World

LPG સંકટ ટાળવા ભારતનો માસ્ટરપ્લાન ! અમેરિકાથી વધારાશે 25% આયાત, અન્ય દેશો પરથી નિર્ભરતા ઘટશે

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયા પર નિર્ભરતા ઘટાડવા ભારત 2027 સુધીમાં અમેરિકા પાસેથી 25% LPG આયાત કરશે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આગામી મહિનાઓમાં ટેન્ડર બહાર પાડશે. સોર્સિંગ માટે ભારતીય પ્રતિનિધિમંડળ અમેરિકા જશે. જૂનમાં ભારતે અમેરિકા પાસેથી 10 લાખ ટનથી વધુ LPG આયાત કરી હતી. 2026માં LPG વપરાશ ઘટ્યો, પરંતુ આગામી વર્ષે 3.1 કરોડ ટન જરૂરિયાત સાથે 2 કરોડ ટન LPG આયાત કરવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

LPG સંકટ ટાળવા ભારતનો માસ્ટરપ્લાન ! અમેરિકાથી વધારાશે 25% આયાત, અન્ય દેશો પરથી નિર્ભરતા ઘટશે

India To Import 25% LPG From US : પશ્ચિમ એશિયાના દેશોમાંથી LPGની આયાત નિર્ભરતા ઘટાડવા માટે ભારત, અમેરિકા પાસેથી વધુ LPGની આયાત કરવા પર વિચારણા કરી રહ્યુ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર, ભારત વર્ષ 2027માં અન્ય દેશોમાંથી ખરીદવામાં આવતા LPGમાંથી ચોથા ભાગનો (25%) ભાગ અમેરિકા પાસેથી ઇમ્પોર્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે. રોયટર્સના રિપોર્ટમાં સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ભારતની સરકારી રિફાઇનર્સ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આગામી એક-બે મહિનામાં વર્ષ 2027 માટે અમેરિકાથી LPG સપ્લાય માટે ટેન્ડર બહાર પાડી શકે છે.

અમેરિકા જઈ શકે છે ભારતીય કંપનીઓનું પ્રતિનિધિમંડળ

સૂત્રોએ રોયટર્સને એ પણ જણાવ્યું કે, સોર્સિંગ પર ચર્ચા કરવા માટે આ કંપનીઓનું એક પ્રતિનિધિમંડળ આગામી મહિને અમેરિકા જઈ શકે છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી આ માહિતીની પુષ્ટિ માટે રોયટર્સે ઓઇલ મંત્રાલય અને ત્રણેય કંપનીઓને ઈ-મેલ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ આવ્યો નહોતો. ભારતે નજીકના ભવિષ્યમાં અમેરિકા પાસેથી ઊર્જાની ખરીદી 10 અબજ ડૉલરથી વધારીને 25 અબજ ડૉલર કરવાનો વાયદો કર્યો છે. બંને દેશો વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 અબજ ડૉલર સુધી પહોંચાડવા પર સહમત થયા છે.

જૂનમાં 10 લાખ ટન LPGની આયાત

રિપોર્ટ અનુસાર, પશ્ચિમ એશિયામાંથી ગેસની સપ્લાય ખોરવાયા પછી ભારતે, પહેલાથી જ અમેરિકા અને અન્ય દેશો પાસેથી LPG ખરીદી ઝડપી બનાવી દીધી છે. જૂન મહિનામાં પહેલીવાર ભારતે અમેરિકા પાસેથી 10 લાખ ટનથી વધુ LPG ઈમ્પોર્ટ કરી હતી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકાથી થતી LPG ઇમ્પોર્ટ ભારતના વર્ષ 2026ના વાર્ષિક કરાર(2.2 મિલિયન ટન)ના નક્કી કરેલા લક્ષ્યાંક કરતાં પણ વધુ હોઈ શકે છે.

આગામી વર્ષે ભારતમાં વધી શકે છે ગેસની માંગ

સરકારી આંકડા અનુસાર, જાન્યુઆરીથી જૂન 2026 વચ્ચે ભારતમાં LPGનો વપરાશ ગયા વર્ષની સરખામણીમાં લગભગ 8% ઓછો રહ્યો હતો. બીજી તરફ, LPGની આયાત પણ લગભગ 28% ઘટીને આશરે 75 લાખ ટન રહી ગઈ હતી. એક સૂત્રએ જણાવ્યું કે, ઓછો સપ્લાય મળવાને કારણે, આ વર્ષે 2026માં ભારતમાં LPGનો કુલ વપરાશ ઘટીને લગભગ 3 કરોડ ટન રહી શકે છે. જોકે, આગામી વર્ષે ભારતની LPG જરૂરિયાત લગભગ 3.1 કરોડ ટન સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં દેશને લગભગ 2 કરોડ ટન LPG વિદેશથી ઈમ્પોર્ટ કરવી પડી શકે છે.

હાલમાં અમેરિકાથી ભારતની આયાત લગભગ 45-50 અબજ ડૉલરની આસપાસ છે. તેવામાં એ સવાલ સ્વાભાવિક છે કે, જો વેપારને વધારવો હોય, તો અમેરિકા કયા ક્ષેત્રો માટે ભારત પાસેથી પોતાનું બજાર ખોલાવવા માંગે છે?