ભારતે ચાબહાર પોર્ટને ફંડ ન આપતાં ઈરાને વ્યક્ત કરી ચિંતા, પાકિસ્તાનને પછાડતો માસ્ટર પ્લાન જોખમમાં?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chabahar port : ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ભારતના નવા બજેટમાં ચાબહાર પોર્ટ માટે કોઈ ફંડિંગ ન રાખવા બદલ નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય ભારત અને ઈરાન બંને માટે નિરાશાજનક છે. જોકે, અરાગચીની ટિપ્પણી પરથી જણાય છે કે, ઈરાન હજુ પણ ભારત સાથે કામ કરવા ઇચ્છે છે અને આ પોર્ટના પ્રોજેક્ટને આગળ વધારવાની આશા રાખે છે.
'ગોલ્ડન ગેટ' માટે બજેટ ન આપવું નિરાશાજનક: અરાગચી
એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે અરાગચીને પૂછવામાં આવ્યું કે, શું ભારતના આ વર્ષના બજેટમાં ચાબહારનો સમાવેશ ન કરવાથી તેઓ નિરાશ છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, "મને લાગે છે કે આ ઈરાન અને ભારત બંને માટે નિરાશાજનક છે." તેમણે ચાબહાર પોર્ટને ‘ગોલ્ડન ગેટ’ ગણાવ્યું હતું. જે શબ્દનો ઉપયોગ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્યો હતો.
ભારત માટે ગોલ્ડન ગેટ
અરાગચીના જણાવ્યા અનુસાર, આ પોર્ટ હિંદ મહાસાગર ક્ષેત્રને મધ્ય એશિયા, કાકેશસ અને યુરોપ સાથે જોડે છે. જો તેને સંપૂર્ણ રીતે વિકસાવવામાં આવે, તો તે ભારત માટે ઈરાન થઈને મધ્ય એશિયા અને યુરોપ સુધી પહોંચવા માટેનો શ્રેષ્ઠ ટ્રાન્ઝિટ રૂટ બની શકે છે.
કેન્દ્રીય બજેટમાં ચાબહાર માટે ફંડની ફાળવણી શૂન્ય
વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં પ્રથમ વખત ચાબહાર પોર્ટ માટે કોઈ રકમ ફાળવવામાં આવી નથી. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધેલો છે. સપ્ટેમ્બર 2025માં અમેરિકાએ ઈરાન પર કડક પ્રતિબંધો લાદ્યા હતા, જેમાં ભારતને છ મહિનાની છૂટ મળી હતી, જે એપ્રિલ 2026માં સમાપ્ત થઈ રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ગત મહિને જણાવ્યું હતું કે ભારત ચાબહાર સંબંધિત મુદ્દાઓ પર અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડીશન્ડ જ્યારે ચોકીઓ ભાડાના જૂના મકાનમાં
શા માટે ચાબહાર ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું છે?
ચાબહાર પોર્ટ ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનમાં આવેલું છે. ભારત અને ઈરાને સાથે મળીને તેનો વિકાસ કર્યો છે જેથી પાકિસ્તાન ગયા વિના અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સીધો વેપાર માર્ગ બની શકે.
ભારતનો સંતુલિત અભિગમ
આ પ્રોજેક્ટ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર ચીનના પ્રભાવને કાઉન્ટર કરવા માટે મહત્ત્વનો છે. અગાઉના બજેટમાં ભારત દર વર્ષે અંદાજે રૂ. 100 કરોડ ફાળવતું હતું. નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકન પ્રતિબંધો અને ભૌગોલિક રાજકીય દબાણને કારણે ભારતે અત્યારે બજેટમાં ફંડિંગ રોક્યું છે. જે એક પ્રકારનો સંતુલિત અભિગમ દર્શાવે છે. હવે ચાબહારનું ભવિષ્ય અમેરિકા સાથેની ભારતની વાતચીત અને પ્રતિબંધોની સ્થિતિ પર નિર્ભર રહેશે.









