World

ભારતની સાથે અફઘાનિસ્તાનની નવી શરૂઆતઃ અટકાયેલા 20 પ્રોજેક્ટ ફરી શરૂ થઈ શકે છે, તાલિબાને આપ્યા સંકેત

By GS Team
1 Dec 20223 mins read
This article was originally published on 1 Dec 2022
ભારતની સાથે અફઘાનિસ્તાનની નવી શરૂઆતઃ અટકાયેલા 20 પ્રોજેક્ટ ફરી શરૂ થઈ શકે છે, તાલિબાને આપ્યા સંકેત

નવી દિલ્હી, તા. 01 ડિસેમ્બર 2022, ગુરૂવારટ

અફઘાનિસ્તાનના તાલિબાન શાસન વતી બુધવારના રોજ કહેવામાં આવ્યું છે કે ભારત અફઘાનિસ્તાનમાં અટકેલા 20 પ્રોજેક્ટને ફરીથી શરૂ કરી શકે છે. મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાનના શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય (MUDH) એ કહ્યું હતું કે, ભારતીય દુતાવાસના ઈન્ચાર્જ ભરત કુમારે બન્ને દેશો વચ્ચેના સંબંધ સુધારવા અને અફઘાનિસ્તાનમાં દિલ્હીના પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવામાં ભારતે રુચિ દર્શાવી છે. કુમારે અફઘાનિસ્તાનના શહેરી વિકાસ અને આવાસ મંત્રી હમદુલ્લા નોમાની સાથે કાબુલમાં બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી. 

MUDHના પ્રવક્તા મોહમ્મદ કમાલ અફઘાને કહ્યું હતું કે જે પ્રોજેક્ટ અગાઉની સરકાર દરમિયાન શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ રાજકીય પરિવર્તન અથવા અન્ય મુદ્દાઓને કારણે તેમાં વિલંબ થયો હતો, ભારત હવે આ પ્રોજેક્ટ્સને ફરીથી શરૂ કરવામાં રસ ધરાવે છે. 

અર્થશાસ્ત્રીઓએ આપ્યો પોતાનો અભિપ્રાય

મળતી માહિતી મુજબ, આ મામલામાં અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે તેમનું માનવું છે કે પ્રોજેક્ટના અમલીકરણથી રોજગારીની તકો વધશે અને દેશમાં વિકાસને વેગ મળશે. અર્થશાસ્ત્રી ડારિયા ખાન બહીરે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ ફરીથી શરૂ થવાથી લોકો માટે રોજગારીની તકો પણ ઉભી થઈ શકે છે અને લોકોની આવકમાં વધારો થઈ શકે છે. સાથે જ અફઘાનિસ્તાનને રાજકીય એકલતામાંથી બહાર લાવી શકે છે. એક અન્ય અર્થશાસ્ત્રી નાજકમિર જિરમલે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ફરીથી શરૂ થવાથી ગરીબી અને બેરોજગારીના સ્તરમાં ઘટાડો થશે. 

ભારતીય ઉદ્યોગપતિઓના રોકાણનો આગ્રહ

મૌલવી હમદુલ્લા નુમાનીએ ભારતીય વેપારી સમુદાયને અફઘાનિસ્તાનના શહેરી વિકાસ ક્ષેત્રમાં રોકાણ કરવાનો આગ્રહ કર્યો હતો. મંત્રાલયે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, મૌલવી હમદુલ્લા નોમાનીએ ભારતીય દૂતાવાસના પ્રભારીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નોમાનીએ કહ્યું હતું કે, ભારતીય ઉદ્યોગપતિઓ શહેરી અને આવાસ ક્ષેત્રમાં, ખાસ કરીને ન્યૂ કાબુલ સીટી પ્રોજેક્ટમાં રોકાણ કરી શકે છે. 

તેમણે આગળ કહ્યું હતું કે, ભારતે ભૂતકાળમાં અફઘાનિસ્તાનમાં કેટલાક પ્રોજેક્ટ હાથ ધર્યા હતા પરંતુ ચૂકવણી ન થવાના કારણે તેમાંથી કેટલાક અધૂરા રહી ગયા છે. તેમણે ભારત સરકારને અધૂરા પ્રોજેક્ટ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવાનું કહ્યું હતું.  

સ્થાનિક લોકોનું પણ માનવું છે કે આ પ્રોજેક્ટ્સને ફરીથી શરૂ કરવાથી રોજગારની તકો વધશે, ગરીબી અને બેરોજગારી ઘટશે અને દેશમાં વિકાસને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત, ભારતીય રાજદૂત પાસે અફઘાન ઈજનેરોની ક્ષમતામાં વધારો કરવા માટે નાગરિક અને શહેરી વિકાસ ક્ષેત્રમાં માસ્ટર અને પીએચડીની ડિગ્રી મેળવવા માટે અફઘાન નાગરિકોને શિષ્ટવૃતિ પ્રદાન કરવાની વિનંતી કરવામાં આવી હતી. 

ભારતીય રાજદૂત ભરત કુમારે જણાવ્યું હતું કે મંત્રાલયે ઉલ્લેખિત તમામ પ્રોજેક્ટ્સ વિશે માહિતી શેર કરવી પડશે. તેઓ તેમની સમસ્યાઓના ઉકેલ માટે ભારત સરકારને જણાવશ અને તમામ પ્રોજેક્ટસના ઉપયોગ માટે તૈયાર કરશે. કુમારે કહ્યું હતું કે, મને કાબુલના નવા પ્રોજેકટ વિશે કેચલીક માહિતી મળી છે અને હું ભારતીય રોકાણકારો સાથે તેના વિશે પણ વાત કરીશે.

તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ 2021માં તાલિબાન દ્વારા સત્તાની લગામ સંભાળ્યા બાદ ભારતને પોતાના તમામ પ્રોજેકટ્સ રોકવા પડ્યા હતા. ત્યારબાદ ભારતે પોતાની એમ્બેસી પણ બંધ કરી દીધી હતી. જો કે દૂતાવાસે થોડા મહિના પહેલા જ કામકાજ શરૂ કર્યું છે. ભારતમાં હજુ પણ સુરક્ષાના મુદ્દાઓ છે કારણ કે કેટલાક નાગરિક પ્રોજેક્ટ્સ, ધાર્મિક સ્થળો અને રશિયન દૂતાવાસને તાજેતરમાં ઈસ્લામિક સ્ટેટ આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા.