World

ઇરાને સાત શર્તો મુકી : તંગદિલી વધતાં ટ્રમ્પ કેમ્પ ડેવીડની મુલાકાત ટૂંકાવી વ્હાઇટ હાઉસ પરત પહોંચ્યા

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ ઉગ્ર બની છે. ઇરાને મંત્રણા માટે 7 શરતો મૂકી, જે ન સ્વીકારાય તો નિર્ણાયક યુદ્ધની ચીમકી આપી છે. આથી ટ્રમ્પ કેમ્પ ડેવિડનો આરામ છોડી વ્હાઇટ હાઉસ પરત ફર્યા છે. અમેરિકાએ પશ્ચિમ એશિયાના દુતાવાસોને હાઈ એલર્ટ પર મુક્યા છે, અને નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું છે. રશિયાએ અમેરિકી બોમ્બર પશ્ચિમ એશિયા તરફ રવાના થયાનું જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાને સાત શર્તો મુકી : તંગદિલી વધતાં ટ્રમ્પ કેમ્પ ડેવીડની મુલાકાત ટૂંકાવી વ્હાઇટ હાઉસ પરત પહોંચ્યા

વોશિંગ્ટન, (ડી.સી.) : પશ્ચિમ એશિયાની અસ્થિર સ્થિતિ ફરી ઉકળવા લાગી છે. બંને તરફ યુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે. પરિસ્થિતિ કેટલી ગંભીર બની રહી છે તેનું ઉદાહરણ પ્રમુખ ટ્રમ્પ કેમ્પ ડેવિડ સ્થિત આરામગૃહમાં સપ્તાહાંતનો આરામ છોડી એકાએક વ્હાઇટ હાઉસ પાછા ફર્યા છે, તે ઉપરથી મળી રહે છે. શનિવારે (સ્થાનિક સમય મુજબ) તેઓે કેમ્પ ડેવિડમાં માત્ર રાત્રી રોકાણ જ કર્યું હતું ત્યાંથી એકાએક આરામ છોડી સવારે વૉશિંગ્ટન જવા રવાના થઇ ગયા હતા.
કારણ તે હતું કે ઇરાને મંત્રણા ફરી શરૂ કરવા માટે સાત શરતો મુકી છે. સાથે ચેતવણી આપી છે કે જો તે નહીં સ્વીકારાય તો તે નિર્ણાયક યુદ્ધ માટે તૈયાર છે. ઇરાનના સિક્યુરીટી ચીફ મોહસીન રેઝીઓ એ અલ જજીરાને જણાવ્યું હતું કે અમો મધ્યસ્થી કતારના સતત સંપર્કમાં છીએ. તેણે અમારી શરતો વૉશિંગ્ટનને મોકલી આપી છે. તે શર્તો યુદ્ધ બંધ કરવા સંબંધી છે. તેમાં એક તો દરેક મોર્ચે યુદ્ધ બંધ કરવું, ઇરાનની જપ્ત મિલકતો છૂટી કરવી અને ઇરાન ફરતી રખાયેલી નૌકા ઘેરાબંધી દૂર કરવી.
ઇરાનની આ શર્તો મળ્યા પછી લગભગ તુર્ત જ પશ્ચિમ એશિયા વિસ્તારમાં રહેલાં તમામ રાજદૂતવાસોએ હાઈ સિક્યુરિટી એલર્ટ ઉપર મુકી દેવાયા છે. તેમજ ઇરાક, બહેરિન, ઓમાન, સઉદી અરબ, કતાર, લેબેનોન, કુવૈત તથા જોર્ડન સ્થિત અમેરિકોને સતત સતર્ક રહેવા જણાવી દેવાયું છે.
બીજી તરફ ઇરાન સમર્થિત હૂથીઓએ સઉદી અરબ સામે મોર્ચો ખોલી દીધો છે. આ યુદ્ધ વધુ વકરવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. સઉદી અરબ જતા કે ત્યાં રહેલા અમેરિકનોને સતત સતર્ક રહેવા દૂતાવાસોએ સૂચનો આપી દીધાં છે. તેમજ એરપોર્ટ અધિકારીઓનો સંપર્ક કરી વિમાન સેવાઓની પરિસ્થિતિ વિષે સંપૂર્ણ માહિતી મેળવવા કહ્યું છે. માત્ર પશ્ચિમ એશિયા સ્થિત અમેરિકી દૂતાવાસો કે અમેરિકનોને સાવચેત રહેવા પૂરતી જ વાત હવે, રહી નથી. હવે સૌથી વધુ ભીતિ તો દુનિયાભરમાં રહેલાં અમેરિકી દૂતાવાસો તથા દુનિયામાં કોઈપણ સ્થળે રહેલા અમેરીકનોની સલામતી પર ખતરો તોળાઈ રહ્યો છે.
દરમિયાન રશિયાએ આજે જણાવ્યું હતું કે એક પ્રબળ અમેરિકી બોમ્બર યુકે સ્થિત તેનાં મથકેથી પશ્ચિમ એશિયા તરફ જવા રવાના થયું છે. ઇરાનનાં સત્તાવાર પ્રેસ ટીવીએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ સીરીયા સ્થિત ખર્ગ અલ જીરમાં આવેલાં અલ હસકાહ એર બેઝમાં કશી તીવ્ર ગતિવિધિ ચાલી રહી હોય તેવું લાગતું હતું. તેવામાં સાઉદી અરબના ક્રાઉન સ્પિન્સ મુહમ્મદ બિન સલમાને ચેતવણી ઉચ્ચારી હતી કે યમનમાં નિર્દોષ લોકો માર્યા જાય તે ભીતિને લીધે જ અમે તેની ઉપર હુમલો કર્યો નથી નહીં તો એક સપ્તાહમાં જ યમન કબ્જે કરી શકીયે તેમ છીએ.
પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે યુએનની મહાસભામાં પણ તેની ચર્ચા હાથ ધરાશે. કારણ કે અમેરિકા ફરી સૈન્ય વિકલ્પ વિષે વિચારી રહ્યું છે. દુનિયાની નજર અત્યારે પશ્ચિમ એશયા ઉપર છે.