World

યુદ્ધ ખતમ થવાના એંધાણ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર, ચેતવણી પણ આપી

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકા સાથેના સંઘર્ષનો અંત લાવવા ઈરાને ફરી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈરાને મધ્યસ્થી દેશો સમક્ષ યુદ્ધ સમાપ્ત કરવા, ફ્રીઝ થયેલા નાણાં મુક્ત કરવા અને નૌકાદળની નાકાબંધી હટાવવા જેવી શરતો મૂકી છે. કતાર અને પાકિસ્તાન દ્વારા આ વાટાઘાટો ચાલી રહી છે. જોકે, ઈરાને કોઈપણ અમેરિકી હુમલા સામે આકરા વળતા પ્રહારોની ચેતવણી પણ આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધ ખતમ થવાના એંધાણ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર, ચેતવણી પણ આપી

US-Iran Conflict : અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ અને યુદ્ધનો અંત લાવવા માટે ઈરાને ફરી એકવાર વાતચીત તરફ પગલું ભર્યું છે. ઈરાને મધ્યસ્થી દેશો સમક્ષ કેટલીક ચોક્કસ શરતો મૂકી છે, જેના આધારે તે અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો શરૂ કરવા તૈયાર છે. જોકે, આ શાંતિ પહેલ વચ્ચે ઈરાને અમેરિકા તરફથી થઈ રહેલી સંભવિત સૈન્ય કાર્યવાહી સામે આકરી જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.

યુદ્ધવિરામ અને વાતચીત માટે ઈરાનની મુખ્ય શરતો

ઈરાનના સુરક્ષા પ્રમુખ મોહસીન રેઝાઈએ એક મુલાકાતમાં સ્પષ્ટ કર્યું છે કે, તેઓ અમેરિકા સાથે ફરી વાતચીત માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે, ઈરાનની શરતોમાં તમામ મોરચે યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવો, વિદેશોમાં ફ્રીઝ કરાયેલા ઈરાની નાણાંને મુક્ત કરવા અને નૌકાદળની નાકાબંધી તાત્કાલિક હટાવવાનો સમાવેશ થાય છે. હાલમાં કતાર અને પાકિસ્તાનના મધ્યસ્થીઓ સાથે આ અંગે ચર્ચા ચાલી રહી છે અને હવે ઈરાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે.

અમેરિકી હુમલાની આશંકા સામે ઈરાની સેનાનું અલ્ટીમેટમ

ઈરાનના સૈન્ય કમાન્ડને બાતમી મળી છે કે, અમેરિકા કેટલાક સ્થાનિક દેશોના સમર્થનથી ઈરાન વિરુદ્ધ ફરી સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ઈરાની સેનાએ સખત ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો અમેરિકા કોઈ પણ પ્રકારનો હુમલો કરશે, તો આ વિસ્તારમાં રહેલા અમેરિકી સૈન્ય થાણાઓ અને તેના હિતો પર સતત વળતા પ્રહારો કરવામાં આવશે. આ ઉપરાંત, અમેરિકાને સાથ આપનારા દેશોને પણ આ સંઘર્ષમાં સીધા સામેલ ગણીને નિશાન બનાવવામાં આવશે.

વિસ્તારના અન્ય સંઘર્ષો શાંત કરવામાં મદદની તૈયારી

ઈરાને માત્ર અમેરિકા સાથે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મોહસીન રેઝાઈએ ઉમેર્યું હતું કે, ઈરાન સાઉદી અરેબિયા અને યમન વચ્ચેના યુદ્ધનો અંત લાવવામાં મદદરૂપ બનવા તૈયાર છે. આ સિવાય તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ અને સંઘર્ષને સમાપ્ત કરવામાં પણ સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે.