- ટ્રમ્પને યુદ્ધમાં સાથ આપવો 18 જેટલી ટેક્નોલોજી કંપનીઓને મોંઘો પડશે
- ઇરાન પર હુમલા માટે અમેરિકાને મદદ કરનારી 18 એઆઈ કંપનીઓ નિશાના પર : પહેલી એપ્રિલથી હુમલા શરુ થશે
- ઇરાનના પરમાણુ પ્લાન્ટવાળા ઇસ્ફાહાન શહેર પર અમેરિકાએ બંકર બસ્ટર બોમ્બ ઝિંક્યો
Iran War Update : ઇરાને ચીમકી આપી છે કે તે હવે યુદ્ધ ફક્ત અમેરિકા અને ઇરાનના લશ્કરી ઠેકાણા પૂરતુ જ સીમિત ન રાખતા અમેરિકન એઆઈ કંપનીઓ પર પણ હુમલા કરશે. આ હુમલા પહેલી એપ્રિલથી શરુ કરવામાં આવશે. તેણે આ હુમલા માટે ટાર્ગેટ 18 કંપનીઓની યાદી પણ જારી કરી છે. તેમા ગૂગલ, માઇક્રોસોફ્ટ,ઓેપનએઆઈ, એપલ, ઇન્ટેલ અને ટેસ્લા જેવી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સનું કહેવું છે કે આ કંપનીઓના પ્રાદેશિક એકમો પર હુમલો કરવામાં આવી શકે છે. ઇરાને સ્પષ્ટ જણાવ્યું છે કે આ પગલું તેના પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી રહ્યું છે. આમ આ હુમલા ફક્ત લશ્કરી હુમલા પૂરતા જ સીમિત નહી રહે, પરંતુ તે સ્થળોએ પણ હુમલા થશે જે ઇરાન સાથે સંઘર્ષનો હિસ્સો છે.

આઇઆરજીસીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે અમેરિકા ઇરાન પર હુમલો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) કંપનઈઓની મદદ લે છે. હવે જે કંપનીઓની મદદથી અમારે ત્યાં નરસંહાર કરવામાં આવતો હોય તો અમે પછી તે કંપનીઓ પર હુમલો કેમ ન કરીએ. આ કંપનીઓએ ઇરાનમાં થયેલા દરેક હુમલાના જવાબમાં પોતાના પ્રાદેશિક એકમોને ખતમ થયેલા સમજવાની જ આશા રાખવી. આમ અખાતમાં આવેલા આ કંપનીઓના બધા જ પ્રાદેશિક એકમોને અમે ખતમ કરી નાખીશું.
તેમણે ઉમેર્યુ હતું કે આજે યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ચૂક્યું છે. આઇસીટી અને બીજી કેટલીય એઆઈ કંપનીઓ તે સિસ્ટમ્સ ડિઝાઇન કરવામાં અને તેના પર નજર રાખવામાં હુમલો કરી રહી છે જેનો ઉપયોગ હુમલા માટે કરવામાં આવી રહ્યો છે. હવે આ બધી જ કંપનીઓ અમારા નિશાન પર હશે. આઇઆરજીસીએ આ કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓને પણ ચેતવણી આપી છે કે તે પોતાની સુરક્ષા માટે તરત જ ઓફિસ છોડી દે. આમ કોઈ યુદ્ધમાં પહેલી જ વખત ટેકનોલોજી કંપનીઓ નિશાના પર આવી છે. આમ વર્તમાન યુદ્ધ હવે પરંપરાગત યુદ્ધની બધી જ સીમાઓને પાર કરી રહ્યું છે.
અમેરિકાનો ઇરાન પર હજાર પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો
અમેરિકાએ ઇરાન બહુ જ મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં ઇસ્ફાહાન શહેર તેનો લક્ષ્યાંક બન્યું છે. અહીં ઇરાનનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પણ છે. આ હુમલામાં અમેરિકાએ એક હજાર કિલોના બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ હુમલો અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત રીતે કર્યો હતો. આ હુમલાનું મહત્ત્વ એટલા માટે છે કેમકે તે સમાચાર વારંવાર આવતા રહે છે કે ઇરાને અહીં યુરેનિયન છૂપાવ્યું છે. આ યુરેનિયમનું વજન લગભગ 540 કિલોગ્રામ હોવાનું મનાય છે. ઇરાને તેને અંડરગ્રાઉન્ડ સ્ટોર કર્યુ છે.
ઇઝરાયેલ-ઇરાન બંનેના એકબીજા પર હુમલા
ઇઝરાયેલ અને ઇરાન બંનેના એકબીજા પર બોમ્બાર્ડિંગ ચાલુ છે. ઇઝરાયેલની રાજધાની જેરૂસલેમ પર કમસેકમ દસ સ્થળોએ હુમલાના અવાજ સાંભળવા મળ્યા. સુરક્ષા દળોનું કહેવું છે કે તેમની એર ડિફેન્સ મિસાઇલહુમલાનો જવાબ આપી રહી છે. ઇઝરાયેલના હુમલાના લીધે તહેરાનમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. ઇઝરાયેલે આ ઉપરાંત દક્ષિણ લેબનોનમાં તેનું જમીન આક્રમણ વધુ તેજ કરતાં હવે છેક બૈરુત સુધી હુમલા કરવા માંડયા છે. દક્ષિણ લેબનોનમાં હીઝબુલ્લાહ સામે અભિયાન દરમિયાન ઇઝરાયેલના અત્યાર સુધીમાં ચાર સૈનિકોના મોત થયા છે.
સાઉદી અને દુબઈ પર ઇરાનનો હુમલો
અમેરિકા-ઇઝરાયેલના હુમલાના જવાબમાં ઇરાને ખાડી દેશોમાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલા ચાલુ રાખ્યા છે. આ જ ક્રમમાં ઇરાને સાઉદીના અલ-ખારજ પ્રાંતમાં ડ્રોન એટેક કર્યો છે. જો કે સાઉદી એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલો ફગાવી દીધો હતો. આ જ રીતે તેણે દુબઈમાં લાંગરેલા ઓઇલ ટેન્કર પર હુમલો કર્યો હતો. તેના કારણે ટેન્કરમાં આગ લાગી ગઈ હતી.
અમેરિકા ભૂમિ આક્રમણ કરે તો રશિયાના ચેચેન લડાકુઓ જંગમાં ઉતરવા તૈયાર
ઇરાન સાથે અમેરિકા અને ઇઝરાયેલના જંગમાં હવે જો અમેરિકા જમીન આક્રમણ કરે તો રશિયાના ચેચેન લડાકુઓ યુદ્ધમાં ઉતરી શકે છે. રશિયાના પ્રમુખ પુતિને ચેચેન ફાઇટર્સને ઇરાનમાં લડવા માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. ચેચેન લશ્કરી એકમોએ જાહેરાત કરી છે કે જો અમેરિકા ઇરાન પર જમીન આક્રમણ કરે છે તો તેઓ તેની મદદે જવા તૈયાર છે. આ ચેચેન બળવાખોરોએ ૨૦૦૦માં પુતિન પ્રમુખ બન્યા ત્યારે તેમને આકરી ટક્કર આપી હતી અને પછી તેઓ પુતિનના વફાદાર બની ગયા હતા.


