ભારત-ઈન્ડોનેશિયાએ બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઈલ સહિત 14 કરાર કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પીએમ મોદી ઈન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત
ભારતની યુપીઆઈ-ઈન્ડોનેશિયાની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનું જોડાણ કરાશે, આઈઆઈએમ-આઈઆઈટી કેમ્પસ ખોલશે
ભારત ઈન્ડોનેશિયાને ઈવીએમ વિકસાવવા સહાય કરશે, યોગ્યકાર્તામાં હિન્દુ મંદિરના સંરક્ષણ અને સંચાલનમાં મદદ કરશે
જકાર્તા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ભારત મંગળવારે ઈન્ડોનેશિયાને બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ અને ઓપરેશન સિંદૂરમાં વપરાયેલા હવામાંથી હવામાં પ્રહાર કરતા અસ્ત્ર મિસાઈલ પૂરા પાડવા સહમત થયું છે. પીએમ મોદી અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોની હાજરીમાં બંને દેશે ૬૦ કરોડ ડોલરના સંરક્ષણ કરાર કર્યા હતા. આ સાથે બંને દેશ વચ્ચે મંગળવારે ડિફેન્સ, ક્રિટિકલ મિનરલ અને સ્ટીલ સપ્લાય ચેઈન, મેરિટાઈમ સુરક્ષા, દવા, શિક્ષણ, અંતરિક્ષ, ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં ૧૪ સમજૂતી કરાર થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્ટ ઈસ્ટ નીતિ અને મહાસાગર વિઝન નીતિ હેઠળ ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ત્રણ દેશોના પ્રવાસના પહેલા તબક્કામાં સોમવારે ઈન્ડોનેશિયા પહોંચ્યા હતા. પીએમ મોદી અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ મંગળવારે દ્વિપક્ષીય બેઠક કરી બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ઈન્ડોનેશિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ સન્માન 'બિઅંતા અદિપૂર્ણા'થી સન્માનિત કર્યા હતા. પીએમ મોદીને વૈશ્વિક સ્તરે મળેલું આ ૩૪મું સન્માન છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સુબિયાંતોની હાજરીમાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે થયેલા કરારોમાં સંરક્ષણ ક્ષેત્રમાં બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઈલના કરાર સૌથી મોટી સિદ્ધિ રહ્યા હતા. આ કરારથી ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનશે. ઓપરેશન સિંદૂરમાં આ બંને મિસાઈલોના અભૂતપૂર્વ પ્રદર્શનથી પ્રભાવિત થઈ ઈન્ડોનેશિયાએ ભારતના સ્વદેશી મિસાઈલો ખરિદવાનો નિર્ણય કર્યો છે. આ સાથે બંને દેશ રણનીતિક રૂપે અત્યંત મહત્વપૂર્ણ સબાંગ બંદરનો સંયુક્તરૂપે વિકાસ કરશે. આ બંદર સ્ટ્રેટ ઓફ મલક્કાના મુખ પર સ્થિત છે, જે હિન્દ-પ્રશાંત મહાસાગરની સુરક્ષા અને સમુદ્રી વેપારની દૃષ્ટિએ મોટું પગલું છે.
આ સિવાય હિન્દ-પ્રશાંત મહાસાગરમાં ચીનનું પ્રભુત્વ રોકવા માટે બંને દેશના કોસ્ટગાર્ડ વચ્ચે સહયોગ વધશે, જેઓ સમુદ્રી નિરીક્ષણ, રિસર્ચ અને રેસ્ક્યુ અભિયાન સહિત હિન્દ-પ્રશાંત મહાસાગરમાં જહાજોનું સુરક્ષિત પરિવહન નિશ્ચિત કરશે. બંને દેશ સમુદ્રી સુરક્ષા સહયોગને પણ નવી દિશા આપશે. વધુમાં ભારત અને ઈન્ડોનેશિયા ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરશે, જેના હેઠળ ભારતના યુપીઆઈ અને ઈન્ડોનેશિયાના ક્યુઆરઆઈએસ વચ્ચે ક્રોસ-બોર્ડર લિંકેજ કરાશે. તેનાથી બાલી અને અન્ય સ્થળો પર જતા ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓને સીધા પોતાના ફોનથી જ સરળતાથી અને સસ્તું ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિધા મળશે.
ભારત ઈન્ડોનેશિયાની ચૂંટણી માટે વિશેષ ઈવીએમ વિકસિત કરવામાં પણ તેમને ટેકનિકલ સહાય પૂરી પાડશે. ભારતના સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાનો આઈઆઈટી અને આઈઆઈએમ હવે ઈન્ડોનેશિયામાં તેમના કેમ્પસ સ્થાપિત કરશે.
ભારત ક્રિટિકલ મિનરલ્સ, સ્ટીલ સેક્ટરમાં રોકાણ કરશે
જકાર્તા : ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે દુર્લભ ખનીજો અને સ્ટીલના પુરવઠાની ટેક્નોલોજીમાં સહયોગ વધારવા માટે પણ કરાર થયા છે, જેના હેઠળ ભારત ઈન્ડોનેશિયામાં સ્ટીલ, નીકલ અને રેર અર્થ પરમનન્ટ મેગ્નેટ્સના નિર્માણમાં રોકાણ કરશે. આ સહયોગથી ખનીજ ક્ષેત્રમાં રોકાણ વધશે અને બંને દેશો વચ્ચે સંયુક્ત સંશોધન અને પ્રોજેક્ટને પ્રોત્સાહન મળશે. તેનાથી ઈલેક્ટ્રિક વાહન, સેમીકન્ડક્ટર અને હાઈ-ટેક ઉદ્યોગો માટે જરૂરી ક્રિટિકલ મિનરલ્સની પુરવઠા ચેઈન મજબૂત થશે.




