Get The App

'શું થશે તે કોઈને ખબર નથી, કોરોના જેવું ગંભીર પરિણામ આવશે', મધ્ય પૂર્વ યુદ્ધ અંગે પુતિનની ભવિષ્યવાણી

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
'શું થશે તે કોઈને ખબર નથી, કોરોના જેવું ગંભીર પરિણામ આવશે', મધ્ય પૂર્વ યુદ્ધ અંગે પુતિનની ભવિષ્યવાણી 1 - image

Iran US War Impact: રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને કહ્યું કે મધ્ય પૂર્વના યુદ્ધમાં આગળ શું થશે તે કોઈ કહી શકતું નથી. તેમણે ચેતવણી આપી હતી કે ઈરાન યુદ્ધના પરિણામો કોવિડ-19 મહામારી જેટલા જ ગંભીર હોઈ શકે છે. મોસ્કોમાં બિઝનેસ ફોરમને સંબોધતા પુતિને કહ્યું કે આ યુદ્ધને કારણે લોજિસ્ટિક્સ, પ્રોડક્શન અને સપ્લાય ચેઈન પહેલેથી જ ખોરવાઈ ગઈ છે. આ સાથે હાઈડ્રોકાર્બન, મેટલ અને ફર્ટિલાઈઝર સેક્ટર પર પણ દબાણ વધ્યું છે.

કોરોનાકાળની સ્થિતિને કરી યાદ

પુતિને કહ્યું કે, 'યુદ્ધમાં સામેલ દેશો પણ કહી શકતા નથી કે આગળ શું થવાનું છે. આ સંકટ કોરોના વાઈરસના ઝટકાની જેમ જ અનેક દેશોમાં વિકાસની ગતિ ધીમી કરી શકે છે. વૈશ્વિક અર્થતંત્ર ડગમગી રહ્યું છે. મને લાગે છે કે જે લોકો આ સંઘર્ષમાં સામેલ છે, તેઓ પોતે પણ કોઈ અંદાજો લગાવી શકતા નથી. અમારા માટે તો અનુમાન લગાવવું  વધારે મુશ્કેલ છે.'

ક્રૂડ ઓઈલના ભાવમાં 5% નો ઉછાળો

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની આશાઓ હવે નબળી પડતી દેખાઈ રહી છે. આ જ કારણ છે કે 26 માર્ચ 2026ના રોજ તેલની કિંમતોમાં 5 ટકાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ નોર્થ સી ક્રૂડ 5.2 ટકા વધીને 107.54 ડોલર પ્રતિ બેરલ થયું છે, જ્યારે યુએસ ઓઈલ કોન્ટ્રાક્ટ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) 4.9 ટકા વધીને 94.71 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 26 માર્ચે ઈરાનને ચેતવણી આપી હતી કે જો તેઓ કરાર નહીં માને તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે ફરી દાવો કર્યો કે ઈરાનની સૈન્ય તાકાત સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે અને તેઓ કોઈ કરાર  માટે ભીખ માંગી રહ્યા છે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે તેહરાન અમેરિકન પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે, પરંતુ યુદ્ધ રોકવા માટે હજુ સુધી કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી.

શાંતિ પ્રસ્તાવ અને સૈન્ય તૈનાતી

ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાન સામે 15 પોઈન્ટની યુદ્ધવિરામ યોજના રજૂ કરી છે, જેના જવાબમાં ઈરાને અમેરિકા સામે પોતાની 5 શરતો મૂકી છે. આ દરમિયાન પાકિસ્તાને મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. જો કે આ પ્રસ્તાવ વચ્ચે પણ અમેરિકા પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. અમેરિકન સેના 82મી 'એરબોર્ન ડિવિઝન'ના વધુ 1,000 સૈનિકો તૈનાત કરવાની તૈયારી કરી રહી છે, જેથી વિસ્તારમાં પહેલાથી હાજર 50,000 સૈનિકોની શક્તિ વધી જશે.

આ પણ વાંચો: Explainer: હોર્મુઝ પછી ઈરાનની ‘બાબ અલ-મંડેબ’ એટલે કે ‘ગેટ ઓફ ટિયર્સ’ જળમાર્ગ બંધ કરવાની ધમકી, જાણો તેનું મહત્ત્વ

ઈઝરાયલને વાંધો!

અમેરિકન સંરક્ષણ મંત્રાલયનું મુખ્ય કેન્દ્ર પેન્ટાગોન બે 'મરીન એક્સપિડિશનરી યુનિટ' તૈનાત કરવાની પ્રક્રિયામાં છે, જેના હેઠળ અંદાજે 5,000 મરીન અને હજારો નૌ સેનાના જવાનો તૈનાત કરવામાં આવશે. દાવોઓ મુજબ ઈરાન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવાની તરફેણ કરી રહેલા ઈઝરાયલના અધિકારીઓ અમેરિકાની આ યુદ્ધવિરામ યોજનાથી આશ્ચર્યચકિત છે.