PM મોદીની યોજનાઓ અંગે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખનું ચોંકાવનારું નિવેદન, સાંભળીને ખડખડાટ હસ્યા લોકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

No Copyright On PM Modi Programs Indonesian : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઇન્ડોનેશિયાના રાજકીય પ્રવાસે છે. આ દરમિયાન મંગળવારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ જકાર્તામાં પીએમ મોદીના સન્માનમાં રાજકીય ભોજન (Lunch)નું આયોજન કર્યું હતું. અહીં તેમણે સ્વીકાર્યું કે, તેઓ પીએમ મોદીના કાર્યક્રમો અને યોજનાઓની કોપી કરે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી તેમની બાજુમાં બેઠા હતા, ત્યારે સુબિયાંતોએ મજાકિયા અંદાજમાં કહ્યું કે, તેમને ખુશી છે કે, ભારતીય વડાપ્રધાનની યોજનાઓ પર કોઈ કોપીરાઈટ નથી. તેમની આ ટિપ્પણી પર સમારોહમાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા.
'ભારત-ઈન્ડોનેશિયાના વિકાસલક્ષી પડકારો'
પ્રબોવો સુબિયાંતોએ કહ્યું કે, 'હું વડાપ્રધાન મોદીની સામે એ સ્વીકારવા માંગુ છું કે, હું તમારા રાજકીય જીવન અને કાર્યોને લાંબા સમયથી જોઈ રહ્યો છું, અને મેં તમારા ઘણા કાર્યક્રમોની નકલ કરી છે. મને આ જાહેર રૂપે સ્વીકારવામાં કોઈ સંકોચ નથી. ભારત અને ઇન્ડોનેશિયાના વિકાસલક્ષી પડકારો ઘણી હદ સુધી સમાન છે. એવામાં જે યોજનાઓએ ભારત જેવા વિશાળ દેશમાં કરોડો લોકોનું જીવન બહેતર બનાવ્યું છે, તે ઇન્ડોનેશિયા માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.'
તેમણે કહ્યું કે, 'જો કોઈ યોજના ભારત જેવા દેશમાં, જ્યાં લોકોની પૃષ્ઠભૂમિ અને સમસ્યાઓ અમારા જેવી જ છે, કરોડો લોકો માટે સફળ થઈ શકે છે, તો તેને અપનાવવામાં કોઈ સંકોચ હોવો જોઈએ નહીં. ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે, એટલા માટે હું ખુલ્લેઆમ સ્વીકારું છું કે, હું તમારા કામને જોઉં છું, અને તમારા ઘણા કાર્યક્રમોને અપનાવું છું. આ અમારા માટે પણ સફળ સાબિત થઈ રહ્યા છે. આ માટે તમારો ખૂબ ખૂબ આભાર.'
ઈન્ડોનેશિયામાં સ્થપાશે IIM
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે, ભારત અને ઇન્ડોનેશિયાએ સ્વાસ્થ્ય, શિક્ષણ અને અન્ય અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આમાં દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ ઇન્ડોનેશિયામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) બેંગલુરુનું પહેલું વિદેશી કેમ્પસ સ્થાપવાનો કરાર પણ સામેલ છે. IIM બેંગલુરુનું આ કેમ્પસ ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંત સ્થિત સિંગહાસારી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાપવામાં આવશે. આ પહેલા IIM અમદાવાદે ગયા વર્ષે દુબઈમાં પોતાનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કર્યું હતું. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) અને ઇન્ડોનેશિયાની નેશનલ એજન્સી ઓફ ડ્રગ એન્ડ ફૂડ કંટ્રોલ વચ્ચે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.આ કરારો વડાપ્રધાન મોદીની ઇન્ડોનેશિયા યાત્રા દરમિયાન થયેલા લગભગ એક ડઝન દ્વિપક્ષીય કરારોનો હિસ્સો છે. આમાં સંરક્ષણ સહયોગ, ક્રિટિકલ મિનરલ્સ, દરિયાઈ સુરક્ષા અને અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંબંધિત કરારો પણ સામેલ છે.









