Indian Officer Dead In Bangladesh : બાંગ્લાદેશથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશના ચટગાંવના ખુલ્શી વિસ્તારમાં આવેલા ભારતીય આસિસ્ટન્ટ હાઈકમિશનના કાર્યાલયમાંથી મંગળવારે એક ભારતીય નાગરિકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો છે. મૃતક વ્યક્તિની ઓળખ 35 વર્ષીય નરેન્દ્ર તરીકે થઈ છે, જેઓ મૂળ હરિયાણાના રહેવાસી હતા અને ચટગાંવ સ્થિત ભારતીય હાઈકમિશનમાં સેક્યુરિટી પ્રોટોકોલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેમના મોતના સાચા કારણો જાણી શકાયા નથી.
સવારે રૂમનો દરવાજો ન ખોલતા આશંકા ગઈ
મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે નરેન્દ્ર રૂમનો દરવાજો ખોલી રહ્યા નહોતા. શરૂઆતમાં ત્યાં હાજર દૂતાવાસના અન્ય અધિકારીઓએ દરવાજો ખોલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લાંબા સમય સુધી અંદરથી કોઈ જવાબ ન મળતાં આખરે સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જ્યારે રૂમ ખોલ્યો ત્યારે હાઈકમિશનના એક રૂમમાંથી નરેન્દ્રનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક અધિકારીના પિતાનું નામ રામનિવાસ હોવાનું સામે આવ્યું છે.
બાથરૂમના દરવાજા પાસેથી મળી લાશ
ચટગાંવ મેટ્રોપોલિટન પોલીસના કમિશનર હસન મોહમ્મદ શૌકત અલીએ જણાવ્યું કે, નરેન્દ્ર આ કચેરીમાં સુરક્ષા પ્રોટોકોલ ઓફિસર તરીકે તૈનાત હતા. ચટગાંવ મેટ્રોપોલિટન પોલીસ કમિશનર અમીનુર રાશિદે જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને શંકા છે કે અધિકારીનું મોત રાત્રિના સમયે બાથરૂમ જતી વખતે કોઈ અકસ્માત અથવા અન્ય કારણોસર થયું હોઈ શકે છે. જો કે, મોતના ચોક્કસ કારણની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મોતનું કારણ અકબંધ
પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની તપાસમાં મોત પાછળનું કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે. CMPના ડેપ્યુટી કમિશનર અમીરુલ ઈસ્લામે જણાવ્યું છે કે, આ ઘટના અંગે અકુદરતી મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહને ભારતીય આસિસ્ટન્ટ હાઈકમિશનના અધિકારીઓને સોંપવામાં આવશે.
આ પણ વાંચો : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીનનો PHOTO


