Get The App

‘ઈરાની બેંકમાં ખાતું, રિયાલમાં ચૂકવણી ફરજીયાત’ હોર્મુઝમાંથી પસાર જહાજો માટે ઈરાનની કડક શરતો

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
‘ઈરાની બેંકમાં ખાતું, રિયાલમાં ચૂકવણી ફરજીયાત’ હોર્મુઝમાંથી પસાર જહાજો માટે ઈરાનની કડક શરતો 1 - image

Iran Hormuz Fee Proposal : હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પર કડક શરતો ઝિંકતા ઈરાનના પ્રસ્તાવે વિશ્વભરની ચિંતા વધારી દીધી છે. ઈરાને કહ્યું છે કે, હવે જે પણ જહાજે હોર્મુઝમાંથી પસાર થવું હોય તો તેણે ‘રિયાલ’માં ટ્રાન્ઝિટ ફી ચુકવવી પડશે. એટલું જ નહીં ઈરાનમાં ફરજિયાત બેંક ખાતુ હોવાનો પણ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરાયો છે. ઈરાનનું આ વલણ સામે આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આકાર શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન જહાજો પાસેથી ફી વસૂલવાનું તાત્કાલીક બંધ કરે.

હોર્મુઝમાં જહાજો પાસેથી ફી લેવાનો પ્રસ્તાવ

મુંબઈ સ્થિત ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું છે કે, ઈરાનની સંસદમાં 9 પોઈન્ટનો પ્રસ્તાવ લવાયો છે. આ પોઈન્ટમાં હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી લેવાનો પણ ઉલ્લેખ છે. ઈરાની સંસદના નેશનલ સિક્યોરિટી કમિશનના પ્રમુખે કહ્યું કે, સંસદમાં લવાયેલા પ્રસ્તાવ મુજબ હવે હોર્મુઝમાંથી પસાર થવા માટે ઈરાની ચલણમાં ફી ચૂકવવી પડશે. વાસ્તવમાં ઈરાન હોર્મુઝ જળમાર્ગ પર કડક નિયંત્રણ રાખવા ઈચ્છતું હોવાથી આ પ્રસ્તાવ લાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

હોર્મુઝ યોજનામાં ઓમાન સાથે કદાચ સમજૂતી કરશે

મુંબઈ સ્થિત ઈરાનના દૂતાવાસની પોસ્ટમાં વધુમાં કહેવાયું છે કે, ‘હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા અને તેનો સતત વિકાસ કરવા માટે ઈરાને વ્યૂહાત્મક પ્લાન તૈયાર કર્યો છે. હોર્મુઝ યોજના મુદ્દે ઓમાન સાથે સરકાર સમજૂતી પણ કરી શકે છે. જોકે હોર્મુઝ યોજનામાં ઓમાન સાથેની સમજૂતી મુખ્ય બાબત નથી, પરંતુ તે બીજા વિકલ્પ તરીકેની જોગવાઈ છે.’ એટલે કે ઈરાન માત્ર પોતે જ હોર્મુઝ પર નિયંત્રણ કરશે, હોર્મુઝને અડીને આવેલા ઓમાનને તેમાં કોઈ અધિકાર નહીં હોય.

આ પણ વાંચો : પાકિસ્તાનની મધ્યસ્થી વચ્ચે ઈરાને ભારતના કર્યા વખાણ! ચાબહાર બન્યું મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ’

ઈરાનના હોર્મુઝ પ્લાન પર ટ્રમ્પ ભડક્યા

બીજીતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ઈરાનને કડક ચેતવણી આપી છે. તેમણે ટ્રૂથ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘મને માહિતી મળી છે કે, ઈરાન હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલી રહ્યું છે, આવું ન થવું જોઈએ અને જો ઈરાન ફી વસૂલી રહ્યો છે તો તેણે તુરંત ફી લેવાનું બંધ કરી દેવું જોઈએ.

ટ્રમ્પો થોડી જ મિનિટો બાદ ટ્રુથ પર વધુ એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે, ‘અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની સમજૂતીની શરતો મુજબ હોર્મુઝને તાત્કાલીક ખોલી દેવાની વાત થઈ હતી, જોકે ઈરાન તેમાં અડચણો ઉભું કરી રહ્યું છે. ઈરાન હોર્મુઝમાંથી ઓઈલ જહાજોને મુશ્કેલીમાં મૂક્યા છે, જે ખૂબ જ ખરાબ કામ છે. લોકો ઈરાનના આ નિર્ણયને શરમજનક કહી શકે છે. અમારી વચ્ચે આવી કોઈ સમજૂતી થઈ નથી.’

આ પણ વાંચો : દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ