- અમે ઇરાનને કોઈ મદદ કરતા નથી : ચીન
- ચીનીપ્રમુખ જિનપિંગ ઇરાનને શસ્ત્ર સહાય પૂરી ન પાડવા માટે સંમત થયા: ટ્રમ્પનો દાવો
લંડન : ઇરાનને લઈને ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે ચીનના સેટેલાઇટનો ઉપયોગ કરીને અમેરિકાના મધ્યપૂર્વમાં આવેલા લશ્કરી થાણા પર હુમલા કર્યા. ઇરાને અમેરિકાના લશ્કરી થાણાઓની પહેલા જ રેકી કરી લીધી હતી. તેથી યુદ્ધ શરુ થયુ ત્યારે તેણે બધા જ લશ્કરી ઠેકાણાઓને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા. ચીનના સેટેલાઇટનો ઉપયોગ ૨૦૨૪ના અંતિમ દિવસોમાં કરાયો હતો.
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇરાને આ માટે ટી-૦૧બી સેટેલાઇટનો ઉપયોગ કર્યો હતો. આ સેટેલાઇટને ચીનની કંપની અર્થ આઈએ તૈયાર કર્યો હતો. તેની સેવાઓને ઇરાની એરોસ્પેસ ફોર્સે ખરીદી હતી. ફાઇનાન્સિયલ ટાઇમ્સનો દાવો છે કે તેણે ઇરાની લશ્કરના લીક થયેલા દસ્તાવેજોનો અભ્યાસ કરીને આ જાણકારી આપી છે.
ચીને આ સેટેલાઇટ લોન્ચ કર્યાના થોડા જ સમય પછી ઇરાને તેની સેવાઓ લીધી હતી. અખબારે જણાવ્યું હતું કે ઇરાની સેનાના કમાન્ડરોએ સેટેલાઇટ લોન્ચ કરનારી જણાવ્યું હતું કે તે અમેરિકન લશ્કરી થાણાઓનું મોનિટરિંગ કરે. તેના પછી સેટેલાઇટની મદદથી અન્ય તસ્વીરો લેવામાં આવી અને અન્ય જાણકારીઓ હાંસલ કરવામાં આવી. આ તસ્વીરો પહેલેથી જ મેળવી લેવામાં આવી હતી. તેથી જ અમેરિકાએ જ્યારે ઇરાન પર હુમલો કર્યો તો ઇરાને પણ તેના જવાબમાં ઇરાક, કતાર, સાઉદી અરેબિયા, સહિત કેટલાય સ્થળોએ અમેરિકન થાણાઓ પર હુમલા કર્યા. ચીનના સેટેલાઇટ્સની રેન્જમાં એશિયાનો મોટો હિસ્સો આવે છે. ચીનના વિદેશ મંત્રાલયે આ અહેવાલને ફગાવી દીધો છે. તેનું કહેવું છે કે ચીન પર ટેરિફ લગાવવા માટે આ પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
આ આક્ષેપોનો ઉપયોગ ટેરિફ લગાવવા માટેનું બહાનું કાઢવા માટે કરવામાં આવી શકે છે.
હાલમાં ચીન ઇરાનને શસ્ત્રો પૂરા પાડવાનું હોવાના અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે તેના વચ્ચે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીન ઇરાનને શસ્ત્રો પૂરા ન પાડવા માટે સંમત થયું છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે હું હોર્મુઝ કાયમ માટે ખોલી દેવાનો છું. હું જાણું છું કે ચીન તેનાથી ખુશ થશે. તેઓ ઇરાનને શસ્ત્રો ન મોકલવા સંમત થયા છે. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે ચાઇનીઝ પ્રમુખે ઇરાનને શસ્ત્રો મોકલતા હોવાની વાત નકારી છે. ચીનના વિદેશ મંત્રાલયે ઇરાનને કોઈપણ સ્વરૂપમાં શસ્ત્ર સહાય અપાતી ન હોવાનું જણાવ્યું છે.


