World

ઈરાનની ધમકી બાદ ટ્રમ્પ એલર્ટ ! નેતન્યાહૂને કૉલ કરતા જ લેબેનોનથી હટી ગઈ ઈઝરાયલી સેના

By GS Team
1 Jun 20263 mins read
TukuTouch Logo
ઈઝરાયલ, ઈરાન અને લેબનાન વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) આ મામલે સીધી એન્ટ્રી કરી છે, જેના કારણે યુદ્ધ અટકે તેવી આશા જાગી છે. ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Israel PM Benjamin Netanyahu) સાથે સકારાત્મક વાતચીત કરી હતી, જે બાદ ઈઝરાયલે લેબનાનની રાજધાની બેરૂત તરફ આગળ વધી રહેલા પોતાના સૈનિકોને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય અમેરિકાના પ્રતિનિધિઓએ હિઝબુલ્લાહના સભ્યો સાથે પણ ચર્ચા કરી છે. આ વાતચીત બાદ હિઝબુલ્લાહ અને ઈઝરાયલ બંને એકબીજા પર હુમલા ન કરવા અને ગોળીબાર રોકવા માટે સહમત થયા છે. જોકે, વિસ્તારમાં કાયમી શાંતિ સ્થાપવા માટેનો રસ્તો હજુ લાંબો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનની ધમકી બાદ ટ્રમ્પ એલર્ટ ! નેતન્યાહૂને કૉલ કરતા જ લેબેનોનથી હટી ગઈ ઈઝરાયલી સેના

Israel-Lebanon Ceasefire : ઈઝરાયલ, ઈરાન અને લેબનાન વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) આ મામલે સીધી એન્ટ્રી કરી છે, જેના કારણે યુદ્ધ અટકે તેવી આશા જાગી છે. ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Israel PM Benjamin Netanyahu) સાથે સકારાત્મક વાતચીત કરી હતી, જે બાદ ઈઝરાયલે લેબનાનની રાજધાની બેરૂત તરફ આગળ વધી રહેલા પોતાના સૈનિકોને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય અમેરિકાના પ્રતિનિધિઓએ હિઝબુલ્લાહના સભ્યો સાથે પણ ચર્ચા કરી છે. આ વાતચીત બાદ હિઝબુલ્લાહ અને ઈઝરાયલ બંને એકબીજા પર હુમલા ન કરવા અને ગોળીબાર રોકવા માટે સહમત થયા છે. જોકે, વિસ્તારમાં કાયમી શાંતિ સ્થાપવા માટેનો રસ્તો હજુ લાંબો છે.

ઈઝરાયલની લેબેનોનમાં કાર્યવાહી બાદ ઉભો થયો હતો વિવાદ

ઈઝરાયલ અને લેબનાનમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ્લાહ વચ્ચેની આ લડાઈને કારણે મોટું સંકટ ઊભું થયું હતું. ઈરાન આ હિઝબુલ્લાહ સંગઠનને પૂરો સાથ આપે છે. આ વિવાદ વચ્ચે ઈઝરાયલે લેબનાનની સરહદમાં ઘૂસીને છેલ્લા 25 વર્ષની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી કરી હતી. ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબનાનમાં આવેલા 700 મીટરની ઊંચાઈ પર બનેલા અને આશરે 1000 વર્ષ જૂના ઐતિહાસિક બ્યુફોર કિલ્લા પર પણ કબજો કરી લીધો હતો. આ કિલ્લો ઊંચાઈ પર હોવાથી ત્યાંથી આખા દક્ષિણ લેબનાન અને ઉત્તરી ઈઝરાયલ પર નજર રાખી શકાય છે.

આ પણ વાંચો : શાંતિ વાર્તામાં ડખો ! ઈઝરાયલની કરતૂતથી ભડક્યું ઈરાન, દુનિયાનો શ્વાસ બંધ કરી દેવાની આપી ધમકી

ઈઝરાયલ-લેબનાનનો સામસામે આક્ષેપ

ઈઝરાયલનું કહેવું છે કે, હિઝબુલ્લાહ ફાઈબર ઓપ્ટિક ડ્રોન દ્વારા તેમના સૈનિકો અને નાગરિકો પર હુમલા કરી રહ્યું હતું, જેના જવાબમાં આ એક્શન લેવાઈ છે. બીજી તરફ લેબનાનના વડાપ્રધાન નવાફ સલામે ઈઝરાયલ પર તેમના શહેરો અને ઈતિહાસને તબાહ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ભીષણ યુદ્ધમાં લેબનાનમાં અત્યાર સુધીમાં 3300થી વધુ લોકોના મોત થયા છે અને 10 લાખ જેટલા લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા છે. જ્યારે ઈઝરાયલના 25 સૈનિકો અને 2 સામાન્ય નાગરિકોના પણ મોત થયા છે.

અમેરિકાએ એપ્રિલમાં પણ યુદ્ધવિરામ કરાવ્યું હતું

આ પહેલાં એપ્રિલ મહિનામાં અમેરિકાએ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું હતું અને વોશિંગ્ટનમાં સીધી વાતચીત પણ શરૂ થઈ હતી. છેલ્લા 3 દાયકામાં પહેલીવાર બંને દેશોના અધિકારીઓ આ રીતે સામસામે બેઠા હતા. આ શાંતિ વાટાઘાટોમાં મુખ્ય મુદ્દો એ હતો કે ઈઝરાયલ પોતાની સેના ક્યારે પાછી ખેંચશે અને હિઝબુલ્લાહ પોતાના હથિયારો ક્યારે મુકશે. જોકે હિઝબુલ્લાહે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈઝરાયલી સેના લેબનાનની ધરતી પર છે, ત્યાં સુધી તેઓ હથિયાર નહીં છોડે.

લેબનાનમાં કાર્યવાહી બાદ ઈરાનની ધમકી

લેબનાનની અંદર ઘૂસીને ઈઝરાયલે કરેલી આ કાર્યવાહીથી ઈરાન ભારે ગુસ્સામાં હતું. ઈરાને અમેરિકા સાથે વાત કરવાની ના પાડી દીધી હતી અને હોર્મુઝની ખાડી બંધ કરવાની ધમકી પણ આપી હતી. ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને જણાવ્યું છે કે તેમને ઈરાન તરફથી વાતચીત બંધ કરવાનો કોઈ સત્તાવાર મેસેજ મળ્યો નથી અને અમેરિકાની ઈરાન સાથેની વાતચીત હજુ પણ ચાલુ જ છે.

આ પણ વાંચો : ભારત-ઓમાન વચ્ચે CEPA લાગુ: 99 ટકા સામાન પર ઝીરો ડ્યુટી! જાણો કોને કોને મળશે લાભ