Iran-US Conflict : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વોશિંગ્ટનની યોજના એકદમ સ્પષ્ટ છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી દેશના ભાગલા પાડવાનો અને અહીંના વિશાળ તેલ ભંડાર પર ગેરકાયદેસર કબજો જમાવવાનો છે.
બંને દેશોએ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું : ઈરાન
બઘાઈએ વધુમાં ઉમેર્યું કે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓએ તમામ આંતરરાષ્ટ્રીય નિયમો અને રાજદ્વારી પરંપરાઓને તોડી નાખી છે. તેમણે દાવો કર્યો હતો કે, જ્યારે ઈરાન રાજદ્વારી વાતચીતમાં સામેલ હતું, બરાબર તે જ સમયે હુમલા કરવામાં આવ્યા હતા. આ સૈન્ય કાર્યવાહીના કારણે શાંતિ માટેની તમામ વાટાઘાટો હવે ખોરવાઈ ગઈ છે.
વાતચીતની શક્યતા નકારાઈ
ઈરાને સ્પષ્ટ કહ્યું કે, તેમણે આ યુદ્ધ શરૂ નથી કર્યું, પરંતુ તેમના પર આક્રમણ લાદવામાં આવ્યું છે. સૈન્ય કાર્યવાહીને હવે 11 દિવસ વીતી ચૂક્યા છે અને અત્યારે ઈરાનની પ્રાથમિકતા માત્ર પોતાની રક્ષા કરવાની છે. જ્યાં સુધી સૈન્ય હુમલાઓ ચાલુ રહેશે ત્યાં સુધી કોઈપણ પ્રકારના યુદ્ધવિરામ કે વાતચીતની કોઈ શક્યતા નથી.
ઈરાની પ્રજા દેશની રક્ષા માટે સજ્જ
ઈરાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, દેશનું ભવિષ્ય ઈરાનની જનતાની ઈચ્છાશક્તિથી નક્કી થશે. ઈરાની પ્રજા પોતાના દેશની રક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે અને એકજૂથ થઈને દુશ્મનોનો સામનો કરશે.
આ પણ વાંચો : યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ સૌથી મોટો લાભ થયો રશિયાને! ચીનને અબજો ડૉલરનું નુકસાન


