લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર વિસ્ફોટક બોટથી હુમલો : 14 ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Ship Red Sea Attack : યમનના પશ્ચિમ કિનારે લાલ સમુદ્રમાં વિસ્ફોટકોથી ભરેલી બોટ વડે હુમલો થતાં એક ભારતીય કોમર્શિયલ જહાજ 'MSV ફાઈઝે નૂરે ઓલિયા' દરિયામાં ડૂબી ગયું છે. આ ભયાનક હુમલા બાદ જહાજમાં સવાર તમામ 14 ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. યમનના સશસ્ત્ર દળો અને તટ રક્ષકો દ્વારા ચલાવવામાં આવેલા સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશનને કારણે મોટો અકસ્માત ટળ્યો છે. ભારત સરકાર અને વિદેશ મંત્રાલયે આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરીને હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે.
અલ હુદાયદાહ કિનારે બનેલી દુર્ઘટના
આ ઘટના લાલ સમુદ્રમાં આવેલા અલ હુદાયદાહ બંદરથી લગભગ 13 નોટિકલ માઇલ દૂર દક્ષિણ ભાગમાં બની હતી. વિસ્ફોટકો ભરેલી બોટ જહાજ સાથે અથડાતાં જહાજમાં ભારે નુકસાન થયું હતું અને તે દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. જોકે, ઘટનાની જાણ થતાં જ યમન નેવી અને કોસ્ટ ગાર્ડે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દીધું હતું.
તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત, તબીબી મદદ પહોંચાડાઈ
જહાજ પર સવાર કુલ 14 સભ્યોમાંથી 13 ભારતીય નાગરિકો અને 1 યમની નાગરિક હતો. રાહત ટુકડીએ તમામ 14 લોકોને સફળતાપૂર્વક બચાવી લીધા છે અને કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી. બચાવાયેલા તમામ લોકોને હાલ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમને જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
ભારત સરકાર અને રિયાધ સ્થિત એમ્બેસી એક્શનમાં
આ હુમલા બાદ ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીથી સત્તાવાર નિવેદન બહાર પાડીને ભારતીય નાગરિકોને બચાવવા બદલ યમનની સત્તાવાળાઓનો આભાર માન્યો છે. રિયાધ સ્થિત ભારતીય એમ્બેસી આ મામલે યમનની એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે જેથી ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમની વતન વાપસી સુનિશ્ચિત કરી શકાય.
વેપારી જહાજો પર વધતા હુમલા અંગે ભારતની ચિંતા
રેડ સી અને બાબ અલ-મંદબ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય જહાજો પર થઈ રહેલા સતત હુમલા અંગે ભારતે ભારે ચિંતા વ્યક્ત કરી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર આ પ્રકારે વેપારી જહાજોને ટાર્ગેટ કરવાની પ્રવૃત્તિ તુરંત બંધ થવી જોઈએ. તમામ દેશોના વેપાર અને મુક્ત દરિયાઈ અવરજવર માટે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ સુરક્ષા બહાલી કરવી અત્યંત જરૂરી છે.









