ઘાતક રસ્તે ઇરાન! દુશ્મનો સામે લડતાં લડતાં શું પોતાના જ મિત્ર દેશોને બનાવી રહ્યો છે કટ્ટર વેરી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran-US War : અમેરિકા-ઈરાન વચ્ચે બીજી વખત મહાયુદ્ધ ચાલી રહ્યું છે, સૌથી મહત્ત્વની વાત એ છે પહેલા યુદ્ધમાં અમેરિકાને ઈઝરાયલનો સાથ મળ્યો, પરંતુ બીજા યુદ્ધમાં તે સામેલ નથી. હાલના યુદ્ધમાં ઈરાને ફરી પડોશી દેશો કતાર, બહેરીન, કુવૈત, યુએઈ, જોર્ડન, ઈરાક અને સાઉદી અરેબિયા પર બોંબ વરસાવીને આ દેશોને યુદ્ધમાં ખેંચી લીધા છે. જ્યારે પ્રથમ યુદ્ધ શરૂ થયું ત્યારથી જ ઓમાન અને પાકિસ્તાને અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો, જોકે હવે વર્તમાન સ્થિતિ જોઈએ તો ઈરાને ઘાતક રસ્તો અપનાવી લીધો છે.
ઈરાન કતાર પર મિસાઇલો ઝીંકી રહ્યું છે, તો પાકિસ્તાને સાઉદી અરેબિયાનું જાહેરમાં સમર્થન કરીને ઈરાનને ચેતવણી આપી છે. મધ્યસ્થીની ભૂમિકા મામલે ઓમાન પણ નબડું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે, શું ઈરાન માત્ર પોતાના દુશ્મનો સાથે લડી રહ્યું છે કે પછી ઈરાન પોતાને તે દેશોથી દૂર કરી રહ્યો છે, જેઓ અત્યાર સુધી મધ્યસ્થીમાં સૌથી મહત્ત્વની વ્યૂહાત્મક ભૂમિકા નિભાવી રહ્યા હતા? વર્તમાન સ્થિતિ જોતાં અનેક નિષ્ણાતો ઈરાનની નીતિને જોખમી હોવાનું કહી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, ઈરાન અનેક દેશો પર હુમલાઓ કરીને અમેરિકા પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જોકે તેની નીતિ વ્યૂહાત્મક મોરચે આત્મઘાતી સાબિત થઈ શકે છે.
મધ્યસ્થીમાં કતારની મહત્ત્વની ભૂમિકા છતાં તેના પર ઈરાનના હુમલા
ખાડી દેશોમાં કતારની ભૂમિકા હંમેશા અલગ રહી છે. એકતરફ કતારમાં અમેરિકાનો સૌથી મોટો સૈન્ય અડ્ડો અલ-ઉદીદ આવેલો છે, બીજીતરફ તેણે વર્ષોથી ઈરાન સાથે સંબંધો જાળવી રાખ્યા છે. અમેરિકા-ઈરાન વચ્ચે હજુ પણ હુમલાઓ ચાલુ છે અને કતાર હંમેશા બંને દેશો વચ્ચે વાતચીતનો રસ્તો ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે વર્તમાન સંઘર્ષમાં આ જ કતાર પર ઈરાન ડ્રોન-મિસાઇલોથી હુમલા કરી રહ્યું છે.
ઈરાનને મિત્ર દેશ ગુમાવ્યો, કતાર હવે અમેરિકાની તરફેણમાં
કતાર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, ઈરાને હુમલાઓ કરીને હદ પાર કરી દીધી છે. જોકે ઈરાન સરકારે પણ જવાબ આપ્યો છે કે, ઈરાની સેના કતાર પર નહીં, પરંતુ તેમના દેશમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કતાર ઈરાની કાર્યવાહીને પોતાના પર મોટો સુરક્ષા ખતરો માની રહ્યો છે. આ ઘટના બાદ કતારે અમેરિકા સાથે સુરક્ષા ભાગીદારીને વધુ મજબૂત કરવાનો નિર્ણય કરીને ઈરાનની મુશ્કેલી વધારી દીધી છે. એટલે કે અત્યાર સુધી કતારે અમેરિકા-ઈરાન વચ્ચે વાતચીતનો રસ્તો અપનાવ્યો હતો અને હવે તે પોતે આ યુદ્ધમાં સામેલ થઈ ગયું છે.
મિત્ર કતાર હુમલા બાદ યુદ્ધમાં પાકિસ્તાનની એન્ટ્રી થવાની સંભાવના
સૌથી મોટી વાત એ છે કે, થોડા મહિનાઓ પહેલા જ પાકિસ્તાન અને કતાર વચ્ચે પાક્કી મિત્રતા થઈ હતી. બંને દેશો વચ્ચે જે કરાર થયો છે, તેનો અર્થ એ છે કે, જો કતાર પર હુમલો થશે તો પાકિસ્તાન ચૂપ નહીં બેસે અને જો પાકિસ્તાન પર હુમલો થશે તો કતાર સાથ આપશે. થોડા મહિનાઓ પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ અને સેનાના વડા આસિમ મુનીરની જોડીએ અમેરિકા-ઈરાનને યુદ્ધ છોડીને વાતચીત કરાવવાનો પ્રયાસ કર્યો, જોકે આ દરમિયાન યમનના હૂથી બળવાખોરોએ સાઉદી પર ફરી મિસાઇલ હુમલો શરૂ કર્યો હતો અને આ જ કારણે પાકિસ્તાન મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે. કતાર પર હુમલા બાદ હવે પાકિસ્તાન સામે એકતારફ ઈરાન અને બીજી તરફ કતારમાંથી કોઈ એકને પસંદ કરવાનું સંકટ આવી ચઢ્યું છે.
મધ્યસ્થીમાંથી પાકિસ્તાન ખસી જવાની સંભાવના
શાહબાજ અને મુનીરે સ્પષ્ટ કહ્યું છે કે, તેમના માટે સાઉદી અરેબિયાની સુરક્ષા કરવી મહત્ત્વની છે. આ સાથે પાકિસ્તાને તમામ દેશોને શાંતિ જાળવવાની પણ અપીલ કરી છે. એટલે કે હવે યુદ્ધ કરી રહેલા દેશો વચ્ચે મધ્યસ્થી કરાવવાની ભૂમિકામાંથી પાકિસ્તાનની ખસી જવાની સંભાવના વધી ગઈ છે. પાકિસ્તાને અગાઉ પણ આડકતારી રીતે ઈરાનને ચેતવણી આપી છે. ઈશાક ડારે સંસદમાં કહ્યું હતું કે, ઈરાને પાકિસ્તાન-સાઉદી અરેબિયા વચ્ચે થયેલા કરારને યાદ રાખવો જોઈએ.
આખરે ઈરાન શું ઇચ્છે છે?
નિષ્ણાંતોના મતે, ઈરાન ખાડી ક્ષેત્રના તમામ દેશોને એવો મેસેજ આપવા માંગે છે કે, જો તેમના વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી થશે તો તેની કાર્યવાહી માત્ર અમેરિકા અને ઈઝરાયલ સુધી સીમિત નહીં રહે. ઈરાન દ્વારા હોર્મુઝ જળમાર્ગ પર કબજો કરવાના પ્રયાસો પણ એક વ્યૂહાત્મક વાત માનવામાં આવી રહ્યો છે. ઈરાન ઇચ્છે છે કે, હોર્મુઝમાંથી પસાર થતાં તમામ જહાજો માત્ર તેની શરતો મુજબ જ આવન-જાવન કરે. ઈરાનના આ જ નિર્ણયનો પડોશી દેશોએ વાંધો ઉપાડ્યો છે. જો કતાર, ઓમાન અને અન્ય ખાડી દેશો પોતે અસુરક્ષિત હોવાનું માની લેશે તો તેઓ અમેરિકાને પહેલાથી પણ વધુ સાથ આપી શકે છે. એટલે કે, ઈરાન હોર્મુઝ પર કબજો કરવાની નીતિથી વિરોધીઓને અટકાવવા ઇચ્છે છે અને આ જ નીતિના કારણે અનેક દેશો તેના વિરુદ્ધ નવો મોરચો ખોલી શકે છે.
શું ઈરાન પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યું છે?
ઘણા પશ્ચિમી અને ખાડી દેશોના નિષ્ણાતો માને છે કે આ સમયે ઈરાન સામેનો અસલી પડકાર માત્ર અમેરિકા નથી, પરંતુ તેના એવા મિત્રો પણ તેનાથી દૂર થઈ રહ્યા છે જેઓ વાતચીતનો છેલ્લો સહારો હતા. કતાર અમેરિકા તરફ ઝૂકી રહ્યું છે, પાકિસ્તાન બેવડા દબાણમાં છે અને ઓમાન પણ નારાજ છે. પરિણામે, તેહરાન (ઈરાન) પાસે કૂટનીતિક વાતચીતના વિકલ્પો સતત ઘટી રહ્યા છે. હાલની સ્થિતિ જોતાં એટલું સ્પષ્ટ છે કે અમેરિકા અને ઈઝરાયલ સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાનની દરેક નવી કાર્યવાહી માત્ર યુદ્ધનો વ્યાપ નથી વધારી રહી, પરંતુ તેના પોતાના મિત્રોને પણ ગુમાવી રહી છે. આજે સૌથી મોટો સવાલ એ નથી કે ઈરાન આગામી મિસાઇલ ક્યાં દાગશે, પરંતુ સવાલ એ છે કે જો મધ્યસ્થી કરનારા દેશો જ નારાજ થઈ જશે, તો આગામી સમયમાં ઈરાન માટે વાતચીતની ટેબલ કોણ સજાવશે?









