Get The App

ટ્રમ્પને ખીજવવા ઈરાનનો માસ્ટર સ્ટ્રોક: મિસાઈલો પર લગાવી સ્પેનના વડાપ્રધાનની તસવીર, જાણો શું મામલો

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
Pedro Sanchez Iran Missile

Pedro Sanchez Iran Missile: ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવી તસવીર વાઇરલ થઈ છે જેણે સૌને ચોંકાવી દીધા છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના એક જવાનની તસવીર સામે આવી છે, જેમાં તે એક બેલેસ્ટિક મિસાઇલ પર સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના ફોટોવાળું સ્ટીકર ચીપકાવી રહ્યો છે. પશ્ચિમી દેશોના નેતાઓમાં પેડ્રો સાંચેઝ એવા ગણ્યાગાંઠ્યા નેતા છે જેમણે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાની ખુલ્લેઆમ અને કડક શબ્દોમાં ટીકા કરી હતી. જ્યારે મોટાભાગના પશ્ચિમી દેશો કાં તો મૌન હતા અથવા અમેરિકાની પડખે ઊભા હતા, ત્યારે સાંચેઝે આ યુદ્ધને ખોટું ગણાવ્યું હતું, જેના કારણે ઈરાનમાં તેમની લોકપ્રિયતા વધી છે.

કેમ મિસાઇલ પર લાગ્યા સ્પેનના PMના સ્ટીકર?

ઈરાનના સૈનિકોએ સ્પેનના વડાપ્રધાનના નિવેદનો પ્રત્યે પોતાનો આભાર અને ખુશી વ્યક્ત કરવા માટે આ અનોખો રસ્તો અપનાવ્યો છે. આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક રીતે મહત્ત્વની માનવામાં આવે છે. પ્રથમ દૃષ્ટિએ આ તસવીર એ દર્શાવે છે કે ઈરાન અત્યારે વિશ્વમાં પોતાના નવા સમર્થકોની શોધમાં છે. જો પશ્ચિમનો કે યુરોપનો કોઈ પણ નેતા તેમની પડખે ઊભો રહે, તો ઈરાન તેને તરત જ પોતાનો ખાસ મિત્ર માની લે છે, ભલે તે માત્ર વૈચારિક ટેકો જ કેમ ન હોય.

બીજી તરફ, જંગના અત્યંત તણાવભર્યા અને ભીષણ માહોલ વચ્ચે પણ ઈરાનના જવાનોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ અને વ્યંગાત્મક અંદાજ જોવા મળી રહ્યો છે. વિનાશક મિસાઇલ પર રાજકીય નેતાના સ્ટીકર ચીપકાવવા તે સૈનિકોની એક અનોખી વ્યૂહનીતિ અને મનોવૈજ્ઞાનિક અભિગમ દર્શાવે છે, જે જટિલ યુદ્ધના સમયે પણ તેમનો આત્મવિશ્વાસ છતો કરે છે.

જોકે, સ્પેનના વડાપ્રધાન માટે આ એક અત્યંત વિચિત્ર અને ક્ષોભજનક સ્થિતિ સાબિત થઈ શકે છે. તેમણે હકીકતમાં શાંતિની અપીલ કરી હતી અને યુદ્ધની કડક ટીકા કરી હતી, પરંતુ તેની પ્રતિક્રિયામાં તેમની તસવીર જ સીધી વિનાશક મિસાઇલ પર જોવા મળી રહી છે. આ ઘટના દર્શાવે છે કે યુદ્ધના મેદાનમાં શાંતિના પ્રસ્તાવનો પણ ક્યારેક કેવો અણધાર્યો અર્થ કાઢવામાં આવે છે.

આ પણ વાંચો: 'ઈરાન વિરુદ્ધ યુદ્ધ માટે ટ્રમ્પ જવાબદાર..' પૂર્વ CIA પ્રમુખે જ પોલ ખોલતાં કહ્યું હવે અમેરિકા માટે છટકવું મુશ્કેલ!

યુદ્ધના વર્તમાન હાલત અને વૈશ્વિક અસર

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો આ જંગ હવે ચોથા સપ્તાહમાં પ્રવેશ્યો છે. અમેરિકન અને ઈઝરાયલી દળો ઈરાનના બેલેસ્ટિક મિસાઇલ મથકો અને પરમાણુ સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત એર સ્ટ્રાઈક કરી રહ્યા છે, જેની સામે ઈરાન પણ વળતો પ્રહાર કરી રહ્યું છે. આ સંઘર્ષને કારણે વ્યૂહનીતિ મુજબ અત્યંત મહત્ત્વનો ગણાતો હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ હજુ પણ બંધ છે. ઉલ્લેખનીય છે કે દુનિયાનો 20% તેલ પુરવઠો આ માર્ગેથી પસાર થાય છે, જેના કારણે વિશ્વભરમાં ઇંધણના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.

ટ્રમ્પને ખીજવવા ઈરાનનો માસ્ટર સ્ટ્રોક: મિસાઈલો પર લગાવી સ્પેનના વડાપ્રધાનની તસવીર, જાણો શું મામલો 2 - image