World

ભારતના Gen-Z આંદોલનની ગૂંજ પાકિસ્તાન અને નેપાળ સુધી : યુવાનોએ કર્યા સલામ

By GS Team
26 Jul 20263 mins read
TukuTouch Logo
ભારતની Gen-Z પેઢીએ પરીક્ષા પેપર લીકના મુદ્દે કેન્દ્ર સરકારને ઝુકાવી દીધી છે. વિદ્યાર્થી આંદોલનને કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. આ આંદોલનમાં મીમ્સ, રીલ્સ અને વીડિયોનો ઉપયોગ થયો. પાડોશી દેશો શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાનના યુવાનો પણ આનાથી પ્રભાવિત થયા છે. પાકિસ્તાનમાંથી સૌથી વધુ ટેકો મળ્યો, જ્યાં યુવાનોએ ભારતીય વિદ્યાર્થીઓના સાહસ અને એકતાની પ્રશંસા કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના Gen-Z આંદોલનની ગૂંજ પાકિસ્તાન અને નેપાળ સુધી : યુવાનોએ કર્યા સલામ

India Gen Z Student Protest Wins : ભારતની Gen-Z પેઢીને અગાઉ એવી માનવામાં આવતી હતી, જે મોબાઈલ પર વધુ સમય વિતાવે છે, દરેક વાત પર મીમ્સ બનાવે છે, અને ગંભીર મુદ્દાઓ પર લાંબો સમય ધ્યાન આપતી નથી. પરંતુ છેલ્લા એક મહિનામાં તેમની આ જ કહેવાતી નબળાઈઓ તેમની સૌથી મોટી તાકાત બની ગઈ. સતત ચાલેલા વિદ્યાર્થી આંદોલનોએ કેન્દ્ર સરકારને ઝૂકવા મજબૂર કરી, અને પરીક્ષા પેપર લીકના કેસ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. આ આંદોલનમાં પરંપરાગત રાજકીય જાહેરનામાની જગ્યા મીમ્સ (Memes) એ લીધી, ઈન્સ્ટાગ્રામ રીલ્સ ભીડ ભેગી કરવાનું માધ્યમ બની, અને નાના-નાના વિડીયો પોલીસ કાર્યવાહીના પુરાવા બન્યા.

CJPના આંદોલનની પાડોશી દેશમાં ચર્ચા

ભારતનું આ આંદોલન હવે માત્ર પોતાના દેશ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ પડોશી દેશો સુધી તેની ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે, Gen-Z નું ધ્યાન ઝડપથી ભટકી જાય છે, પરંતુ ભારતમાં થયેલા આ આંદોલને પડોશી દેશો શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાનના યુવાનોનું પણ ધ્યાન ખેંચ્યું છે. આ દેશોમાં અગાઉ પણ યુવા આંદોલનોનો ઈતિહાસ રહ્યો છે, તેથી ભારતના 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) આંદોલનને લઈને ત્યાં ખાસ રસ જોવા મળ્યો.

પાકિસ્તાનમાંથી મળ્યો સૌથી વધુ ટેકો

એક યુવતીએ કહ્યું કે, 'ક્યાંક પ્રેમ ન થઈ જાય… જો આટલું સરસ કરશો તો, હું નફરત કેવી રીતે કરીશ?, ભારતના Gen Z એ જે સાહસ અને એકતાનો પરિચય આપ્યો, તેનાથી પ્રભાવિત થયા વગર રહેવું મુશ્કેલ છે. સીમાઓ અલગ હોઈ શકે છે, પરંતુ આજની Gen Zની વિચારસરણી અને જોશ એક સરખા છે.' પાકિસ્તાનના ઘણા યુવાનોએ કહ્યું કે જો તેમને તક મળી હોત તો તે પણ ભારતીય વિદ્યાર્થીઓની જેમ રસ્તા પર ઉતર્યા હોત.

એક યુવકે મુંબઈનો એ વાયરલ વીડિયો પણ યાદ કર્યો, જેમાં પોલીસ વિદ્યાર્થીઓને વાનમાં લઈ જઈ રહી હતી, પરંતુ પાછળથી કોઈએ ચૂપચાપ સ્ટોપર ખોલી નાંખી અને વિદ્યાર્થીઓ ભાગી ગયા. અન્ય એક પાકિસ્તાની યુવકે કહ્યું કે, ભારતના વિદ્યાર્થીઓએ ધર્મ અને જ્ઞાતિથી ઉપર ઉઠીને એકતા બતાવી.

જ્યારે ભારતમાં આંદોલનને લઈને એવો આરોપ લગાવવામાં આવ્યો કે, તેને પાકિસ્તાનથી ફંડિંગ મળી રહ્યું છે, ત્યારે પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિએટર બિલાલ હસને વ્યંગ કરતા કહ્યું, 'અમારી પાસે અમારો દેશ ચલાવવા માટે પૈસા નથી, અમે ભારતના આંદોલનને કેવી રીતે ફંડ કરી શકીએ?' બિલાલ હસને બંને દેશોની સ્થિતિની સરખામણી કરતા કહ્યું કે, પાકિસ્તાનમાં ઘણા લોકો 'એક પ્લેટ બિરયાની' ના બદલે પણ વેચાઈ જાય છે.

ભારતના વિદ્યાર્થી આંદોલને શ્રીલંકાના યુવાનોને પણ પ્રભાવિત કર્યા છે. વર્ષ 2022માં શ્રીલંકાના યુવાનોએ આર્થિક સંકટ સામે મોટા આંદોલનો કર્યા હતા. શ્રીલંકામાં 'કોકરોચ જનતા પાર્ટી' આંદોલનની ચર્ચા કાર્ટૂન અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પણ થઈ હતી. ભારતના આંદોલનની સૌથી ચર્ચિત તસવીર મુંબઈની રિયા આહીરની રહી, જેમાં તે પોલીસ વાન સામે હાથ રાખીને ઊભેલી જોવા મળી હતી. આ તસવીરને 1989ના તિયાનમેન સ્ક્વેરના પ્રસિદ્ધ 'ટેન્ક મેન' સાથે સરખાવવામાં આવી હતી.