અને આધુનિક હથિયારોના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. એકસાથે બે ટોચના સૈન્ય અધિકારીઓના મોતના દાવાથી ઈરાનનું સૈન્ય માળખું હચમચી ગયું છે.
આ પણ વાંચો: ઈરાન-ઇઝરાયલ યુદ્ધ મુદ્દે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'તમામ પક્ષ સંયમ રાખે'
50થી વધુ વિદ્યાર્થીના મોતની આશંકા
ઈરાનના શહેર મિનાબમાં આવેલી એક ગર્લ્સ સ્કૂલ પર કથિત ઇઝરાયલી હુમલામાં 50થી વધુ વિદ્યાર્થીના મોત થયા છે. સરકારી સમાચાર એજન્સી IRNAના અનુસાર, આ હુમલામાં અંદાજિત 60 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારી મોહમ્મદ રદમેહરે કહ્યું કે, હુમલાના સમયે સ્કૂલમાં લગભગ 170 વિદ્યાર્થી હાજર હતા. રાહત અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે. હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સ્કૂલ પર થયેલા હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ વિદ્યાર્થિનીઓના મોતે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈઝરાયલની કાર્યવાહી પર સવાલ ઉભા થયા છે.


