ભારતના FCRA બિલથી ટ્રમ્પના સાંસદના પેટમાં તેલ રેડાયું, કહ્યું- ખ્રિસ્તીવિરોધી બિલથી સંબંધો બગડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump and India FCRA Bill : ભારતમાં 'ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ' (FCRA) માં પ્રસ્તાવિત સુધારાને લઈને હવે ગ્લોબલ રાજકારણ પણ ગરમાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સાંસદ રાઇલી મૂરે આ પ્રસ્તાવિત બિલની તીખી ટીકા કરી છે. તેમણે આ સુધારાને ભારતમના 'ખ્રિસ્તી સમુદાય પર સીધો હુમલો' ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે આ મુદ્દો ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં મોટો વિવાદ ઊભો કરી શકે છે. બીજી તરફ, કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ ફેરફારોનો મુખ્ય હેતુ વિદેશી ફંડિંગમાં પારદર્શિતા અને જવાબદેહી વધારવાનો છે.
'સેન્ટ થોમસના સમયથી ભારત સાથે ખ્રિસ્તી ધર્મનો સંબંધ'
અમેરિકન સાંસદ રાઇલી મૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ભારતમાં ખ્રિસ્તી ધર્મના લાંબા ઇતિહાસનો ઉલ્લેખ કરતા લખ્યું કે…
"ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના થોડા જ દાયકાઓ પછી જ્યારે સેન્ટ થોમસ એપોસ્ટલે મલબાર કિનારાની મુલાકાત લીધી હતી, ત્યારથી ભારતમાં ખ્રિસ્તી સમુદાય વસે છે. પરંતુ આટલા લાંબા ઇતિહાસ છતાં, ભારતની સંસદ FCRA નિયમોમાં સુધારો કરવા વિચારણા કરી રહી છે જેથી સરકાર ચર્ચો અને ધાર્મિક ચેરિટી સંસ્થાઓનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ શકે."
તેમણે વધુમાં ધમકીભર્યા સ્વરમાં ઉમેર્યું કે, જો આ બિલ વર્તમાન સ્વરૂપમાં જ આગળ વધશે, તો તે ભારત સાથેના અમેરિકાના સંબંધોમાં ભારે ચિંતાનો વિષય બનશે.
FCRA બિલમાં શું છે ખાસ પ્રસ્તાવો?
સંસદના મોન્સૂન સત્ર દરમિયાન 'ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ બિલ, 2026' પર ભારે હોબાળો થઈ રહ્યો છે. આ બિલ 2010ના મૂળ કાયદામાં સુધારો કરવા માંગે છે, જે NGO, ચેરિટેબલ ટ્રસ્ટ, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા મળતા વિદેશી ફંડિંગનું નિયમન કરે છે.
બિલની મુખ્ય બાબતો અને આંકડા
ડેઝિગ્નેટેડ ઓથોરિટીની રચના: બિલનો સૌથી મહત્વનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર દ્વારા એક 'નામિત પ્રાધિકરણ' (Designated Authority) ની નિમણૂક કરવાનો છે. આ ઓથોરિટી પાસે વિદેશી ચંદા અને તે ફંડથી બનેલી સંપત્તિઓનો વહીવટ પોતાના હાથમાં લેવાની સત્તા હશે.
મિનિમમ યુટિલાઇઝેશન થ્રેશોલ્ડ: છેલ્લા બે નાણાકીય વર્ષમાં જે સંસ્થાઓને ૧૦ લાખ રૂપિયાથી ઓછું વિદેશી ફંડ મળ્યું હોય કે વપરાયું હોય, તેનું રિન્યુઅલ અટકી શકે છે.
કડક નિયમો: વિદેશી ફંડ અન્ય સંસ્થાઓને ટ્રાન્સફર કરવા પર સખત મનાઈ, વિદેશી ચંદો વાપરવાની કડક સમયમર્યાદા અને સોશિયલ મીડિયા/વેબસાઇટ પર તમામ વિગતો જાહેર કરવાની શરતો સામેલ છે.
હાલની સ્થિતિ: 15 જુલાઈ 2026 સુધીના આંકડા મુજબ ભારતમાં 14449 સક્રિય FCRA રજિસ્ટ્રેશન છે, જ્યારે 22498 રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. 2019 થી 2022 વચ્ચે આ સંસ્થાઓને 55741 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું હતું.
શા માટે થઈ રહ્યો છે વિરોધ?
વિપક્ષી પક્ષો, NGO અને સિવિલ સોસાયટી ગ્રુપ્સનો આક્ષેપ છે કે આ સુધારાથી કેન્દ્ર સરકારને વિદેશી ફંડિંગ પર નિર્ભર સંસ્થાઓ પર વધુ પડતો કંટ્રોલ મળી જશે.
ખાસ કરીને કેરળ અને મિઝોરમ જેવા રાજ્યોના ચર્ચ અને ધાર્મિક સંગઠનોમાં ભારે ચિંતા છે. તેમને ડર છે કે જો તેમનું રજિસ્ટ્રેશન રદ થાય, તો વિદેશી ચંદાથી દાયકાઓથી બનાવાયેલી શાળાઓ, હોસ્પિટલો અને કલ્યાણકારી સંપત્તિઓ સરકારના કબજામાં જતી રહેશે.
જોકે, સરકારે તમામ વિરોધને ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે વિદેશી ફંડના નામે ચાલતી ગેરરીતિઓ રોકવા અને દેશની સુરક્ષા તથા પારદર્શિતા જાળવી રાખવા માટે આ પગલું જરૂરી છે.









