'તાત્કાલિક ઈરાન છોડી દો..', તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, ફરી યુદ્ધના સંકેત?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran US War: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ બાદ તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે આજે ગુરુવારે (23 એપ્રિલ 2026) એક નવી અને કડક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા ન કરવાની ચેતવણી આપી છે અને ત્યાં હાજર ભારતીયોને સુરક્ષિત બહાર નીકળવાનો નિર્દેશ આપ્યો છે.
ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, 'ભારતીય નાગરિકો હવાઈ અથવા જમીની માર્ગે ઈરાનની યાત્રા ન કરે. ઈરાનની યાત્રા કરવી સુરક્ષાની દૃષ્ટિએ જોખમી હોઈ શકે છે.' પ્રાદેશિક તણાવને કારણે હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણો લાગેલા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના સંચાલનને લઈને અનેક પડકારો ઉભા થયા છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 'જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં છે, તેઓ તાત્કાલિક દેશ છોડી દે. નાગરિકો દૂતાવાસના સંપર્કમાં રહે.'
હેલ્પ લાઈન નંબર જાહેર
સ્થિતિની ગંભીરતાને જોતા ભારતીય દૂતાવાસે તમામ નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. આ માટે દૂતાવાસે સંપર્ક નંબર પણ જારી કર્યા છે:
મોબાઈલ નંબર: +989128109115; +989128109109, +989128109102; +989932179359
ઈમેલ: cons.tehran@mea.gov.in
ટ્રમ્પની ધમકી બાદ બગડી સ્થિતિ
ભારતીય દૂતાવાસે આ એડવાઈઝરી એવા સમયે જારી કરી છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા સુરક્ષા જોખમને લઈને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક આદેશ જાહેર કર્યો છે. ટ્રમ્પે અમેરિકન નૌસેનાને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ ઈરાની બોટને તાત્કાલિક નષ્ટ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ તેમણે માઈન-સ્વીપિંગ (દરિયાઈ સુરંગ હટાવવા)ના અભિયાનને વધુ તેજ કરવા જણાવ્યું છે.
કોઈ ખચકાટ કરશો નહીં: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટમાં કહ્યું કે, 'મેં યુનાઈટેડ સ્ટેટ્સ નેવીને આદેશ આપ્યો છે કે તે કોઈપણ બોટને, ભલે તે ગમે તેટલી નાની કેમ ન હોય, જે હોર્મુઝ સ્ટ્રેટના પાણીમાં દરિયાઈ સુરંગો(માઈન્સ)બિછાવી રહી હોય, તેને ગોળી મારીને નષ્ટ કરી દે. તેમાં પણ ખચકાટ થવો જોઈએ નહીં.'
હોર્મુઝ પર USનું નિયંત્રણ: ટ્રમ્પ
તેમણે ઈરાનમાં નેતૃત્વને લઈને ચાલી રહેલી ખેંચતાણનો ઉલ્લેખ કરતા પ્રાદેશિક સ્થિતિ અને દરિયાઈ માર્ગ પર અમેરિકી નિયંત્રણનો દાવો પણ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, 'ઈરાનને એ સમજવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે કે તેમનો અસલી નેતા કોણ છે. તેમને પોતાને પણ સ્પષ્ટ ખબર નથી. ત્યાં 'હાર્ડલાઈનર' (કડક વલણ ધરાવતા) અને 'મોડરેટ' (નરમ વલણ ધરાવતા) જૂથો વચ્ચે ભારે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. હાર્ડલાઈનર યુદ્ધના મેદાનમાં ખરાબ રીતે હારી રહ્યા છે, જ્યારે મોડરેટ (જેઓ જોકે બહુ નરમ પણ નથી) હવે વધુ સન્માન મેળવી રહ્યા છે.'









