World

યુએનમાં ભારતે પાકિસ્તાનના ધજાગરા ઉડાડયા લાદેનથી શરૂ કરી દરેક મુદ્દે તેજીલા જવાબ આપ્યા

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
યુ.એન.માં પાકિસ્તાની PM શાહબાઝ શરીફના ભારત વિરોધી નિવેદનોનો ભારતીય દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે સણસણતો જવાબ આપ્યો. તેમણે પાકિસ્તાનને આતંકવાદનો જન્મદાતા ગણાવતા કહ્યું કે, જે દેશ રાત્રે આતંકવાદ ફેલાવે અને દિવસે સુરક્ષાની વાત કરે, તેને UN જેવા મંચ પર બોલવાનો અધિકાર નથી. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને PoK પર નજર નાખવા જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

યુએનમાં ભારતે પાકિસ્તાનના ધજાગરા ઉડાડયા લાદેનથી શરૂ કરી દરેક મુદ્દે તેજીલા જવાબ આપ્યા
  • ભારતીય દૂતાવાસનાં ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે શરીફના એકે-એક આક્ષેપો સામે સણસણતા સવાલો પૂછ્યા

યુ.એન. : પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રોમાં પોતાનાં ભાષણમાં ભારત ઉપર અનેકવિધ પ્રહારો કર્યા હતા તેનો જવાબ આપવા ભારતનાં સ્થાયી મિશનનાં ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે પાકિસ્તાન ઉપર જ સીધા નિશાન સાધતાં કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી કેટલીક અજાયબી ભરી વાતો સાંભળવામાં આવી, પરંતુ પાકિસ્તાન રાત્રે આતંકવાદ અને દિવસે સુરક્ષાની વાત કરે છે.
ગેહલોતે વધુમાં કહ્યું કે પાકિસ્તાન તરફથી આ ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે ન્યૂયોર્ક ૯/૧૧ હુમલાની વરસી મનાવી રહ્યું છે અને તે દુષ્કૃત્યનો માસ્ટર માઇન્ડ ઓસામા-બિન-લાદેન પાકિસ્તાની સેનાની એકેડેમીની પાસે જ રહેતો હતો જે દેશ પોતે જ આતંકવાદનો જન્મદાતા હોય અને સંરક્ષક પણ હોય તેનું સંયુક્ત રાષ્ટ્રો જેવા મંચ પરથી શાંતિ અને સુરક્ષા પર જ્ઞાાન આપવું હાસ્યાસ્પદ છે તેમ પણ તેમણે કહ્યું.
કાશ્મીર મુદ્દાએ પણ તેટલો જ તેજીલો જવાબ આપતાં તેઓએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર તથા લડાખ ભારતનાં અભિન્ન અંગો છે, અને હંમેશાં રહેશે જ. જો પાકિસ્તાન માનવ અધિકારોની વાત કરવા માગે તો તેણે ગેરકાયદે કબ્જે કરેલા કાશ્મીરના પ્રદેશ પી.ઓ.કે. તરફ જોવું જોઈએ, જ્યાં રાવલકોટ સહિત આસપાસના વિસ્તારમાં રોજેરોજ પાકિસ્તાની સેના જનસામાન્ય ઉપર ક્રૂર અત્યાચારો કરી રહી છે, મનમાની હત્યાઓ કરે છે, મૂળભૂત અધિકારોનો પણ નાશ કરે છે. તેથી પાકિસ્તાને તે તરફ પણ થોડું જોવું જોઈએ.
શરીફે લઘુમતિઓ ઉપર ભારતમાં થતાં અત્યાચારો અંગે કરેલા આક્ષેપો અંગે પાકિસ્તાનને આડે હાથે લેતાં કહ્યું હતું કે તેનો ઈતિહાસ જ કટ્ટરતા અને નફરતથી ભરેલો છે તે દિવસે સુરક્ષાની વાત કરે છે, પરંતુ રાત્રે આતંકવાદ ફેલાવે છે, તે દેશને આ સભામાં ધાર્મિક અસહિષ્ણુતા વિષે કશું કહેવાનો અધિકાર જ નથી. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાનમાં હિન્દુ, શીખ, ઇસાઇ જેવી લઘુમતિઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે.