Get The App

Explainer: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધથી દુનિયામાં થશે 10 ફેરફાર, જાણો ભારતને શું થશે અસર

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
Explainer: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધથી દુનિયામાં થશે 10 ફેરફાર, જાણો ભારતને શું થશે અસર 1 - image

AI Image


Israel Iraq War Impact on World : અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા છે. આ જંગનો આ એક નિર્ણાયક વળાંક માનવામાં આવે છે, કારણ કે અમેરિકા લાંબા સમયથી ઈરાનમાં સત્તા પરિવર્તનનો પ્રયાસ કરી રહ્યું હતું. ખામેનેઈના નિધન બાદ હવે અમેરિકા પોતાની સમર્થિત સરકાર બનાવવાનો પ્રયાસ કરી શકે છે. આ સાથે ઈરાનમાં ખામેનેઈનું 47 વર્ષનું શાસન ખતમ થયું છે અને ત્યાં ઘણું બધું બદલાવા જઈ રહ્યું છે. બીજી તરફ, ખામેનેઈના નિધન બાદ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક આયાત (પંક્તિ) શેર કરવામાં આવી છે, જેનો અર્થ છે કે - 'હજુ પણ કેટલાક લોકો રાહ જોઈ રહ્યા છે અને તેઓ અલ્લાહને આપેલું પોતાનું વચન નિભાવશે.'

Explainer: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધથી દુનિયામાં થશે 10 ફેરફાર, જાણો ભારતને શું થશે અસર 2 - image

જો કે આ ઘટનાક્રમના કારણે વિશ્વનાં અનેક દેશો અસ્થિર થાય તેવી શક્યતા છે. ઇરાનમાં સત્તા પરિવર્તન અથવા તો યુદ્ધની સ્થિતિમાં ભારત સહિત વિશ્વનાં અનેક દેશો પર તેની વિપરિત અસર પડી શકે છે. 

1. તેલ અને ગેસના ભાવમાં વધારો

આ જંગને કારણે વિશ્વભરમાં ઊર્જાનું કામચલાઉ સંકટ ઊભું થશે. પેટ્રોલ, ડીઝલ અને ગેસની કિંમતો વધી શકે છે. આ ઉપરાંત વીજળી પણ મોંઘી થવાની આશંકા છે.

2. મોંઘવારી ભડકવાનો ખતરો

જો ઊર્જા અને ઈંધણ મોંઘા થશે, તો તેની સીધી અસર ટ્રાન્સપોર્ટ, ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ વગેરે પર પડશે. આ ચીજોની મોંઘવારી દરેક દેશને અસર કરશે અને ભારત પણ તેનાથી બાકાત નહીં રહે.

3. સમગ્ર મધ્ય પૂર્વ (Middle East) પર સંકટ

જો આ યુદ્ધનો વ્યાપ વધશે તો તેની અસર આખા મધ્ય પૂર્વ પર થશે. તેના લક્ષણો ત્યારે દેખાયા જ્યારે ઈરાને એકલા હાથે 8 દેશો પર હુમલો કર્યો. ઈરાનના સાથી એવા હિઝબુલ્લાહ અને હૂતી જૂથો સક્રિય થઈ શકે છે, જેના કારણે યુદ્ધ ઈઝરાયેલ, લેબનાન અને યમન સુધી ફેલાઈ શકે છે.

4. મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્ય વધશે

આ સંજોગો જોતા સ્પષ્ટ છે કે, જંગ તરત જ ખતમ નહીં થાય. અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની હાજરી વધારવી પડશે અને ફરી એકવાર મોટા પાયે ત્યાં પોતાની ફોજ તૈનાત કરવી પડી શકે છે.

5. ઈરાનનું પરમાણુ અભિયાન તેજ થશે

અમેરિકા સતત કહેતું આવ્યું છે કે, ઈરાન પરમાણુ હથિયારો ન બનાવે. પરંતુ હવે જ્યારે ઈરાને આટલો મોટો હુમલો સહન કર્યો છે, ત્યારે શક્યતા છે કે તે ભવિષ્યમાં પોતાના અસ્તિત્વની લડાઈ માટે પરમાણુ હથિયારો બનાવવાનું શરૂ કરી દે, જેથી તેને સુરક્ષાની ગેરંટી મળે.

6. રશિયા, ચીન અને ભારત પર નજર

આ જંગમાં અમેરિકા અને ઈઝરાયેલ સક્રિય છે. જ્યારે મધ્ય પૂર્વના ઘણા મુસ્લિમ દેશો અમેરિકાને પરોક્ષ ટેકો આપી રહ્યા છે. અત્યાર સુધી એશિયાના ત્રણ મોટા ખેલાડીઓ - ચીન, રશિયા અને ભારત આ જંગથી અંતર જાળવી રહ્યા છે. આગામી સમયમાં આ ત્રણેય દેશોનું વલણ જ ભવિષ્ય નક્કી કરશે.

7. તેલની સપ્લાય અટકવાનો ખતરો

જો હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ થાય, તો વિશ્વનો 20% તેલ વેપાર પ્રભાવિત થશે. ભારત પર પણ તેની સીધી અને ગંભીર અસર જોવા મળશે.

8. શેરબજારમાં કડાકો આવી શકે છે

ભારતની વાત કરીએ તો, સોમવારે શેરબજાર પર નજર રાખવી પડશે. તેલ અને ઊર્જા સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. યુદ્ધના ડરથી રોકાણકારો બજારમાંથી નાણાં પાછા ખેંચવા લાગે છે, જે અસ્થિરતા પેદા કરે છે.

9. શરણાર્થી સંકટ

ઈરાન અને પડોશી દેશોમાંથી લાખો લોકો યુરોપ અને એશિયા તરફ સ્થળાંતર કરી શકે છે. આનાથી ઘણા દેશોમાં રિફ્યુજી (શરણાર્થી) સંકટ ઊભું થઈ શકે છે.

10. UN ની વિશ્વસનીયતા નબળી પડી

સંયુક્ત રાષ્ટ્ર (UN) અને તેની સંસ્થાઓ હંમેશા દેશોની સાર્વભૌમત્વનું સન્માન કરવાની વાત કરે છે. આ કિસ્સામાં અમેરિકાએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાય છે, પરંતુ યુએન નિષ્પ્રભાવી રહ્યું છે. આનાથી તેની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.