Get The App

ભારત-રશિયાની તિરાડથી વૈશ્વિક સ્થિરતા જોખમાશે : પુતિન

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
ભારત-રશિયાની તિરાડથી વૈશ્વિક સ્થિરતા જોખમાશે : પુતિન 1 - image

- પશ્ચિમી દેશોને રશિયન પ્રમુખની ખુલ્લી ચેતવણી

- ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર, વિશ્વની સૌથી મોટી લોકશાહી અને સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી ઇકોનોમી

- અમેરિકાના રશિયા પાસેથી ક્રૂડ ન ખરીદવાના દબાણ સામે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો મુજબ નિર્ણય લે

સેન્ટ પીટર્સબર્ગ : ભારત સાથે સમયની પરીક્ષા પર ખરા ઉતરેલા સંબંધોનો હવાલો આપીને રશિયન પ્રમુખ વ્લાડીમિર પુતિને ચેતવણી આપી હતી કે પીએમ મોદી પર રશિયા સાથેના સંબંધો તોડવાનું દબાણ છેવટે વૈશ્વિક સ્થિરતાને જ જોખમમાં મૂકશે. તેમણે જણાવ્યું હતું કે ભારતની વૃદ્ધિ કંઈ રાતોરાત નથી થઈ, પરંતુ પીએમ મોદીની નેતાગીરી હેઠળ કરવામાં આવેલી અવિરત આકરી મહેનતના લીધે થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેનો કારોબાર હાલમાં ૬૦ અબજ ડોલરનો છે અને તે આગામી પાંચ વર્ષોમાં ૧૦૦ અબજ ડોલરે લઈ જવામાં આવશે. ક્લીન એનર્જી, ફાર્માસ્યુટિકલ્સ અને હાઇડ્રોકાર્બન્સમાં બંને દેશ સારો કારોબાર અને રોકાણ કરી શકે તેમ છે. તેમણે જણાવ્યું હતું કે ભારત એવું એકમાત્ર અર્થતંત્ર છે જેણે સૌથી ઊંચો વૃદ્ધિદર નોંધાવ્યો છે, આ કંઈ ચમત્કાર નથી, પીએમ મોદાની આગેવાની હેઠળની ટીમે કરેલી આકરી મહેનતનુ પરિણામ છે. 

કેટલીક પશ્ચિમી સત્તાઓ ભારત રશિયા સાથેના વ્યાપારિક સંબંધો ખતમ કરે તે માટે પ્રયત્નશીલ છે તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મોસ્કોને તેના કોઈ નકારાત્મક પરિણામ આવે તેમ લાગતું નથી. આ પ્રકારની બાબતો અવળી પડશે. દરેક જણ સમજે છે કે પીએમ મોદી એટલે કે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના વડાપ્રધાન પર દબાણ લાવવું એટલે ફક્ત દ્વિપક્ષીય સંબંધો જ નહીં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ ફટકો સહન કરવો. પછી ભલેને આ દબાણ ગમે ત્યાંથી આવતું હોય, એમ પુતિને જણાવ્યું હતું. 

તેમણે ભારત-રશિયા સંબંધો અંગે કેટલાક પશ્ચિમી દેશોમાં વ્યાપ્ત અસંતોષના સંદર્ભમાં આ વાત જણાવી હતી. અમેરિકા સતત ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં ઘટાડો કરવાની વિનંતી કરતું આવ્યું છે.

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી, સૌથી મોટું અર્થતંત્ર, સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ

પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે પોતાના જ રાષ્ટ્રીય હિતોને અગ્રતા આપવી જોઈએ. અમેરિકા સાથેના ભારતના રાજકીય જોડાણના લીધે રશિયાને કોઈ નુકસાન નથી. તેનાથી ભારત-રશિયા સંબંધો પર પણ કોઈ અસર નહીં પડે. અમને તો તે જોઈને આનંદ થાય છે કે ભારત દરેક દેશ સાથે સંબંધો વિકસાવી રહ્યું છે. ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જબરદસ્ત દેશ છે, તેથી સ્વાભાવિક છે કે આટલા મોટા અર્થતંત્રએ તેના હિતોને ધ્યાનમાં રાખીને જે જરૂરી હોય તે મુજબ નિર્ણય લેવા પડે. 

પુતિને યુક્રેનની કટોકટીને સ્થાનિક મુદ્દો ગણાવ્યો, ઝેલેન્સ્કીના પ્રમુખ રહેવા પર સવાલ

પુતિને જણાવ્યું હતું કે વોશિંગ્ટન સાથેના ભારતના ગાઢ સંબંધથી ભારત-રશિયા વચ્ચેના સંબંધો પર કોઈ અસર ન પડે. રશિયા ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યુ છે. પુતિન ગયા ડિસેમ્બરમાં ભારત આવ્યા હતા અને બંને દેશોએ આગામી પાંચ વર્ષની આર્થિક ભાગીદારીનો રોડમેપ સુનિશ્ચિત કર્યો હતો. પુતિને આશ્ચર્યજનક રીતે યુક્રેન કટોકટીને સ્થાનિક મુદ્દો ગણાવ્યો હતો, જ્યારે ઇરાન કટોકટીને વૈશ્વિક મુદ્દો ગણાવ્યો હતો. તેમણે તો યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની પ્રમુખપદ સામેની યોગ્યતા સામે જ સવાલ ઉઠાવ્યો હતો. તેમનો કાર્યકાળ ૨૦૨૪માં પૂરો થઈ ગયો હતો, હવે તે યુક્રેનના પ્રમુકપદે જ કયા અધિકારથી છે તે મોટો મુદ્દો છે. તે ચૂંટણી યોજશે કે નહીં, આપણે ફક્ત સવાલ પૂછી શકીએ છીએ. 

ભારત-ચીન સંબંધોમાં રશિયાની દરમિયાનગીરી નહીં

પુતિને આ સિવાય સ્પષ્ટ જણાવ્યું હતું કે મોસ્કો ભારત-ચીનના નાજુક સંબંધોમાં દરમિયાનગીરી નહીં કરે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય પીએમ મોદી અને ચાઇનીઝ પ્રીમિયર જિનપિંગ લાંબા સમયથી અટકેલા સરહદના વિવાદને પારસ્પરિક સંમતિથી ઉકેલવા તૈયાર થયા છે. પુતિને મોદી અને જિનપિંગ બંનેની પ્રશંસા કરી હતી. રશિયા બંને દેશ સાથે સ્વતંત્ર ધોરણે ભાગીદારી વિકસાવી રહ્યુ છે. જિનપિંગ અને પીએમ મોદી દરેક વિવાદાસ્પદ મુદ્દા પારસ્પરિક સંમતિથી ઉકેલવા તૈયાર થયા છે. ભારત અને ચીન એકદમ નાજુક અને બહુઆયામી સંબંધો હોવાથી તેમા દરમિયાનગીરી કરવી યોગ્ય નથી. ૨૦૨૦માં ગલવાનના કારણે તળિયે ગયેલા સંબંધો ગયા વર્ષે જિનપિગ અને પીએમ મોદી મળ્યા પછી સુધર્યા છે અને સતત સુધરતા રહ્યા છે. બંને દેશોએ એકબીજાના હરીફ તરીકે નહીં પણ ભાગીદાર તરીકે વિકસવાનું નક્કી કર્યુ છે.  બંને દેશ સાથેના સંબંધો રશિયા માટે મહત્ત્વના છે. રશિયા-ચીનના સંબંધો ભારતના ભોગે નથી અને રશિયા-ભારતના સંબંધો ચીનના ભોગે નથી. વાસ્તવમાં આ ત્રણ દેશો જ બ્રિક્સનો આધાર છે. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદને લઈને પણ તે જાણે છે. તેઓ માનતા નથી કે પાકિસ્તાન કોઈના દબાણમાં આવીને નિર્ણય લેતું હોય. પાકિસ્તાન મોટો દેશ છે અને અનેક દેશ સાથે બહુઆયામી સંબંધ ધરાવે છે.

કીવ સમાધાન કરે તો રશિયા ટ્રમ્પની દરખાસ્ત સ્વીકારવા તૈયારઃ પુતિન

સેન્ટ પીટર્સબર્ગ : રશિયન પ્રમુખ પુતિને વૈશ્વિક સમાચાર સંસ્થાઓને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવાયું હતું કે યુક્રેન જો બાંધછોડ કરવા તૈયાર થોય તો રશિયા ટ્રમ્પની દરખાસ્ત સ્વીકારવા માટે તૈયાર છે. યુદ્ધક્ષેત્રમાં રશિયા પ્રભુત્વશાળી સ્થિતિમાં છે. રશિયા યુક્રેનના હુમલા ખાળવા માટે તેની એર ડિફેન્સ સિસ્ટમને વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પુતિનને પાઠવેલા ખુલ્લા પત્રમાં જણાવ્યું હતું કે તેઓ પોતે રશિયન પ્રમુખ પુતિનને રૂબરુ મળીને યુદ્ધનો અંત લાવવા માટે તૈયાર છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે સીધી વાતચીત થશે તો જ યુદ્ધવિરામ કે કાયમી શાંતિ સ્થપાશે. ક્રેમલિને જણાવ્યંત હતું કે રશિયાને ઝેલેન્સ્કીને પત્ર મળી ગયો છે. પુતિને જણાવ્યું હતું કે રશિયન લશ્કર પાસે યુક્રેનનો ૨,૪૪૦ ચોરસ કિ.મી.નો વિસ્તાર છે. રશિયન લશ્કર દરેક મોરચે આગળ વધી રહ્યુ છે. પુતિને આ સિવાય ઝેલેન્સ્કીની પર્સનલ મીટિંગની ઓફરને પણ ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને તો ઝેલેન્સ્કીને હાલ મળી શકાય તેવો કોઈ મુદ્દો લાગતો નથી. 

ભારતની ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ સિસ્ટમમાં રશિયાને રસ

રશિયાની ભારતને ફિફ્થ જનરેશન ફાઈટર જેટ એસયુ-57ની ઓફર

- ભારતમાં જ કોમ્બેટ પ્લેનનું સંયુક્ત ઉત્પાદન કરવાના પણ પુતિને સંકેત આપ્યા

સેન્ટ પીટર્સબર્ગ : રશિયાના પ્રમુખ વ્લાડીમિર પુતિને ભારતને રશિયાના ફિફ્થ જનરેશન ફાઈટર જેટ એસયુ-૫૭ની ઓફર કરી છે અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અન્વયે આ કોમ્બેટ જેટનું ભારતમાં સંયુક્ત ઉત્પાદન કરવાના સંકેત પણ આપ્યા છે. 

રશિયા દાયકાઓ સુધી ભારતનું મુખ્ય ડિફેન્સ પાર્ટનર રહ્યું છે. પણ યુક્રેન યુદ્ધના કારણે પુરવઠામાં સતત આવતા અવરોધ અને વિલંબના કારણે ભારતે લશ્કરી ખરીદીને વૈવિધ્યસભર બનાવવી પડી છે. ફિફ્થ જનરેશન ફાઇટર જેટ પર એક વર્ષ સુધી રિસર્ચ કર્યા પછી ભારતે તેનો મહત્ત્વાકાંક્ષી એડવાન્સ્ડ મલ્ટીરોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ) પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તેને દેશનો મહત્ત્વાકાંક્ષી એરોસ્પેસ પ્રોગ્રામ માનવામાં આવે છે.

પુતિને જણાવ્યું હતું કે મોસ્કો ભારત-રશિયા વચ્ચે સંરક્ષણ અને લશ્કરી સહયોગના વિવિધ પાસા જોઈ રહ્યા છે. રશિયા એસયુ-૫૭ કાર્યક્રમ અંગે બારત સાથે જોડાવવા આતુર છે. અમે ભારતને એસયુ-૫૭ સંયુક્ત રીતે વિકસાવવાની ઓફર કરી છે. જો કે ભારતે હજી સુધી આ અંગે નિર્ણય લીધો નથી, પરંતુ ભારતે ના પણ પાડી નથી. 

હિંદુસ્તાન એરોનોટિક્સ સુખોઈ બનાવનારી રશિયન કંપનીના સંપર્કમાં છે. પુતિને આ ઉપરાંત ભારતના અન્ય ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ સિસ્ટમ્સ વિકસાવવા હાથ મિલાવવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.