મિનાબ સ્કૂલ હુમલો: ઈરાને અમેરિકન કમાન્ડરોના ફોટા જાહેર કર્યા, 'ઓળખી લો, 168 માસૂમોના હત્યારા છે આ જાનવરો'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Minab School Deadly Air Strike: ઈરાને મીનાબમાં એક શાળા પર થયેલા ઘાતક મિસાઈલ હુમલા અંગે મોટો ખુલાસો કરતા અમેરિકન નૌસેનાના બે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. આ હુમલામાં આશરે 175 લોકોના મોત થયા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ હતા. ભારત, દક્ષિણ આફ્રિકા અને નાઇજીરિયામાં આવેલા ઈરાની દૂતાવાસોએ રવિવારે આ અધિકારીઓની તસવીરો જાહેર કરી તેમના નામ જણાવ્યા છે. ઈરાનના દાવા મુજબ આ બંને અધિકારીઓએ અમેરિકન યુદ્ધ જહાજ USS સ્પ્રુઅન્સ સાથે જોડાયેલા છે.
અમેરિકાના બે અધિકારીઓ પર આરોપ
ઈરાને જે અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે તેમાં Leigh R. Tate (કમાન્ડિંગ ઓફિસર) અને Jeffrey E. York (એક્ઝિક્યુટિવ (કાર્યકારી) ઓફિસર) સામેલ છે. આરોપ છે કે આ બંનેએ ત્રણ વખત ટોમહોક મિસાઈલ છોડવાનો આદેશ આપ્યો હતો, જેના કારણે મીનાબની એક શાળા પર હુમલો થયો અને મોટી સંખ્યામાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા.
'આ બે રાક્ષસને યાદ રાખો': ઈરાન
ભારતમાં ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું, 'આ બે રાક્ષસને યાદ રાખો, જેમણે ત્રણ વખત મિસાઈલ દાગીને 168 નિર્દોષ બાળકોની હત્યા કરી નાખી.' દક્ષિણ આફ્રિકા અને નાઇજીરિયા સ્થિત દૂતાવાસોએ પણ આ જ પ્રકારના કડક નિવેદનો જાહેર કરીને સવાલ ઉઠાવ્યો હતો કે શું આ અધિકારીઓને પોતાના બાળકો નથી?
ઈરાને આ કાર્યવાહીને ઈરાદાપૂર્વક ગણાવી
આ મુદ્દે જિનીવામાં યોજાયેલી કટોકટીની ચર્ચા દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ હુમલાને 'વિચારી-સમજીને અને ઈરાદાપૂર્વક કરવામાં આવેલી કાર્યવાહી' ગણાવી હતી. તેમનો દાવો છે કે સંઘર્ષના પહેલા જ દિવસે આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 175થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોત થયા હતા.
ભૂલથી મિસાઈલ પડી ગઈ?
અમેરિકન પક્ષે આ હુમલાને લઈને અલગ વલણ અપનાવ્યું છે. 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના એક અહેવાલ મુજબ, અમેરિકન સૈન્ય તપાસમાં પ્રાથમિક રીતે આને ગુપ્ત માહિતીની ભૂલ ગણાવવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે જે ટાર્ગેટ પર હુમલો કરવાનો હતો, તેના માટે જૂના નકશા અને ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે મિસાઈલ નજીકની શાળા પર પડી હતી. મિસાઈલનું અસલી નિશાન ઈરાની સૈન્ય મથક હતું, જે પહેલા તે જ સંકુલનો ભાગ હતું જ્યાં હવે આ પ્રાથમિક શાળા આવેલી છે. ખોટી અથવા જૂની લોકેશન માહિતીને કારણે આ ઘટના બની છે.
અમેરિકાએ હાથ અધ્ધર કર્યા
અમેરિકન પ્રશાસનનું કહેવું છે કે તે સામાન્ય નાગરિક માળખાને નિશાન બનાવતું નથી અને આ સમગ્ર મામલાની સમીક્ષા કરવામાં આવી રહી છે. બીજી તરફ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ હુમલા પાછળ ઈરાનની પણ ભૂમિકા હોઈ શકે છે અને તેની હથિયાર પ્રણાલી ઘણીવાર સચોટ હોતી નથી. તેના જવાબમાં ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાકાઈએ હુમલાનો વીડિયો શેર કરીને અમેરિકા પર યુદ્ધનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન
28 ફેબ્રુઆરીના રોજ આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા કરવામાં આવી રહ્યા હતા. આ પછી ઈરાને જવાબી કાર્યવાહી કરતા ઈઝરાયલ અને ખાડી દેશોમાં અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, જેના કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધી ગયો છે.








