World

ઇરાનનો કુવૈતના વોટર પ્લાન્ટ, એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો

By GS Team
22 Jul 20263 mins read
TukuTouch Logo
મધ્યપૂર્વમાં તણાવ વધ્યો છે. ઇરાને કુવૈતના વોટર ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર ચોથા દિવસે હુમલા કર્યા. ઇરાને જોર્ડન પર 5 ડ્રોન અને 3 મિસાઈલ છોડી, જે હવામાં જ આંતરી લેવાઈ. IRGCએ બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટરને નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો. પાકિસ્તાન અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી બનવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાનનો કુવૈતના વોટર પ્લાન્ટ, એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો

સળંગ ચોથા દિવસે હુમલાથી કુવૈતમાં ભયનો માહોલ
ઇરાને જોર્ડનને પણ અડફેટે લીધું, પાંચ ડ્રોન સહિત ત્રણ મિસાઇલ છોડયા, જેને હવામાં જ આંતરી લેવાયા : એમેઝોનના ડેટા સેન્ટરને મોટાપાયે નુકસાનનો આઇઆરજીસીનો દાવો

તહેરાન : મધ્યપૂર્વમાં સ્થિતિ દિનપ્રતિદિન વધુ વણસતી જાય છે. ખાડીયુદ્ધ વચ્ચે કુવૈતે દાવો કર્યો છે કે ઇરાને સળંગ ચોથા દિવસ તેના વોટર ડિસેલિનેશન પ્લાન્ટ અને વીજ ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલા કર્યા છે. આ વોટર ડિસેલિનેશન પ્લાન્ટમાંથી કુવૈતની ૯૦ ટકા વસ્તીને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. આમ ઇરાન હવે વોટર યુદ્ધ છેડી રહ્યુ છે. જ્યારે ઇરાને જણાવ્યું હતું કે અમેરિકાએ અમારા ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલા કરતાં અમે તેના સહયોગી દેશોના પ્લાન્ટ પર હુમલા કર્યા છે.
કુવૈતના વીજળી, પાણી અને રીન્યુએબલ એનર્જી મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે ઇરાને સળંગ ચોથા દિવસે આ પ્લાન્ટને નિશાન બનાવ્યા. હુમલાના લીધે કેટલાય સ્થળોએ આગ લાગી અને પ્લાન્ટને નુકસાન થયું. મંત્રાલયે જણાવ્યું હતું કે પ્લાન્ટના નુકસાન પામેલા હિસ્સાનું રિપેરિંગ શરૂ કરી દેવાયું છે. કુવૈતમાં પીવાના પાણીનો મોટો હિસ્સો સમુદ્રના પાણીને સાફ કરીને પૂરો પડાય છે. દેશની લગભગ ૯૦ ટકા પીવાના પાણીની જરૂરિયાત ડિસેલિનેશન પ્લાન્ટથી પૂરી થાય છે. તેથી આ પ્લાન્ટ પર હુમલાને અત્યંત ગંભીર માનવામાં આવે છે.
ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)એ દાવો કર્યો છે કે તેણે બહેરીનમાં એમેઝોનના એક મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ પર ક્રુઝ મિસાઇલો વડે હુમલો કર્યો છે. કોઈપણ કંપનીના ડેટા સેન્ટર પર હુમલો થાય છે ત્યારે ફક્ત તેનું જ નુકસાન થતું નથી, પરંતુ તે કંપનીઓ પર પણ અસર પડે છે જે એડબલ્યુએસની સર્વિસનો ઉપયોગ કરી રહી છે.
તેના પહેલા પણ અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર હુમલો કર્યો હતો ત્યારે વળતી કાર્યવાહી કરતાં ઇરાને ઘણી અમેરિકન ટેકનોલોજી કંપનીઓને નિશાન બનાવી હતી. આ હુમલા અંગે બહરીન સરકાર, અમેરિકા અને એમેઝોન તરફથી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. આઇઆરજીસી મુજબ તેની એરોસ્પેસ ફોર્સે બહરીનમાં એમેઝોનના સેન્ટ્રલ ડેટા ઇન્ફ્રાસ્ટ્રકચરને નિશાન બનાવ્યું. ઇરાનનો દાવો છે કે આ હુમલામાં ડેટા સેન્ટરને નુકસાન પહોંચ્યું છે. ઇરાને તેની સાથે બહેરીનના મુહર્રક અને રિફા વિસ્તારમાં અમેરિકાની એર ડિફેન્સ અને રડારને પણ નિશાન બનાવવાની વાત કરી છે. બહેરીન એમેઝોન વેબ સર્વિસ માટે મહત્ત્વનું સ્થળ છે. તેથી જો ઇરાનનો દાવો સાચો હોય તો તેને જબરદસ્ત નુકસાન થયું કહી શકાય.
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ઇરાનના મિલિટરી કમાન્ડ સેન્ટર, મેરીટાઈમ ક્ષમતા, મિસાઇલ અને ડ્રોન લોન્ચ સાઇટ્સ અને એર ડિફેન્સ સિસ્ટમ્સને ટાર્ગેટ બનાવી હુમલા કર્યા છે. તેણે ઇરાનના ટાર્ગેટેડ સાઇટ્સ પર બોમ્બિંગના ફૂટેજ પણ જારી કર્યા છે.ઇરાનના સરકારી પ્રસારમાધ્યમોએ પણ જણાવ્યું હતું કે ફાર્સ, હોર્મોઝગન, ઇલમ, કેરમાન, સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં બોમ્બના વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.
જોર્ડનના લશ્કરે જણાવ્યું હતું કે ઇરાને પાંચ ડ્રોન અને ત્રણ મિસાઇલ વડે તેના પર હુમલો કર્યો હતો, પરંતુ જોર્ડને તે નિષ્ફળ બનાવ્યો હતો. આ બધા વચ્ચે ઇરાનના ગૃહપ્રધાન ઇસ્કંદર મોમેનીએ પાકિસ્તાનની મુલાકાત કરી છે, જે અમેરિકા-ઇરાન વચ્ચેનું મુખ્ય મધ્યસ્થી છે. મોમેની પાક.ના ફિલ્ડ માર્શલ અસીમ મુનિરને અને રાજકીય નેતાગીરીને મળ્યા હતા. પાકિસ્તાન અમેરિકા-ઇરાનને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે પ્રયત્નશીલ છે. અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે અમેરિકા ઇરાન સાથે વાટાઘાટ માટે તૈયાર છે, પરંતુ તે વાસ્તવિક હોવી જોઈએ. હજી સુધી તે સ્પષ્ટ થયું નથી કે ઇરાને ટ્રમ્પને વાસ્તવિક લાગે તેવી કોઈ ઓફર કરી હોય.