UNમાં શાબ્દિક યુદ્ધ બાદ પાકિસ્તાન પહોંચ્યું ભારતનું પ્રતિનિધિમંડળ, અધિકારીએ કહ્યું- મને લાહોર જોવાની ઘણી ઇચ્છા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India and Pakistan News : પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' અને સંયુક્ત રાષ્ટ્ર(UNGA) ના મંચ પર ચાલી રહેલા તીખા શાબ્દિક યુદ્ધ વચ્ચે બંને દેશોના કડવાશભર્યા સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ખાતે યોજાયેલી શંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન(SCO)ની મહત્ત્વની બેઠકમાં ભાગ લેવા માટે ભારતનું એક સત્તાવાર પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું છે.
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની ધરતી પર પગ મૂકનારા ભારતના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી આલોક ડિમરીએ પોતાના અનોખા અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. પાકિસ્તાની સરકારી ટીવી સાથેની વાતચીતમાં તેમણે ખુલ્લેઆમ ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તેઓ ઈસ્લામાબાદ ઉપરાંત લાહોર, ફૈસલાબાદ અને સિયાલકોટ જેવા પાકિસ્તાની શહેરોની પણ મુલાકાત લેવા માગે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં તીખી તકરાર વચ્ચે SCOની બેઠક
હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ના મંચ પર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ વચ્ચે આતંકવાદ અને કાશ્મીર મુદ્દે ભારે તીખી નોકઝોંક થઈ હતી. આ તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે 29 સપ્ટેમ્બરથી ઈસ્લામાબાદ ખાતે SCO કાઉન્સિલ ઑફ નેશનલ કોઓર્ડિનેટર્સ(CNC)ની ત્રણ દિવસીય મહત્ત્વની બેઠક શરૂ થઈ છે, જ્યાં બંને દેશોના દૌત્યિક સંબંધોનો અલગ નજારો જોવા મળ્યો હતો.
અધિકારી આલોક ડિમરીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક દાર સાથે ગરમજોશીથી હાથ મિલાવ્યા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જારી કરેલા વીડિયોમાં ડિમરીએ જણાવ્યું હતું કે, "મને પહેલીવાર પાકિસ્તાન આવવાની તક મળી છે. ઈસ્લામાબાદ આવીને મને ખૂબ આનંદ થયો. હાલ મેં માત્ર ઈસ્લામાબાદ જોયું છે, પરંતુ મારી ઇચ્છા લાહોર, ફૈસલાબાદ અને સિયાલકોટ જવાની પણ છે."
પ્રાદેશિક કનેક્ટિવિટી અને વેપાર પર ભાર
બેઠક અંગે વિગતવાર માહિતી આપતાં આલોક ડિમરીએ ઉમેર્યું હતું કે, "આ એક એવી મહત્ત્વપૂર્ણ યાત્રા છે જ્યાં યુરેશિયન અને એશિયન ખંડના સભ્ય દેશો SCOના મંચ પર એકસાથે આવ્યા છે. અમે પ્રદેશના કલ્યાણ અને સમૃદ્ધિ માટે એક સહિયારો એજન્ડા તૈયાર કર્યો છે." તેમણે પ્રાદેશિક કનેક્ટિવિટી, વેપાર અને ટ્રાન્ઝિટને અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દા ગણાવ્યા હતા.
આ ઉપરાંત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સભ્યતાગત સંવાદ મંચ'ના પ્રસ્તાવનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, SCOના તમામ સભ્ય દેશો આ મંચ સ્થાપિત કરવા માટે સંમત થયા છે. નોંધનીય છે કે, SCOમાં ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા, ઈરાન અને બેલારુસ સહિત 10 કાયમી સભ્યો છે.




