- કાળા નાણાં સાચવતી કુખ્યાત સ્વિટ્ઝર્લેન્ડની મુખ્ય બેન્કનો વાર્ષિક અહેવાલ
- સ્વિસ બેન્કમાં સૌથી વધુ બ્રિટન, અમેરિકા, ફ્રાન્સના લોકોના નાણા જમા, ભારત 46માં જ્યારે પાકિસ્તાન 108માં ક્રમે
નવી દિલ્હી : કાળા નાણાં જમા રાખવા માટે કુખ્યાત સ્વિટ્ઝર્લેન્ડની મધ્યસ્થ સ્વિસ બેન્ક દ્વારા બેન્કમાં જમા નાણા અંગે આંકડા જાહેર કરાયા છે. જે મુજબ સ્વિસ બેન્કોમાં જમા ભારતીય નાણાંમાં વર્ષ ૨૦૨૫માં ૮ ટકાનો ઘટાડો થયો છે. તે સાથે સ્વિસ બેંકોમાં નાણા ૩૬,૭૯૩ કરોડ રૂપિયા થઈ ગયા છે. સ્થાનિક બ્રાન્ચો પાસે રહેલા ફંડમાં મોટો ઘટાડો થતા આ આંકડો ઘટયો છે. જોકે ગ્રાહકોના વ્યક્તિગત અથવા સંસ્થાકીય ખાતાઓમાં જમા નાણામાં ૫૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, પણ તે કુલ ફંડના માત્ર ૧૬ ટકા જ છે.
સ્વિસ બેંક કાળા નાણાં ધરાવતા લોકો માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. સ્વિસ બેંક દ્વારા ગુરુવારે જે આંકડા જાહેર કરાયા તેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્વિટ્ઝર્લેન્ડની બેન્કોમાં જમા ભારતીય નાણા ૨૦૨૫માં આઠ ટકા સુધી ઘટી ગયા હતા અને આંકડો ૩.૨૫ અબજ સ્વિસ ફ્રેન્ક નોંધાયો હતો જે ભારતીય રૂપિયામાં આશરે ૩૬,૭૩૯ કરોડ રૂપિયા થાય છે. જોકે આ ઘટાડો કેમ થયો તે અંગે પણ સ્પષ્ટતા કરાઇ હતી અને જણાવાયું છે કે સ્વિસ બેંકની સ્થાનિક શાખાઓ, નાણાકીય સંસ્થાઓ મારફતે જે ભંડોળ રાખવામાં આવ્યું છે તેમાં ઘટાડાને કારણે આ રકમમાં ઘટાડો થયો છે.
આ સમયગાળા દરમિયાન જ વ્યક્તિગત અને સંસ્થાકીય ગ્રાહકોના ખાતાઓમાં જમા નાણાંમાં ૫૦ ટકાનો વધારો નોંધાયો છે. અને રકમ ૫૨૪ મિલિયન સ્વિસ ફ્રેન્ક એટલે કે લગભગ રૂ. ૬૦૦૦ કરોડે પહોંચી ગઇ છે. જે કુલ ભંડોળ છે તેમાં આ હિસ્સો ૧૬ ટકા સુધીનો હતો.
જોકે ભારતીયોના જમા નાણાંની જે વિગતો જાહેર કરવામાં આવી છે તેમાં એવા ભારતીયો કે એનઆઇઆરના નાણાની વિગતો નથી કે જેને ત્રીજા દેશના નામે જમા કરાવવામાં આવી હોય. વર્ષ ૨૦૦૬માં સ્વિસ બેન્કોમાં ભારતીયોના સૌથી વધુ નાણા જમા હતા, જે બાદ ૨૦૧૧થી ૨૦૧૭ અને ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ બાદમાં તેમાં વધારો થયો છે. ૨૦૨૩માં ૨૫ ટકાનો ઘટાડો થયો જે બાદ ૨૦૨૪માં છ ટકાનો ઉછાળો થયો હતો. સ્વિસ પ્રશાસન હંમેશા દાવો કરતુ આવ્યું છે કે અમારી બેન્કોમાં જે નાણા જમા છે તેને કાળા નાણાં ના કહી શકાય, અમે ભારતીયોને ટેક્સ ફ્રોડ સામેની લડાઇમાં સાથ આપી રહ્યા છીએ.
સ્વિસ બેન્કોમાં જમા વિદેશીઓના નાણામાં બ્રિટન પ્રથમ ક્રમે છે જ્યારે બીજા ક્રમે અમેરિકા અને ત્રીજા ક્રમે ફ્રાંસ છે. ભારત આ યાદીમાં ૪૬માં ક્રમે છે, જે અગાઉ ૪૮માં ક્રમે હતું, એટલે કે આટલા વર્ષોમાં ભારતીયોના નાણા સ્વિસ બેન્કમાં વધ્યા છે. આ યાદીમાં બાંગ્લાદેશ ૮૧માં જ્યારે પાકિસ્તાન ૧૦૮માં ક્રમે છે. બાંગ્લાદેશીઓએ સત્તા પલટા અને હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે બહુ જ મોટા પ્રમાણમાં સ્વિસ બેન્કોમાં નાણા જમા કરાવ્યા છે.


