India Azerbaijan Diplomatic Relations: ભારત અને અઝરબૈજાન વચ્ચેના સંબંધોમાં લાંબા સમય બાદ ફરી એકવાર સુધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025માં ભારતે જ્યારે પાકિસ્તાન અને પીઓકે(PoK)માં આતંકી ઠેકાણાઓ પર 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું, ત્યારે અઝરબૈજાને ખુલ્લેઆમ પાકિસ્તાનનો સાથ આપીને ભારતની ટીકા કરી હતી. આ ઘટનાને પગલે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ આવી ગઈ હતી અને ભારતમાં અઝરબૈજાનના બહિષ્કારની ઝુંબેશ પણ ચાલી હતી. જોકે, તાજેતરમાં બાકુ ખાતે મળેલી ઉચ્ચ સ્તરીય રાજદ્વારી બેઠક બાદ હવે બંને દેશો પોતાના દ્વિપક્ષીય સંબંધોને 'રીસેટ' કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
ભારત અને અઝરબૈજાન વચ્ચેના સંબંધોમાં નવી શરૂઆત
આ નવી શરૂઆત પાછળનું એક મોટું કારણ માનવીય મદદ માનવામાં આવે છે. મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી સ્થિતિમાં ઈરાનમાં ફસાયેલા 200થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં અઝરબૈજાને ભારતની મોટી મદદ કરી હતી. અઝરબૈજાને પોતાની લેન્ડ બોર્ડર ખોલીને ભારતીયોને પોતાના રસ્તે પસાર થવા દીધા હતા, જેના માટે ભારતના વિદેશ મંત્રાલયે આભાર વ્યક્ત કર્યો છે. આ એક 'સદ્ભાવના' સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે જેણે વર્ષોના તણાવ બાદ વાતચીતના દ્વાર ખોલ્યા છે.
દ્વિપક્ષીય બેઠકમાં મહત્ત્વના મુદ્દા
ભારતના વિદેશ મંત્રાલયના સચિવ સિબી જ્યોર્જ અને અઝરબૈજાનના નાયબ વિદેશ મંત્રી વચ્ચે થયેલી આ બેઠકમાં વેપાર, ટૅકનોલૉજી, ઊર્જા અને પર્યટન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. અગાઉ અઝરબૈજાનને લાગતું હતું કે નાગોર્નો-કારાબાખ સંઘર્ષમાં ભારત આર્મેનિયાને ટેકો આપી રહ્યું છે, પરંતુ હવે બંને પક્ષોએ સ્વીકાર્યું છે કે જે મુદ્દાઓ પર મતભેદ છે તેના પર સતત સંવાદ થવો જરૂરી છે. હવે આગામી સમયમાં બંને દેશો વચ્ચે નવી દિલ્હીમાં વધુ એક રાઉન્ડની વાતચીત યોજાશે, જે પરસ્પર વિશ્વાસ માટે મહત્ત્વનું પગલું ગણાશે.


