Get The App

'માથામાં 3 ગોળીઓ મારી અને...', અમેરિકામાં ભારતીય યુવકની હત્યા, બહેને કર્યો મોટો દાવો

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
'માથામાં 3 ગોળીઓ મારી અને...', અમેરિકામાં ભારતીય યુવકની હત્યા, બહેને કર્યો મોટો દાવો 1 - image

Indian Techie Anshul Kuncha Shot Dead in US : અમેરિકાના પેન્સિલવેનિયામાં વધુ એક ભારતીય નાગરિકની કરપીણ હત્યા કરવામાં આવી છે. હૈદરાબાદના 28 વર્ષીય યુવક અંશુલ કુંચાને અમેરિકામાં પિઝા ડિલિવરી કરતી વખતે ગોળી મારી દેવામાં આવી હતી. હૈદરાબાદ નજીક ગુંડલાપોચમપલ્લીમાં રહેતા તેના પરિવારે આ ઘટનાની માહિતી આપી છે. અંશુલના મોતના મામલે તેના પરિવારે મહત્વની પ્રતિક્રિયા આપી છે, જેમાં અંશુલની બહેન તન્વીએ કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે. અંશુલની હત્યા 5 અને 6 જૂનની મધ્યરાત્રિએ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં કરવામાં આવી હતી. પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, અંશુલની બહેન તન્વીએ જણાવ્યું કે, તેનો ભાઈ ઉત્તરી ફિલાડેલ્ફિયામાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો, અને વીકેન્ડમાં (અઠવાડિયાના અંતે) વધારાની આવક મેળવવા માટે પિઝા ડિલિવરીનું કામ પણ કરતો હતો.

લૂંટ નહીં, પણ એક કાવતરું હતું : બહેનનો દાવો

અંશુલની બહેને રડતા-રડતા જણાવ્યું કે, 'અમને કહેવામાં આવ્યું છે કે, અંશુલને માથામાં 3 ગોળીઓ મારવામાં આવી હતી અને રસ્તા પર મરવા માટે છોડી દેવાયો હતો.' તન્વીના જણાવ્યા અનુસાર, અંશુલનો કોઈ પણ સામાન ચોરી થયો નથી. સામાન્ય રીતે લૂંટના ઈરાદે થતા હુમલામાં સામાન ચોરાઈ જતો હોય છે, પરંતુ અહીં એવું નથી થયું. તેણે આક્ષેપ કર્યો કે, અંશુલને એક સુમસામ વિસ્તારમાં પિઝા ડિલિવર કરવા માટે ઓર્ડર આપીને બોલાવવામાં આવ્યો હતો, અને પાછળથી તેમને ખબર પડી કે આ એક મોટું કાવતરું હતું.

પાર્થિવ દેહને વહેલી તકે લાવવા વિદેશ મંત્રાલયને અપીલ

પીડિત પરિવારે ન્યાયની માંગ કરી છે, અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે, તેમના ભાઈના પાર્થિવ દેહને વહેલી તકે ભારત પરત લાવવામાં આવે. તન્વીએ કહ્યું, 'અમને કહેવામાં આવ્યું છે કે, સોમવારે મૃત્તદેહ સોંપવામાં આવશે. બસ અમારા ભાઈને વહેલી તકે ભારત લાવી આપો. હું બસ એટલું જ ઈચ્છું છું અને અમને ન્યાય જોઈએ. અમને કોઈ વ્યક્તિ પર શંકા નથી, પરંતુ આ એક સુનિયોજિત કાવતરું હતું. અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ, કાળો માસ્ક પહેરેલા અને પીઠ પર બેગ લટકાવેલા 2 સશસ્ત્ર બંદૂકધારીઓએ આ કૃત્ય આચર્યું હોવાનું જણાય છે.'

ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યું દુઃખ

અંશુલ આશરે 4 વર્ષ પહેલા ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. ન્યૂયોર્ક સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે (Indian Consulate) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે, 'પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં ભારતીય નાગરિક અંશુલ કુંચાના અકાળ અવસાનથી અમે અત્યંત દુઃખી છીએ. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. દૂતાવાસ અંશુલના પરિવારના સંપર્કમાં છે અને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યું છે.'