અમેરિકાની ધમકીઓ છતાં ટસનું મસ ના થયું ઈરાન! ઈઝરાયલના ધબકારા વધ્યા, ટ્રમ્પ સાથે બેઠક કરશે નેતન્યાહૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran america conflict : ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાએ તેના પર નવા પ્રતિબંધો લાદ્યા છે, જેનાથી ભડકેલા મધ્ય પૂર્વના આ દેશે વોશિંગ્ટનને મોટી ધમકી આપી છે. ઈરાનની આ ધમકી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતામાં વધારો કરી શકે છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે, જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે, તો ઈરાન મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને પોતાનું નિશાન બનાવશે. તેમણે એમ પણ ઉમેર્યું કે, આને એ દેશો વિરુદ્ધની કાર્યવાહી તરીકે ન જોવી જોઈએ જ્યાં આ અમેરિકી મથકો આવેલા છે.
અરાગચીના નિવેદનથી ચકચાર
અરાગચીનું આ નિવેદન તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે ઓમાનની મધ્યસ્થતામાં શુક્રવારે (6 ફેબ્રુઆરી, 2026) થયેલી હકારાત્મક વાતચીત બાદ પરમાણુ મંત્રણા ચાલુ રાખવાની સંમતિના એક દિવસ પછી, શનિવારે (7 ફેબ્રુઆરી, 2026) સામે આવ્યું છે. અબ્બાસ અરાગચીએ શનિવારે 'અલ જઝીરા ટીવી'ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અમેરિકા સાથે આગામી વાતચીતની તારીખ હજુ નક્કી નથી થઈ, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, આ વાતચીત આગામી સપ્તાહની શરૂઆતમાં થઈ શકે છે. તેમણે કહ્યું કે અમે અને વોશિંગ્ટન બંને માનીએ છીએ કે વાતચીત વહેલી તકે થવી જોઈએ.
ટ્રમ્પે અમેરિકી નૌસૈનિકોની તૈનાતીની ધમકી આપી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વ વિસ્તારમાં અમેરિકી નૌસૈનિકોની તૈનાતી વધાર્યા બાદ ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે. તેમણે ઈરાન પાસે યુરેનિયમ એનરિચમેન્ટ (સંવર્ધન) બંધ કરવાની માંગ કરી છે. જેને પરમાણુ હથિયાર બનાવવા તરફનું મહત્વનું પગલું માનવામાં આવે છે. આ સિવાય અમેરિકાએ બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ રોકવા અને વિસ્તારના સશસ્ત્ર જૂથોને સમર્થન ન આપવાની પણ માંગ કરી છે. જોકે, તેહરાન લાંબા સમયથી પરમાણુ ઈંધણના સૈન્ય ઉપયોગના ઈરાદાનો ઈનકાર કરતું આવ્યું છે.
આ પણ વાંચો : ભારત- અમેરિકાના ટ્રેડ- ડીલ સાથે ટ્રમ્પે કાશ્મીર અંગે પાકિસ્તાનને કડક સંદેશો આપી દીધો
નેતન્યાહુ અને ટ્રમ્પની મુલાકાત પર નજર
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ બુધવારે વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. શનિવારે તેમના કાર્યાલયે જણાવ્યું કે ઈરાન સાથે અમેરિકાની મંત્રણા પર ચર્ચા થશે. નેતન્યાહુ માને છે કે, તમામ મંત્રણાઓમાં બેલિસ્ટિક મિસાઈલો પર રોક અને ઈરાની જૂથોને અપાતા સમર્થનનો અંત લાવવાનો મુદ્દો સામેલ હોવો જોઈએ.
વાતચીત 'ખૂબ સારી' રહી: ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાની વાતચીત 'ખૂબ સારી' રહી છે. આ મંત્રણામાં અમેરિકા તરફથી મધ્ય પૂર્વના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર હાજર હતા. ટ્રમ્પે ઈરાનને પરમાણુ કરાર માટે મજબૂર કરવા બળપ્રયોગ કરવાની વારંવાર ધમકી આપી છે. અગાઉ તેમણે વિમાનવાહક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન અને અન્ય યુદ્ધ જહાજો પણ આ વિસ્તારમાં મોકલ્યા હતા. ખાડીના દેશોને ડર છે કે આનાથી પ્રાદેશિક યુદ્ધ ફાટી નીકળી શકે છે.
સૈન્ય કમાન્ડરો મંત્રણાના ટેબલ પર
ઈરાન સાથેની મંત્રણામાં પ્રથમ વખત અમેરિકાએ શુક્રવારે મધ્ય પૂર્વમાં તેના ટોચના સૈન્ય કમાન્ડરને બોલાવ્યા હતા. યુએસ નેવીના એડમિરલ બ્રેડ કૂપરે શનિવારે વિટકોફ અને કુશ્નર સાથે યુએસએસ અબ્રાહમ લિંકનની મુલાકાત લીધી હતી. ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું કે પરમાણુ મંત્રણા શાંત વાતાવરણમાં, તણાવ અને ધમકીઓ વિના થવી જોઈએ.
કતારના રાજદ્વારીઓનો પ્રસ્તાવ
અલ જઝીરાના અહેવાલ મુજબ ઇજિપ્ત, તુર્કી અને કતારના રાજદ્વારીઓએ ઈરાનને એક પ્રસ્તાવ આપ્યો છે. જેમાં તેહરાન ત્રણ વર્ષ માટે યુરેનિયમ સંવર્ધન રોકી દેશે, પોતાનું ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ દેશની બહાર મોકલી દેશે અને બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ ન કરવાનું વચન આપશે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું છે કે આ તમામ મુદ્દાઓને મંત્રણામાં સામેલ કરવા જરૂરી છે.









