40 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાનનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોતાનો ત્રણ દિવસનો સેશેલ્સ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાના બરાબર દસ દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. છેલ્લા 40 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. જેને કારણે આ પ્રવાસને અત્યંત ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને શુક્રવારે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે પીએમ મોદી 10 જુલાઈએ ઓકલેન્ડ પહોંચશે અને 11 જુલાઈએ પરત ફરશે.
મુલાકાત પાછળ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) નું મોટું કારણ
આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે તાજેતરમાં જ એપ્રિલ મહિનામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વ્યાપાર કરાર) પર હસ્તાક્ષર થયા છે. આ કરાર હેઠળ ન્યૂઝીલેન્ડથી આવતી 95 ટકા વસ્તુઓ પરની ડ્યુટી (ટેરિફ) નાબૂદ કરવામાં આવશે. જ્યારે ભારતમાંથી ન્યૂઝીલેન્ડ જતા 100 ટકા સામાનને ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. પીએમ લક્સને જણાવ્યું કે, "ભારત વિશ્વની સૌથી મોટી અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આ વ્યાપાર કરારથી ન્યૂઝીલેન્ડના 140 કરોડ લોકોનું મોટું બજાર મળશે, જેનાથી રોજગારી વધશે અને આર્થિક વૃદ્ધિ મજબૂત થશે."
બંને દેશો વચ્ચેનો વેપાર અને વ્યૂહાત્મક મહત્વ
વર્ષ 2024-25માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 1.3 અબજ ડોલર રહ્યો હતો, જ્યારે વસ્તુઓ અને સેવાઓનો કુલ વેપાર આશરે 2.4 અબજ ડોલરે પહોંચ્યો છે. આ કરાર ભારતની ઈન્ડો-પેસિફિક આર્થિક વ્યૂહાત્મક નીતિને વધુ મજબૂત બનાવશે. વૈશ્વિક વેપારમાં ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે ન્યૂઝીલેન્ડ માટે ભારત સાથેના સંબંધો આર્થિક સમૃદ્ધિની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.
સેશેલ્સના ગોલ્ડન જુબિલી કાર્યક્રમમાં આપી હતી હાજરી
આ અગાઉ પીએમ મોદીનો 3 દિવસનો સેશેલ્સ પ્રવાસ 29 જૂનના રોજ પૂર્ણ થયો હતો. જે હિંદ મહાસાગરમાં ભારતના વ્યૂહાત્મક જોડાણને મજબૂત કરવા પર કેન્દ્રિત હતો. પીએમ મોદી સેશેલ્સના 50મા સ્વતંત્રતા દિવસ (રાષ્ટ્રીય દિવસ) ની ગોલ્ડન જુબિલી ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, ડિજિટલ પેમેન્ટ, સ્પેસ, હેલ્થકેર, કૃષિ અને શિક્ષણ જેવા ક્ષેત્રોને આવરી લેતા 19 મહત્વના કરારો અને પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ભારત-સેશેલ્સના આગામી 50 વર્ષ ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને સહિયારી સમૃદ્ધિ દ્વારા વ્યાખ્યાયિત થશે.









