વિદેશીઓને અમેરિકામાં ઘૂસાડવા બદલ ભારતીય યુવક દોષિત ઠર્યો

શિવમ ગયા વર્ષે 12 ભારતીયોને ઘૂસાડતા ઝડપાયો હતો
ન્યૂયોર્ક: વિદેશીઓને અમેરિકામાં ઘૂસાડવાના આરોપો હેઠળ એક ૨૨ વર્ષીય ભારતીયને અમેરિકાની કોર્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. કેનેડાની સરહદેથી અનેક લોકોને અમેરિકાની અંદર ઘૂસાડવાના આરોપો હેઠળ ભારતીય યુવક શિવમને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
અમેરિકાના કાયદાઓ મુજબ શિવમ નામના આ ભારતીય યુવકને પાંચથી ૧૫ વર્ષ સુધીની સજા થઇ શકે છે. શિવમ વર્ષ ૨૦૨૪થી ૨૦૨૫ દરમિયાન આ ઘૂસણખોરી કરાવવાના કામ સાથે સંકળાયેલો રહ્યો, તે વિદેશીઓને અમેરિકામાં ઘૂસાડવામાં સક્રિય ગેંગનો એક સભ્ય રહ્યો, શિવમ સામાન્ય રીતે ડ્રાઇવરોને મદદરૂપ થતો હતો, જેમાં ન્યૂયોર્ક આસપાસની હોટેલોમાં વિદેશીઓને પહોંચાડવા, રહેવાની અન્ય વ્યવસ્થાઓ વગેરે કામ તે કરતો હતો.
ગયા વર્ષે જ શિવમને તેના ઉપરી લોકોએ ૧૨થી વધુ ભારતીયો અને યુકેના લોકોને કેનેડા થઇને અમેરિકામાં ઘૂસાડવામાં મદદરૂપ થવા આદેશ મળ્યો હતો. કોર્ટ દસ્તાવેજો મુજબ પ્રતિ વ્યક્તિ ૧૦૦ ડોલરમાં ડીલ થઇ હતી, જોકે જ્યારે ઘૂસણખોરી કરાવવામાં આવી રહી હતી ત્યારે ઝડપાઇ ગયા હતા. આ મામલામાં બાદમાં શિવમ ઝડપાયો હતો જેણે પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. શિવમ અમેરિકામાં કાયદેસર રહે છે કે ગેરકાયદે, ભારતમાં તે ક્યા રાજ્યનો છે અને ક્યારે અમેરિકા ગયો હતો તેની વિગતો હજુસુધી જાહેર કરવામાં નથી આવી.









