India-Bangladesh Energy Diplomacy : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના પડોશી દેશ બાંગ્લાદેશ પર પણ પડી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીને કારણે ઓઇલનો પુરવઠો ખોરવાતા બાંગ્લાદેશમાં ડીઝલની તંગી સર્જાઈ છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશે મદદ માટે વિનંતી કરતાં જૂની કડવાશ ભૂલીને ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે તુરંત જ કાર્યવાહી કરીને ‘ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇન’ (IBFP) દ્વારા બાંગ્લાદેશને ડીઝલ મોકલવાનું શરૂ કરી દીધું છે.
IBFP શું છે?
IBFP ઓઇલનું વહન કરતી 131.5 કિલોમીટર લાંબી પાઇપલાઇન છે, જેનો લગભગ 126.5 કિ.મી.નો હિસ્સો બાંગ્લાદેશમાં છે, જ્યારે પાંચ કિ.મી. લાંબી પાઇપલાઇન ભારતમાં છે. તે પશ્ચિમ બંગાળના સિલિગુડી ટર્મિનલથી શરૂ થઈને બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લાના પરબતીપુર ડેપો સુધી જાય છે. વર્ષ 2022માં નિર્માણ પામેલી આ પાઇપલાઇનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાએ કર્યું હતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 15 વર્ષનો કરાર છે. હાલમાં, ભારત દર વર્ષે 1,80,000 ટન ડીઝલ બાંગ્લાદેશ મોકલે છે. જો કે, આ પાઇપલાઇનમાં દર વર્ષે 10 લાખ ટન સુધી ઓઇલ મોકલવાની ક્ષમતા છે.
શા માટે આ પાઇપલાઇન ખાસ છે?
પહેલા ડીઝલ ટ્રેન દ્વારા મોકલાતું હતું, પરંતુ તે ખૂબ મોંઘું પડતું અને તેમાં સમય પણ ખૂબ લાગતો. હવે આ પાઇપલાઇનને કારણે ઓઇલ-પરિવહન ઝડપી અને સસ્તું થઈ ગયું છે. બળતણ હવે કલાકોમાં પરબતીપુર પહોંચી જાય છે. આ માર્ગના ઉપયોગથી પ્રદૂષણ ન થતું હોવાથી એ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. ઉત્તર બાંગ્લાદેશના ખેડૂતો, ટ્રાન્સપોર્ટ અને વીજળી પ્લાન્ટને હવે સરળતાથી ડીઝલ મળી રહ્યું છે.
વિપરિત સંજોગોમાં બાંગ્લાદેશને રાહત મળી
માર્ચ 2026 દરમિયાન, બાંગ્લાદેશમાં ગંભીર ઊર્જા કટોકટી હતી. ભારતે આ પાઇપલાઇન દ્વારા એક મહિનામાં જ લગભગ 17,000 ટન ડીઝલ મોકલી આપ્યું. આમાં 5,000 અને 7,000 ટનના બે બેચનો સમાવેશ થાય છે. આ પુરવઠાને કારણે બાંગ્લાદેશને મોટી રાહત મળી છે.
જો પાઇપલાઇન બંધ થઈ જાય તો શું થશે?
જો કોઈ કારણસર આ પાઇપલાઇન બંધ થઈ જાય તો બાંગ્લાદેશ માટે મુશ્કેલી ઊભી થઈ જશે કારણ કે, બાંગ્લાદેશ પાસે ફક્ત 15 દિવસ ચાલે એટલું જ ઓઇલ છે. પરિવહન, કૃષિ, ગાર્મેન્ટ ઉદ્યોગ અને વીજ ઉત્પાદન જેવા અનેક ક્ષેત્રો પ્રભાવિત થશે. જો આ પાઇપલાઇન બંધ થાય, તો તેણે સાઉદી અરેબિયા કે ચીનથી ઓઇલ લાવવું પડશે, જે ખૂબ મોંઘું છે અને તેમાં સમય પણ વધારે લાગે છે.
જો એવું થાય તો ફુગાવો વધી જાય, જીવનજરૂરિયાતની ચીજો મોંઘી અને અપ્રાપ્ય બનતા અરાજકતા ફેલાઈ જાય, એવું બની શકે. તેથી આ પાઇપલાઇન બાંગ્લાદેશના અર્થતંત્ર અને સમાજજીવન માટે જીવાદોરી સમાન છે.


