Get The App

ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકાશે તો રેડિયેશન ભારત પહોંચશે કે નહીં? જાણો કયા દેશોને ખતરો

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
Iran Nuclear Attack Risk

Iran Nuclear Attack Risk: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવે વિશ્વને પરમાણુ યુદ્ધના ઉંબરે લાવી દીધું છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ઈરાન પર પરમાણુ હુમલો થાય તો શું તેની અસર ભારત પર પડશે? ભૌગોલિક રીતે ઈરાનના પરમાણુ મથકો ભારતથી આશરે 2000થી 2500 કિલોમીટર દૂર છે. પરમાણુ વિસ્ફોટના સૌથી ખતરનાક અને ભારે રેડિયોએક્ટિવ કણો સામાન્ય રીતે વિસ્ફોટના સ્થળથી થોડાક સો કિલોમીટરના દાયરામાં જ જમીન પર પડી જતા હોય છે. આટલા લાંબા અંતરને કારણે ભારતમાં તાત્કાલિક ધોરણે રેડિયેશનથી થતી ગંભીર બીમારીઓનો સીધો ખતરો ઓછો જણાય છે.

પરમાણુ પ્લાન્ટ પર હુમલાની વિનાશક અસર

જોકે, પવનની દિશા આ જોખમને બદલી શકે છે. જો પવન પશ્ચિમથી પૂર્વ તરફ ફૂંકાય, તો પરમાણુ વાદળો 48થી 72 કલાકમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોના આકાશ સુધી પહોંચી શકે છે. જોકે, ભારત સુધી પહોંચતા આ કણો એટલા વિખરાઈ ગયા હશે કે તેનાથી જીવલેણ જોખમ થવાની શક્યતા નહિવત રહે છે. સૌથી વધુ જોખમ ઈરાનના પાડોશી દેશો જેવા કે ઈરાક, તૂર્કીયે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર રહેશે, જ્યાં રેડિયોએક્ટિવ ધૂળ સીધી રીતે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને બરબાદ કરી શકે છે. આ ઉપરાંત, જો ઈરાનના દરિયાકાંઠાના પરમાણુ પ્લાન્ટ પર હુમલો થાય તો અરબ સાગરનું પાણી ઝેરી બની શકે છે, જેની અસર ભારતીય તટો સુધી પણ પહોંચી શકે છે.

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે રશિયાનો 'પરાક્રમ', ટ્રમ્પ મોઢું જોતા રહી ગયા, સંકટ ગ્રસ્ત દેશને મળશે મોટી રાહત!

પરમાણુ રિએક્ટર પર હુમલો: બોમ્બ કરતા વધુ ઘાતક

પરમાણુ બોમ્બ કરતા પણ ચાલુ પરમાણુ રિએક્ટર પરનો હુમલો વધુ ભયાનક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી નીકળતા તત્વો દાયકાઓ સુધી માટી અને પાણીમાં ભળીને કેન્સર જેવી બીમારીઓ ફેલાવી શકે છે. ભારત માટે માત્ર પર્યાવરણીય જ નહીં, પરંતુ આર્થિક અને માનવીય પડકારો પણ મોટા હશે. ભારત તેની ઊર્જા જરૂરિયાતો માટે આ ક્ષેત્રના ક્રૂડ ઓઇલ અને ગેસ પર નિર્ભર છે, જેનો પુરવઠો ખોરવાઈ શકે છે. સાથે જ ખાડી દેશોમાં વસતા લાખો ભારતીયોના જીવ જોખમમાં મુકાઈ શકે છે અને તેમને સુરક્ષિત બહાર કાઢવા એ ભારત સરકાર માટે એક મોટું સંકટ બની રહેશે.

ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકાશે તો રેડિયેશન ભારત પહોંચશે કે નહીં? જાણો કયા દેશોને ખતરો 2 - image