Get The App

કુવૈતના એરપોર્ટ પર ઇરાનનો હુમલો એક ભારતીયનું મોત, ફ્લાઇટો રદ

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
કુવૈતના એરપોર્ટ પર ઇરાનનો હુમલો એક ભારતીયનું મોત, ફ્લાઇટો રદ 1 - image

- ખાડી યુદ્ધમાં મૃત્યુ પામેલા ભારતીયોની સંખ્યા 10 પર પહોંચી

- યુદ્ધવિરામ ફરી પાછો ખોરંભે પડવાની સંભાવના, ઇરાન અને અમેરિકાના એકબીજા પર સતત હુમલા

દુબઈ : યુદ્ધવિરામ અને શાંતિની મંત્રણા વચ્ચે અમેરિકા અને ઇરાન ફરીથી પાછા યુદ્ધના મેદાનમાં આવી ગયા છે. ઇરાને કુવૈતમાં અમેરિકાના બેઝ અને એરપોર્ટ પર કરેલા હુમલામાં એક ભારતીયનું મોત થયું છે. આ સાથે અખાત યુદ્ધમાં લેવાદેવા વગરનો ભોગ બનેલા  ભારતીયોની સંખ્યા ૧૦ પર પહોંચી છે. કુવૈત ખાતેના ભારતીય રાજદૂતાવાસે આ બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

કુવૈતના લશ્કરે પણ જણાવ્યું હતું કે ઇરાનના હુમલામાં ભારતીયનું મોત થયું છે અને બીજા કેટલાકને ઇજા પહોંચી છે. આ અગાઉ ૩૦ માર્ચના રોજ ઇરાને પાવર અને ડિસેલિનેશન પ્લાન્ટ પર કરેલા હુમલામાં પણ એક ભારતીયનું મોત થયું હતું.  યુદ્ધવિરામની મંત્રણા વચ્ચે ઇરાન યુદ્ધ મેદાનમાં આવી ગયું છે. અમેરિકી જહાજો પર તેણે ગોળીબારી શરૂ કરી છે. અમેરિકાને વળતો જબ્બર જવાબ આપવો શરૂ કરી દીધો છે. દરમિયાન ઇરાને અંદરની બાજુએ હોર્મુઝ સ્ટ્રેઇટસ ઉપર નાકાબંધી કરી છે. અમેરિકાએ બહારની બાજુએ અરબી સમુદ્રમાં નાકાબંધી કરી છે, તેણે ઇરાનનાં અન્ય બંદરોની પણ નાકાબંધી કરી દીધી છે.

દરમિયાન ઇરાને ડ્રોન વિમાનો દ્વારા અમેરિકાનાં આશ્રિત તેવાં કુવૈતનાં એરપોર્ટ પર પ્રચંડ હુમલા કર્યા છે. સહજ છે કે કુવૈતથી ઉપડતી અને આવતી તમામ ફ્લાઇટ્સ રદ્દ થઇ છે. ઇરાને, કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પેસેન્જર્સ બિલ્ડીંગ ઉપર પણ હુમલો કર્યો છે, જેથી તે બિલ્ડીંગને ભારે નુકસાન થયું છે અને કેટલાયે લોકો ઘાયલ થયા છે.

હુમલો એવે સમયે થયો છે કે જ્યારે ઇરાન અને અમેરિકા બંનેએ એકબીજા પર મંગળવારે રાત્રે મિસાઇલ હુમલા કર્યા હતા.અમેરિકન લશ્કરે ે કહ્યું હતું કે, તેણે ઇરાને કુવૈત અને બહેરિન પર છોડેલાં મિસાઇલ્સના જવાબમાં ઇરાનનાં એક સૈન્ય મથકને ખતમ કરી નખાયું છે. ઇરાનના સમાચાર વર્તુળોએ આઇઆરજીએસના નજીકના સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે ઇરાને અમેરિકા સાથે મધ્યસ્થી દ્વારા થતી વાતચીત બંધ કરી દીધી છે. જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વાતચીત બંધ કરી દીધી હોવાના દાવા ફગાવી દીધા. ટ્રમ્પ પોતે પણ ઇરાન સાથેના યુદ્ધને લઈને શાંતિમંત્રણા ક્યારે સફળ થાય તેના અંગે આશ્વસ્ત જણાતા નથી. તેમણે જણાવ્યું હતું કે ક્યાંક આ મંત્રણા કરતાં-કરતાં સાતમી સપ્ટેમ્બરના રોજનો લેબર-ડે હોલિડે ન આવી જાય. આ બતાવે છે કે ઇરાન સાથેની શાંતિ મંત્રણા કેટલી જટિલ છે. જો કે તેના પહેલા ઇરાન સાથે શાંતિ મંત્રણા સફળતાપૂર્વક પૂરી કરવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.