યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ સૌથી મોટો લાભ થયો રશિયાને! ચીનને અબજો ડૉલરનું નુકસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Middle East War : વિશ્વમાં એક તરફ છેલ્લા ચાર વર્ષથી રશિયા-યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકા-ઈઝરાયલ ઈરાન પર ભાયનક હુમલા કરી રહ્યું છે. હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયા બાદ ઈરાન વધુ અક્રમક બની ગયું છે અને તે અમેરિકા-ઈઝરાયલ સાથે લડવાની સાથે પડોશી દેશો કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન સહિતના દેશો પર મિસાઇલો ઝિંકી રહ્યું છે. મધ્ય-પૂર્વની આ ભયાનક પરિસ્થિતિની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ઈરાને વેપાર માટેનો સૌથી વ્યસ્ત જળમાર્ગ હોર્મુઝ પર કોઈપણ કન્ટેનરની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેના કારણે ત્યાં ક્રૂડ ઓઇલના જથ્થા સહિતના ઉત્પાદનો અટકી પડ્યા છે. આ કારણે ક્રૂડ ઓઇલના ભાવો આસમાને પહોંચી ગયા છે, શેર માર્કેટ ક્રેશ થવા લાગ્યું છે, વૈશ્વિક સપ્લાયનો માર્ગ તૂટી જવાથી ખાતરથી ખોરાક સુધી અનેક મુશ્કેલી ઊભી થઈ છે. યુદ્ધની વર્તમાન સ્થિતિ મુજબ, જો યુદ્ધ બંધ નહીં થાય તો વિશ્વના અનેક દેશો ભૂખમરાનો શિકાર બની જશે. યુદ્ધમાં અબજો રૂપિયા વેડફી નંખાયા છે, પરંતુ તેનો સૌથી મોટો લાભ રશિયાનો થયો છે. યુદ્ધના કારણે રશિયાનો ખજાનો ભરાઈ રહ્યો છે, જ્યારે ચીનને અબજો ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે.
યુદ્ધના કારણે રશિયાની તિજોરી છલકાઈ
મધ્ય-પૂર્વનું યુદ્ધ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થવાના કારણે વૈશ્વિક માર્કેટમાં તેલ અને ગેસની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. પ્રતિ બેરલ ક્રૂડ તેલની કિંમત 110 ડૉલર પાર પહોંચી ગઈ છે. ઈરાને હોર્મુઝનો માર્ગ બંધ કરી દેતાં રશિયન તેલની માંગમાં ધરખમ વધારો થયો છે. થોડા મહિનાઓ પહેલા જ અમેરિકાન રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિશ્વના દેશોને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવાનો આદેશ આપ્યો હતો અને આ માટે તેમણે દબાણ પણ કર્યું હતું. ત્યારે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને અમેરિકા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની વાત કહી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા વારંવાર કહેતું હતું કે, જે દેશો રશિયા પાસેથી તેલ ખરીદે છે, રશિયા તેઓના નાણા યુદ્ધ પાછળ વાપરી રહ્યું છે. આ કારણે અમેરિકા સહિત પશ્ચિમ દેશોએ રશિયન તેલ આયાત પર પ્રતિબંધ ઝિંકી દીધો હતો. ત્યારબાદ રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને તેલ પર ભારે ડિસ્કાઉન્ટની ઓફર કરી હતી, જેનો ભારત અને ચીન પૂરો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યા હતા.
આ પણ વાંચો : બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો
ઈરાન યુદ્ધના કારણે રશિયાની કમાણી વધી
રશિયા યુદ્ધનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે. રશિયાએ પોતાના તેલ પરનું ડિસ્કાઉન્ટ ઘટાડી દીધું છે. 28 ફેબ્રુઆરી પહેલા પ્રતિ બેરલ રશિયન તેલ પર 10થી 13 ડૉલરના ડિસ્કાઉન્ટ હતું, જોકે હવે તે ઘટીને ચારથી પાંચ ડૉલર કરી દેવાયું છે. ભારતીય ઓઇલ કંપની HPCLએ ફેબ્રુઆરીમાં 13 ડૉલરના ડિસ્કાઉન્ટ પર રશિયા પાસેથી તેલના બે કાર્ગો મંગાવ્યા હતા, જોકે હવે તમામ દેશો માટે આ ડિસ્કાઉન્ટ બંધ કરી દેવાયું છે. એટલે કે, આ યુદ્ધથી રશિયન સરકારી ખજાનો ભરાશે. હાલ રશિયન ક્રૂડ ઓઇલની માંગ વધી રહી છે. માત્ર ભારત જ નહીં યુરોયના દેશો પણ રશિયા પાસેથી ખરીદી કરવાનું વિચારી રહ્યા છે.
યુદ્ધના કારણે ચીનને ડબલ ફટકો
ઈરાનમાં યુદ્ધના કારણે ચીનને ડબલ ફટકો પડ્યો છે. ચીન ઈરાની તેલનો સૌથી મોટો ખરીદદાર હતો અને ભારે ડિસ્કાઉન્ટ પર ક્રૂડ તેલ ખરીદી રહ્યો હતો. ઈરાનનું 90 ટકા તેલ ચીન પહોંચતું હતું, જોકે યુદ્ધના કારણે આ સ્રોત બંધ થઈ ગયો છે. એટલું જ નહીં ચીનના 400 અબજ ડૉલર પણ ફસાઈ ગયા છે. કેટલાક દાયકાઓથી ચીન ઈરાન સાથે મિત્રતા વધારી રહ્યું છે. આ જ કારણે તેણે ઈરાનમાં ભારે રોકાણ કર્યું છે. માર્ચ-2021માં ચીન-ઈરાને ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા હતા. ચીને ઈરાનમાં બેલ્ટ એન્ડ રોડ અનિશિએટિવ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી ઇન્વેસ્ટમેન્ટમાં 400 અબજ ડૉલરનું રોકાણ કરવાનું વચન આપ્યું છે, જોકે અમેરિકાના હુમલાના કારણે ચીનની યોજના પર પાણી ફરી ગયું છે. ક્રૂડ અને રોકાણ... બંને ચીનના હાથમાંથી સરકી ગયા છે.
આ પણ વાંચો : નાણા સંસ્થાઓએ હવે ક્રિપ્ટો કરન્સી અંગેની માહિતી રિપોર્ટ કરવાની રહેશે







