- મધ્ય-પૂર્વનું યુદ્ધ અન્ય દેશોમાં ફેલાવાનું જોખમ વધ્યું
- ઈરાને અમેરિકાના ઓઈલ ટેન્કર પર હુમલો કરી જહાજ તોડી પાડયાનો બદલો લીધો, ઈઝરાયેલ પર મિસાઈલ-ડ્રોન મારો યથાવત્
- અમેરિકા-ઈઝરાયેલે છ દિવસમાં ઈરાન પર 5,000 બોમ્બ-મિસાઈલનો મારો કર્યો, 20 જહાજ તોડી પાડયા : કુલ 1230થી વધુનાં મોત
દુબઈ : મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ગુરુવારે છઠ્ઠો દિવસ છે. આ સમયમાં બંને દેશોએ તહેરાન પર ૫,૦૦૦થી વધુ બોમ્બ-મિસાઈલનો મારો કર્યો છે. ઈરાને સુપ્રીમ લીડર ખામેનેઈને ગુમાવવા સહિત ભારે ખુવારી વેઠવી પડી છે. ઈરાનમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૩૦થી વધુ લોકોનાં મોત થયા છે. બીજીબાજુ ઈરાને ગુરુવારે ઈઝરાયેલ અને અમેરિકાના સૈન્ય સ્થળો પર વધુ જોરદાર હુમલા શરૂ કર્યા હતા. ઈરાને હિન્દ મહાસાગરમાં તેનું જહાજ આઈરિસ દેના તોડી પડાયાના ૨૪ કલાકમાં જ અમેરિકન ઓઈલ ટેન્કર પર હુમલો કરીને બદલો લીધો હતો. ઈરાને ઈઝરાયેલના પરમાણુ મથકો પર હુમલાની ધમકી આપી છે. ધાર્મિક નેતા અયાતુલ્લાહે ઈઝરાયલીઓ અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું લોહી વહેવડાવવાની હાકલ કરી છે.
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનનું યુદ્ધ વધુ ઘાતક બની રહ્યું છે અને નજીકના સમયમાં યુદ્ધના અંતના કોઈ અણસાર નથી. આવા સમયે ઈરાની સેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો છે કે તેમણે ફારસની ખાડીના ઉત્તરીય ભાગમાં એક અમેરિકન ઓઈલ ટેન્કરને પર હુમલો કર્યો હતો, જેથી ટેન્કરમાં આગ લાગી ગઈ છે.
ઈરાને કહ્યું કે, અમેરિકાએ કોઈપણ ચેતવણી આપ્યા વિના હિન્દ મહાસાગરમાં તેનું જહાજ આઈરિસ દેના તોડી પાડયું હતું, જેનો બદલો લેતા અમેરિકન ઓઈલ ટેન્કર પર હુમલો કરાયો હતો. ઈરાનનું જહાજ ભારત સાથે મૈત્રીપૂર્ણ સૈન્ય કાર્યવાહીના ભાગરૂપે બંગાળની ખાડીમાં આવ્યું હતું અને આ સૈન્ય કાર્યવાહી પૂરી થયા પછી તે તહેરાન પાછું ફરી રહ્યું હતું ત્યારે અમેરિકાએ ટોરપિડોથી આ જહાજ તોડી પાડયું હતું.
ઈરાને ઈઝરાયેલમાં તેલ અવીવ અને જેરુસલેમ પર મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા છે, જેને પગલે ઈઝરાયેલમાં અનેક સ્થળો પર એર સાયરનના અવાજ સતત ચાલુ રહ્યા હતા. વધુમાં ઈરાને ચેતવણી આપી કે અમેરિકા અને ઈઝરાયેલ તહેરાનમાં વર્તમાન સત્તાને હટાવવાનો પ્રયત્ન કરશે તો તેઓ ઈઝરાયેલના પરમાણુ સ્થળો પર સીધો હુમલો કરશે. ઈરાની સૈન્યના અધિકારીએ કહ્યું કે સત્તા પરિવર્તનના કોઈપણ પ્રયત્નનો જવાબ રણનીતિક અને આકરી રીતે અપાશે. ઈરાને મધ્ય-પૂર્વમાં અમેરિકાના નવ સાથી પક્ષો સાઉદી અરબ, યુએઈ, જોર્ડન, ઈઝરાયેલ, બહરીન, કતર, કુવૈત સહિત નવ દેશો પર હુમલા ચાલુ રાખ્યા છે. આ સાથે ગુરુવારે મધ્ય-પૂર્વમાં યુદ્ધનો દાયરો વધારતા ઈરાને પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાન પર પણ ડ્રોનથી હુમલો કર્યો હતો. ઈરાને અઝરબૈજાનમાં નખચિવન એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને કેટલાક સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે. ડ્રોન્સના હુમલાથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મનિલના એક ભાગમાં આગ લાગી હતી.
ઈરાનના આર્મી આઈઆરજીસીએ દાવો કર્યો હતો કે, ઓપરેશન ટ્રુ પ્રોમીસ ફોરની ૧૯મી વેવમાં હેવી ખોર્રામશહર-૪ બેલિસ્ટિક મિસાઈલ્સથી ઈઝરાયેલના મિલિટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું હતું. આ મિસાઈલો મધ્ય તેલ અવિવ, બેન ગુરિયન એરપોર્ટ અને ઈઝરાયેલ એરફોર્સની સ્ક્વોડ્રન ૨૭ પર ત્રાટકી હતી. ખોર્રમશહર-૪ મિસાઈલ ઈરાનનું સૌથી અત્યાધુનિક હથિયાર છે. અમેરિકા-ઈઝરાયેલના હુમલાઓ વચ્ચે ઈરાનના ધાર્મિક નેતા અયાતુલ્લાહ અબ્દુલ્લાહ જાવાદી અમોલીએ ઈઝરાયેલીઓ અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના લોહી વહેવડાવવાની હાકલ કરી હતી. ઈરાન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયમાં દેશની એકતા અને પરસ્પર સહયોગ જાળવી રાખવો જરૂરી છે. ઝાયનિસ્ટો (યહુદીઓ) અને ટ્રમ્પનું લોહી વહાવો. ઈમામનો સંદેશો છે કે અત્યાચારી અમેરિકા વિરુદ્ધ લડો અને તેમની હત્યા મારા ખભા પર છે. દરમિયાન ઈઝરાયેલે લેબનોનમાં ઈરાન સાથે સંકળાયેલા આતંકી સંગઠન હિઝબુલ્લાહને નિશાન બનાવતા છેલ્લા ૨૪ કલાકમાં ૮૦ સ્થળો પર હુમલા કર્યા હતા. અમેરિકા અને ઈઝરાયેલે છેલ્લા છ દિવસમાં ઈરાનમાં ૫,૦૦૦થી વધુ બોમ્બ ફેંક્યા છે અને ૨૦ ઈરાની જહાજોનો ખાત્મો બોલાવી દીધો છે. ઈઝરાયેલે તહેરાન પર ૧૧મી વેવ્સના હુમલા કર્યા, જેમાં આઈઆરજીસી મુખ્યાલય, બસિજ મુખ્યાલય, મિસાઈલ લોન્ચર, ડિફેન્સ સિસ્ટમ અને લોજિસ્ટિક્સ સાઈટ્સનો સમાવેશ થાય છે.


