નિજ્જરની હત્યામાં ભારતનો હાથ? લોરેન્સ બિશ્નોઈ સહિતની ગેંગ સામે અમેરિકાની ચાર્જશીટ બાદ કેનેડાનો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Crackdown Clears Indian Officials of Allegations in Nijjar Case: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે કેનેડાએ મહત્ત્વની ટિપ્પણી કરી છે. અમેરિકામાં સક્રિય આંતરરાષ્ટ્રીય ગુનાઇત સંગઠનો સામે ચાલી રહેલી તપાસમાં ભારતીય એજન્સીઓ કે અધિકારીઓની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ નિજ્જર કેસમાં હાલ કેટલાક લોકો કેનેડામાં આરોપોનો સામનો કરી રહ્યા છે, તેથી તે તપાસ મુદ્દે હાલ ટિપ્પણી નહીં કરી શકાય. આ નિવેદન કેનેડાની ટોચની કાયદા અમલીકરણ એજન્સી દ્વારા અપાયું છે.
આંતરરાષ્ટ્રીય ગુનાખોરી સામે અમેરિકાની મોટી કાર્યવાહી
હાલમાં જ અમેરિકન સરકારે ટ્રાન્સનેશનલ ક્રિમિનલ ઓર્ગેનાઈઝેશન (આંતરરાષ્ટ્રીય સ્તરે સંગઠિત ગુનાખોરી કરતા સંગઠનો) સાથે જોડાયેલા 37 આરોપી વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ જાહેર કરી છે, જેમાં કેટલાક ભારતીયોનો પણ ઉલ્લેખ છે. અમેરિકા, કેનેડા અને યુરોપમાં વર્ષો સુધી કરાયેલી સંયુક્ત તપાસ બાદ આ કાર્યવાહી કરાઈ છે. આ 37 આરોપીમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને અન્ય ત્રણ ગેંગના ડઝનબંધ સભ્યો પર ગંભીર આરોપો મૂકાયા છે. આ લોકો પર ખંડણી, હત્યા, અપહરણ અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર ગુના નોંધાયા છે.
કેનેડાના પૂર્વ PM જસ્ટિન ટ્રુડોના આરોપો પર સવાલ
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના ડેપ્યુટી કમિશનર લિસા મોરેલેન્ડે પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. તેમને સવાલ કરાયો હતો કે, શું આ નવી તપાસમાં કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા લગાવેલા આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા મળ્યા છે?
નોંધનીય છે કે, ટ્રુડોએ જૂન 2023માં બ્રિટિશ કોલંબિયાના સરેમાં થયેલી નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો.
એ સવાલના જવાબમાં ડેપ્યુટી કમિશનર મોરેલેન્ડે જણાવ્યું કે, 'કેનેડામાં નિજ્જરની હત્યાના કેસમાં હાલ કેટલાક લોકો કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે, તેથી હું એ અલગ તપાસ વિશે ટિપ્પણી કરી શકું નહીં.'
જોકે, તેમણે અમેરિકા દ્વારા કરાયેલી તપાસ અને નિજ્જર કેસ વચ્ચે સ્પષ્ટ તફાવત દર્શાવતા કહ્યું કે, 'આંતરરાષ્ટ્રીય સ્તરે સંગઠિત ગુનાખોરીના મામલા અને જે આરોપનામા દાખલ કરાયા છે, તેમાં ભારતીય અધિકારીઓ સામેલ હોય કે તેમના પર આરોપ હોય તેવા કોઈ પુરાવા આ તપાસમાં મળ્યા નથી.'
ભારત વિરુદ્ધ કોઈ પુરાવા નહીં: RCMP
આ દરમિયાન ડેપ્યુટી કમિશનર મોરેલેન્ડને ફરી સવાલ કરાયો હતો કે, નવા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં ભારત સરકાર વિરુદ્ધ કોઈ પણ બાબત છે? ત્યારે મોરેલેન્ડે સ્પષ્ટ શબ્દોમાં 'ના' પાડી હતી.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, 'આ ઓપરેશન અંતર્ગત આજે 50થી વધુ સ્થળે સર્ચ વોરંટ જાહેર કરીને દરોડા પડાયા છે. આ કાર્યવાહીમાં અસંખ્ય ડિવાઇસ અને અન્ય પુરાવા એકત્રિત કરાયા છે, જેની તપાસ ચાલુ રહેશે. પરંતુ હાલ પૂરતું હું મક્કમતાપૂર્વક કહું છું કે આ મામલાની વાત છે, તો તેમાં ભારત સરકારને જોડતી કોઈ કડી કે પુરાવા મળ્યા નથી.'









